Thursday 4 October 2012

ડિયર રિડર......

‘એટલાં બધાં મહાન નામો ભુલાઈ ગયાં છે કે મારું નામ કોઈ યાદ કરે તેવી શક્યતા જોતો નથી.’


આ બ્લોગ પર સ્વ. ભૂપત વડોદરિયાના પુસ્તકોમાંથી 
ચૂંટેલા લેખો નિયમિત પોસ્ટ કરીએ છીએ. 
4થી ઓક્ટોબર, 2012 તેમની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથીએ 
સમગ્ર સમભાવ પરિવાર શ્રદ્ધા-સુમન અર્પણ કરે છે....
-------------------------------------------------------------------------------------------
સ્વ. ભૂપત વડોદરિયાની જિજિવિષા............

 ‘લેખક થયો ન હોત તો કદાચ હું જીવી જ શક્યો ના હોત, કેમ કે લેખકને એક સૌથી મોટો ફાયદો એ છે કે જીવનમાં કપરામાં કપરા અનુભવોને કશુંક કલાત્મક રૂપ તે આપી શકે છે.’ આ એક અવતરણમાં જ જેમના જીવન અને કવનનો, વ્યક્તિત્વનો નિષ્કર્ષ નીતરી આવ્યો  છે.

     ભૂપતભાઈ પાસે વિવિધ ક્ષેત્રોના અનુભવોનો જાણે ખજાનો છે. પત્રકારત્વક્ષેત્રનો પાંચ દાયકા ઉપરાંતનો અનુભવ તો ખરો જ, એ ઉપરાંત નવલકથા, નવલિકા, વિવેચનચરિત્ર અને નિબંધ જેવાં વિવિધ ક્ષેત્રોમાં ભૂપતભાઈએ નોંધપાત્ર સર્જન કર્યું છે. સરળ, સુગમ અને પ્રવાહી શૈલીમાં લખાયેલા એમના લલિત નિબંધો વિશાળ વર્ગની ચાહના પ્રાપ્ત કરનાર ‘પંચામૃત’ કટાર, જેણે ભૂપતભાઈની ચિંતક તરીકે આગવી પિછાણ ઊભી કરી છે. ‘પ્રેમ એક પૂજા’ (નવલકથા), ‘ઘરે બાહિરે’, ‘પંચામૃત’, ‘આંસુનાં મેઘધનુષ્ય’ (નિબંધ), પરખ (ચરિત્રવિવેચન), ‘અજાણી રેખાઓ’, વાર્તાસંગ્રહ અત્યંત પ્રસિદ્ધિને વર્યાં.

     સાહિત્યકાર, લેખક, ચિંતક ઉપરાંત ભૂપતભાઈ જેવી બહુશ્રુત વ્યક્તિઓ ખૂબ ઓછી જોવા મળે. સાહિત્યના અનેક પ્રકારો તેમણે ખેડ્યા છે અને તેમનાં સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમણે વિચારક છું તેવી જ્ઞપ્તિ સાથે કશું લખ્યું નથી, પરંતુ તેમનાં લખાણો પહાડમાંથી સહજરૂપે જલબિંદુઓ ગળાઈચળાઈ ટપકતાં રહે તે રીતે અનુભવ, વાચન અને વિચારમાંથી આ રચનાઓ એકદ્રવ થઈ ટપકી રહ્યાની છાપ છોડી જાય છે. નિબંધોમાં ભૂપતભાઈની લેખક તરીકેની અને વિચારક તરીકેની જે ઊંચાઈ છે તેનો એકસાથે જ પરિચય થઈ રહે છે. તેમના વિચારોને તે ક્યારેક અન્ય વિદ્વાનોના મતથી પુષ્ટ કરે છે તો ક્યારેક કોઈ રચનાના સંદર્ભો આપીને તે નિબંધોને કથાભાષી કરી તેના મર્મને વધારે ઉત્તમ રીતે સ્ફુટ કરી આપે છે! ભૂપતભાઇ માત્ર કટારલેખક નથી, માત્ર નવલકથાકાર કે વાર્તાકાર પણ નથી, પણ એક આરૂઢ અભ્યાસી પણ છે.

     ભૂપતભાઈની સમગ્ર સાહિત્યપ્રવૃત્તિનું, સર્જનકર્મનું મૂલ્યાંકન  one sentence evaluation એક લીટીમાં કરવું હોય તો કહેવાય કે, ‘ભૂપતભાઈ લોકપ્રિય લેખક છે એના પાયામાં એમનો સતત, અગાધ, ઊંડો વાચનરસ પડેલો છે.’

     આટલું અઢળક સર્જન કર્યા પછી અને લેખક તરીકે આટલી ખ્યાતિ મેળવ્યા પછી પણ જ્યારે તેમને કોઈકે પૂછ્યું કે, ‘આપને ભાવિ જગત કઈ રીતે સ્મરે તે ગમે?’ એમનો જવાબ ફિલસૂફીની ચરમસીમાને સ્પર્શે એવો અદ્ભુત છે. એ કહે છે, ‘એટલાં બધાં મહાન નામો ભુલાઈ ગયાં છે કે મારું નામ કોઈ યાદ કરે તેવી શક્યતા જોતો નથી.’

No comments:

Post a Comment