Saturday 23 March 2013

માણસ પોતાના નાનકડા કાર્યક્ષેત્રમાં જરૂર વીરત્વની વારતા રચી શકે...


માણસો મોટી ઉંમરે પણ સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા થઈને પથારીમાં ન પડે અને નીરોગી જીવન જીવે તેનું કાંઈ રહસ્ય છે ખરું? ઉંમરની સાથે જીવનશક્તિનાં પૂર ઓસરવા ન દેવાં હોય તો કોઈ પણ સંજોગોમાં માણસે મનથી ટટ્ટાર રહેવું જોઈએ. આપણે મોટા ભાગે મનથી જ હારી જતા હોઈએ છીએ. માણસ એક વાર મનથી હારી જાય પછી તે ખરેખરી જીત પણ પિછાણી શકતો નથી. જિંદગીમાં હાર-જીત તો ચાલ્યા કરે છે અને ચોખ્ખી જીત કે ચોખ્ખી હાર જેવું પણ જિંદગીમાં કશું નથી. જેમ માણસની જિંદગીમાં નિર્ભેળ સુખ કે નર્યા દુઃખ જેવું કાંઈ નથી, તેમ સ્પષ્ટ જીત કે સ્પષ્ટ હાર પણ હોતી નથી. માણસની જિંદગી તો લીંબોળીના આખા ઝૂમખા જેવી છે, કેટલીક કડવી પણ હોય છે.
આપણે ત્યાં માણસો મનથી હારી જાય છે, વહેલા હારી જાય છે અને મનથી વહેલા નિવૃત્ત થઈ જાય છે. ઉંમરનો કાંટો ૫૫-૫૮ આસપાસ પહોંચે ત્યાં માણસો થાકીને બેસી જવાની તૈયારી કરે છે, કાંઈ બન્યું ન હોય તો પણ નિવૃત્ત થવાની વાત કરે છે.
જે દેશમાં લાખો જુવાનો કામ શોધતા હોય ત્યાં સરકારી કે ખાનગી નોકરીમાં, કારખાનાંમાં કે કચેરીમાં માણસોએ અમુક ઉંમરે નોકરી છોડવી પડે તેવું તો ગોઠવવું જ પડે, પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિની વાત અહીં નોકરીના સંદર્ભમાં નથી. વાત તો છે જીવનને નિષ્ક્રિય નહીં કરી દેવાની.


માણસ પોતપોતાના નાનકડા કાર્યક્ષેત્રમાં જરૂર વીરત્વની વારતા રચી શકે. જેમણે જિંદગીમાં કાંઈક કર્યું છે તેવા માણસોનાં જીવન તપાસશો તો તમને દેખાશે કે આ લોકો કામ કરતા રહ્યા છે, કપરો સંગ્રામ ખેલતા રહ્યા છે, વારેવારે પોતાની ઉંમરનાં ટીપણાં ઉખેળતાં બેસી રહ્યા નથી.
પશ્ચિમ જર્મનીના એક વારના ચાન્સેલર એડોનેરનું જીવન જ ૬૦ વર્ષ પછી શરૂ થયું હતું. ર્ચિચલનું સાચું રાજકીય જીવન પણ ૬૦ વર્ષ પછી શરૂ થયું. ર્ચિચલના એક ચરિત્રકારે નોંધ્યું છે કે ર્ચિચલનું મૃત્યુ ૬૦ વર્ષે થયું હોત તો બિ્રટનના ઇતિહાસમાં તેનું નામ કોઈ નાના પ્રકરણની ફૂટનોટમાં જ દટાઈ ગયું હોત. ચંગેઝ ખાનની જિંદગી ખરેખર ૫૬મા વર્ષે શરૂ થઈ હતી. બિ્રટનના વડા પ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીના સંધ્યાટાણે સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર ૫૫ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદ્ભાગી બન્યા. દુનિયામાં લાખો લોકો આજે પણ જે કથાના હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન કિહોટે’નો લેખક સર્વાન્ટીસ દારુણ ગરીબીમાં ૫૮ વર્ષની ઉંમરે એ વાર્તા લખવા બેઠો હતો. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઈએ, નક્કી કરી નાખવું જોઈએ અને પછી તેમાં ગૂંથાઈ જવું જોઈએ. માણસ ધારે તો ઘણાં બધાં કામ સાથે પણ કરી શકે છે. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માણસની પ્રવૃત્તિ માત્ર રોજી-રોટી કમાવાની આવશ્યકતાના ખાબોચિયામાં ડૂબી જવી નહીં જોઈએ. જેમના જીવનમાં કાર્યપ્રવૃત્તિનો ગુંજારવ ચાલુ જ રહે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક પણ મધ નીપજયા વગર રહેતું નથી. 
ઘણા બધા માણસો પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, ‘સાહેબ, આવડત તો એટલી બધી છે, કામ કરવું પણ એટલું બધું ગમે છે- ફલાણાને પૂછી જોજોને, એ તમને કહેશે કે હું તો કામનો રાક્ષસ હતો. એટલું કામ કરતો, એટલું કામ કરતો... પણ અત્યારે કાંઈ કરી શકતો નથી- કેમ કે...
કોઈ પત્ની કે પુત્રની માંદગીની વાત કરશે, કોઈ પોતાના પક્ષાઘાત કે લોહીના દબાણની વાત કરશે, કોઈ એક યા બીજા પ્રકારની મુશ્કેલી આગળ કરશે. કેટલાક કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ મોટા ભાગના કિસ્સામાં આવાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવી રાખેલાં હોય છે.
૫૫થી ૬૦ વર્ષની ઉંમરના માણસોને તમે ‘પેન્શનર્સ પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટા મારતાં જુઓ ત્યારે થાય કે, આ બધા કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર, સરકારી અમલદાર કે દુકાનદાર હોય તો સારી વાત છે, પણ તેથી તો તેમણે બેસી જવાને બદલે પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઈએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડ્યું છે. સમાજને ઉપયોગી થવાનાં નાનાં-મોટાં લાખ કામ રાહ જોઈને પડ્યાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે નવરા પડવું ન પડે એટલું કામ છે.
પણ તેમાં પ્રવૃત્ત થવાને બદલે માણસ અત્યારે કાં તો મોટાં પાટિયાં મારીને આળસને લાડ લડાવતી ક્લબ-પ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે અને કાં પોતાની નિષ્ક્રિયતાને ર્ધાિમકતાનો કેસરી સાફો બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાની-મોટી વેદનામાં પિલાતા હોય, કોઈની મદદનો હાથ આવી મળવાની રાહ જોઈ રહ્યા હોય, ત્યારે કોઈને પણ ઈશ્વરના નામે રીટાયરિંગ રૂમમાં પગ પહોળા કરીને બેસી જવાનો અધિકાર નથી.

No comments:

Post a Comment