Saturday 6 October 2012

મૃત્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે.....................

મૃત્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે.....................

ફ્રેન્ચ ફિલસૂફનિબંધલેખક મોન્ટેને એવું કબૂલ કર્યું છે કે મૃત્યુનો ડર મને લાંબા વખતથી સતાવ્યા કરતો હતો. મારી તબિયત અલમસ્ત હતી ત્યારે પણ થતું કે મોત તો નક્કી છે અને કોઈ પણ પળે આવી શકે છે. મોતનો ખ્યાલ અને એનો સતત ભય  એમાંથી છૂટવા શું કરવું? તેણે આમાંથી રસ્તો કાઢ્યો. મોન્ટેન કહે છે ઃ ફિલસૂફી માણસને મોતથી નહીં ડરવાનું શીખવી શકે છે. માણસને ગૌરવપૂર્વક મરતાં શીખવે એ જ ફિલસૂફી.મહાકવિ કાલિદાસની જેમ જ મોન્ટેન કહે છે કે મૃત્યુ સ્વાભાવિક છે  જીવન આશ્ચર્ય છે.

આખા વિશ્વની વ્યવસ્થા સાથે મૃત્યુ સુસંગત છે. મોન્ટેન એવો સવાલ કરે છે કે આપણા મૃત્યુ પછી આપણે નહીં હોઈએ એ ખ્યાલ આપણને આટલો બધો અકળાવનારો શું કામ લાગવો જોઈએ? આપણા જન્મ પહેલાં આપણે નહોતા તે વિચારથી શું આપણે અકળામણ અનુભવીએ છીએ? જન્મ પહેલાં આપણે ક્યાં હતા? એ જેવો એક અજ્ઞાત વિષય છે તેમ મૃત્યુ પછી ક્યાં હોઈશું તે પણ એવો જ અજ્ઞાત વિષય છે.
સેનેકાની શિખામણ મોન્ટેનને બરાબર ગળે ઊતરી ગઈ. બેધડક મોતનો વિચાર કરો  વારંવાર વિચાર કરો અને એમ કરીને મોતનો ડર મનમાંથી કાઢી નાખો. કોઈ પણ પળે વિદાય લેવાની તૈયારી સાથે માણસે જિંદગીને માણવી જોઈએ.

મોન્ટેન ફિલસૂફ ખરો, પણ ફિલસૂફ પણ આખરે માણસ તો છે જ ને? મોતને ગમે તે પળે વધાવી લેવાની સજ્જતા કેળવવાની સલાહ આપનારા મોન્ટેનના જીવનમાં એવા બનાવો બન્યા કે તેને પોતાને જ પોતાની સલાહ ભૂલભરેલી લાગી! મોતનો સતત વિચાર કર્યા કરવો એ તો પળે પળે મરવા બરોબર જ છે! મોન્ટેનની નાનકડી પુત્રીઓ મરી ગઈ હતી. એના વતનના પ્રદેશ બોરડીઓમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. મોત માત્ર ચિંતનનો વિષય મટીને એની પોતાની જ ગરદન ઉપર એક ગરમ ફૂંક બની ગયું! મોન્ટેન જીવતો માણસ છે  ગમે તેવા મોટા ફિલસૂફોના કે ખુદ પોતાના વિચારોને પવિત્ર પોથી ગણીને પકડી રાખે એવો નથી. મોન્ટેને પોતાના વિચારોમાં સુધારો કર્યો. એણે કહ્યું કે મોતનો સતત વિચાર કર્યા કરવાથી મોતનો ડર તો નીકળે કે ન નીકળે, પણ જિંદગીની ચિંતા વધે છે! એટલે મને લાગે છે કે આપણે સારી અને સાર્થક રીતે કેમ જીવવું એટલું જ શીખવાની જરૂર છે. બરાબર જીવતાં શીખએ તો પછી આપણને બરાબર મરતાં પણ આવડી જશે.

મોન્ટેન કહે છે કે જિંદગીનું મૂલ્ય તેનાં વર્ષોની લંબાઈમાં નથી, પણ તેનો શું ઉપયોગ કરીએ છીએ તેમાં છે. મોન્ટેન કહે છે કે મારી જિંદગીનો સમય મર્યાદિત છે તે હું જાણું છું એટલે હું બમણા ઉમંગથી જિંદગીને માણું છું. મારી જિંદગીને વધુ વજનદાર બનાવવા મથું છું. જીવન ટૂંકું છે માટે હું વધુ અર્થસભર અને ભરપૂર બનાવવા માગું છું.

મોન્ટેનના સામે છેડે ગિઓરડાનો બ્રુનો છે. ટેલિસ્કોપની શોધ થઈ તે પહેલાં જ બ્રુનોએ એવું કહ્યું હતું કે બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય નથી  એ પણ એક તારો છે અને ઘણા બધા સૂર્યો છે. બ્રહ્માંડ અનંત છે  સમય અનંત છે. બ્રુનોના સમયમાં ટેલિસ્કોપ નહોતું એટલે પશ્ચિમના જગતમાં તો બ્રુનોની આ બધી વાતો ભવિષ્યની આગાહી સમાન જ ગણાય.

બ્રુનો કહે છે કે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. આ વિશ્વમાં કશું નાશ પામતું જ નથી. પરિવર્તનની એક અખંડ પ્રક્રિયા ચાલ્યા કરે છે અને કશું તત્ત્વતઃ મૃત્યુ પામતું નથી  કશું ઘટી જતું નથી, ઓછું થઈ જતું નથી  માત્ર તેનું સ્વરૂપ બદલાય છે.

બ્રુનો કહે છે: આ વિશ્વમાં તમામ વસ્તુઓ છે અને તમામ વસ્તુઓમાં વિશ્વ છે. આપણે તેનામાં છીએ અને તે આપણામાં છે. મૂંઝાવા જેવું કશું જ નથી. આ વિશ્વમાં કશું જ નાશવંત નથી. અનંતનો આ સરવાળો અનંત જ છે. તેમાંથી કશું બાદ થતું નથી અને કશું શૂન્ય બની જતું નથી.

બ્રુનો કહે છે કે મૃત્યુને હું અશક્ય જ ગણું છું. મને જ્ઞાનની જે અણછીપી પ્યાસ છે, વધુ રૂપવાનગુણવાન થવાની જે અનંત ઝંખના છે તે જ મારે મન આ વિશ્વની અનંતતાનો પુરાવો છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી..........................

No comments:

Post a Comment