Thursday, 25 October 2012

કોઈ જિંદગી અમીર કે ગરીબ નથી હોતી………………

કોઈ જિંદગી અમીર કે ગરીબ નથી હોતી………………
 આપણે જોઈએ છીએ કે કેટલાક માણસો કલાકો સુધી કામ કરે છે. થાકીને લોથ થઈ જાય છે. પૂરી ઊંઘ પામતા નથી, પૂરતું ભોજન પણ પામી શકતા નથી હોતા અને છતાં આજે પણ આવા કેટલાક માણસો એટલી મોજથી અને એટલી મસ્તીથી જીવતા હોય છે કે આપણને એમ લાગે છે કે તેનામાં શરીરના અને મનના થાકને માણવાની પણ ત્રેવડ છે. તે ઊંઘને જરૂર ચાહે છે, ઝંખે છે પણ ઉજાગરાને પણ માણી શકે છે. રશિયાના મશહૂર નવલકથાકાર ફાઈદોર દોસ્તોવસ્કીએ એની નવલકથા, લગભગ દરેક નવલકથા ચાર-ચાર વાર લખી છે. એક વાર્તા લખીને પછી ફરીને સુધારી સુધારીને લખવાનું કામ ભારે કંટાળાજનક હોય છે. પાંચસો કરતાં વધુ પાનાંની એક નવલકથા દોસ્તોવસ્કીએ પાંચ વાર લખી પણ છઠ્ઠી વાર લખી ના શક્યો તે અંગે અફસોસ વ્યક્ત કરતાં લખે છેઃ છઠ્ઠી વાર લખી શક્યો હોત તો મને ખૂબ સંતોષ થાત. છઠ્ઠી વાર લખી ના શક્યો, કેમ કે હમણાં તબિયત એકદમ નરમ છે. નાણાંની મુશ્કેલી, તબિયતની મુશ્કેલી, બધી જ મુશ્કેલી જોતાં વાચકો મને માફ કરે એવું તો કેમ કહેવાય, પણ ચલાવી લેશે તેવી આશા જરૂર રાખી શકું!

મોબી ડીકના લેખક તરીકે અમેરિકાના હરમાન મેલ્વીને આજે જગતના શ્રેષ્ઠ નવલકથા-કારોની પંક્તિમાં મૂકવામાં આવે છે, પણ તેણે જયારે આ વાર્તા ઉપર પોતાની બધી જ શક્તિ કામે લગાડી ત્યારે તેને ભવિષ્યની કોઈ ર્કીતિ કે કદરની કશી કલ્પના પણ નહીં હોય. મેલ્વીન સફળ લેખક નહોતો. તે નિષ્ફળ કે ખાસ નોંધપાત્ર નહીંએવો લેખક ત્યારે ગણાતો હતો.

આજે આપણે અમેરિકાના અબ્રાહમ લિંકન વિશે ઘણું જાણીએ છીએ. ગુલામોના મુક્તિદાતા અને અમેરિકાના એક મહાન પ્રમુખ તરીકે આપણે તેમને જરૂર પિછાનીએ પણ તે જયારે એક નિષ્ફળ અને ગરીબ માણસ હતા ત્યારે પણ તેમણે એક વ્યવસાયી વકીલ તરીકે નામ માત્ર ફી લઈને પણ કેટલી એકાગ્રતા અને મહેનત કામે લગાડ્યાં હતાં તે જાણવા જેવું છે. લિંકન દેખાવમાં કદરૂપાહોવાની છાપ પાડતા. કપડાં પણ ગરીબ માણસના અને જિંદગીના પ્રતિકૂળ સંજોગોને લીધે તેમનું મન ગ્લાનિમાં અને નિરાશામાં ડૂબી જતું. કેટલાકને જેમ શરદીનો કોઠો હોય છે તેમ લિંકનને નિરાશાનો જ કોઠો, પણ આ માણસ તેની સામે બરાબર લડ્યા. 

લિંકનની જુવાનીના દિવસોમાં તે એક યુવતીના પ્રેમમાં હતા. યુવતી અચાનક મૃત્યુ પામી અને લિંકન શોકમાં ડૂબી ગયા ત્યારે આત્મઘાતક વૃત્તિઓ એટલી જોરમાં હતી કે લિંકનના મિત્રો તેનાં ગજવાં તપાસતા-રખે છરી-ચાકુ તેની પાસે હોય અને તે પોતાનું ગળું કાપી બેસે! પણ લિંકન જાતે જ પોતાની આ નિરાશા અને આત્મઘાતની વૃત્તિઓ સામે લડ્યા. લિંકન કહે છે કે બહારનો ટેકો બહુ જૂજ હતો પણ ટેકા વગર ચાલે તેવું નહોતું એટલે અંદરથી ટેકા ઊભા કર્યા. પળે પળે નિષ્ફળતા મળતી હતી એટલે મનની અંદર સફળતાની એક શ્રદ્ધા ઊભી કરી. લિંકનના હજાર રમૂજી ટૂચકાઓની પાછળ સાચાં આંસુઓની અનેક માળાઓ પડી છે. ખરો મુદ્દો છે તેની મૂળભૂત ભાવનાનો. જીવનને, ઘરને, સમાજને, ધરતીને અને આકાશને ચાહવાની એની ઊડી લગનનો. એથી જયારે તમે જીવનના કેન્દ્રસ્થાને આ ભાવનાને બરાબર સ્થાપો છો ત્યારે બહારના સંજોગો, કમનસીબીઓ, પ્રતિકૂળતાઓ, જાતજાતની ઊણપો અને બંધનો બધું જ પાર કરીને તમે જીવનના આનંદ અને તૃપ્તિની પૂરી ગુંજાશ અજમાવી શકો છો.

જયારે જીવનના કેન્દ્રસ્થાને તમે આવી ભાવનાને સ્થાપી શકતા નથી ત્યારે તમારી લાખ સફળતા છતાં તમે અંદરખાને ભાંગેલા અને હતાશ જ રહો છો. તમે સફળ બનો ત્યારે પણ અંદર ક્યાંક કડવાશ ટપકી પડે છે, કારણ કે તમે તો જિંદગીને ધિક્કારતા જ રહ્યા છો એટલે જિંદગી જયારે તેની ખુશીનો ખજાનો ખુલ્લો કરશે ત્યારે તમને અગાઉના તમારા ખાલીખમ પટારાઓનું જ ચિત્ર તમારા આંતરિક દૃશ્યપટ ઉપર દેખાશે! તમારી પોતાની જીતને જ તમે મનાવી નહીં શકો-દુનિયાને તમે ગમે તે મનાવો.

જિંદગીને ચાહનારી વ્યક્તિને નાનામાં નાની ભેટ મોટી બક્ષિસ લાગે છે. જિંદગીને ધિક્કારનારી વ્યક્તિને મોટામાં મોટું ઈનામ વેર વસૂલ કરીને મેળવેલા વળતર જેવું લાગે છે. કેટલાક માણસોને તમે તેમની સફળતાની, સુખની, યશની પળોમાં પણ કડવાશ વાગોળતા જોશો તો તેનું કારણ તેમના મનમાં ઊંડે ઊંડે પડેલો ધિક્કાર જ હોય છે. પોતાને મળેલી સફળતા માટે તેઓ પોતાની જાતને પણ માફ કરી નથી શકતા! જાણે ખુદ પોતાની જ અદેખાઈ કરવાના કામે લાગી જાય છે.

ફ્રાન્સના મશહૂર નિબંધલેખક મોન્ટેઈને ક્યાંક એવા મતલબનું કહ્યું છેઃ કોઈ જિંદગી અમીર કે ગરીબ નથી હોતી. જિંદગીની અમીરી કે ગરીબીનો આધાર તેના જીવનારા પર છે.

-          ભૂપત વડોગરિયાના પુસ્તકમાંથી

No comments:

Post a Comment