Saturday 13 October 2012

આ જિંદગી પણ મોટું સપનું છે આની બહાર કંઈક ‘વાસ્તવિકતા’છે……….

આ જિંદગી પણ મોટું સપનું છે  આની બહાર કંઈક વાસ્તવિકતાછે……….

 આધુનિક અણુવિજ્ઞાન એવું કહે છે કે અણુઓ સ્થિર અને શાંત નથી. પ્રત્યેક અણુ તરંગમાં છે અને પ્રત્યેક અણુ અચળ પણ ભાસે છે. ગમે તેવાં સૂક્ષ્મદર્શક યંત્રો માંડીને જુઓ, આ અણુમાં નક્કર, સંગીન, અતૂટ કશું નથી. જેમ જેમ ઝીણી નજરે જોઈએ તેમ તેમ ખાતરી થાય છે કે ખરેખર જડ કશું નથી, બધું જ શક્તિરૂપ છે, ચેતનરૂપ છે અને તરંગિત અવસ્થામાં છે. અણુવિજ્ઞાનનું આ સત્ય છે અને હિંદુ ધર્મ, બુદ્ધ અને મહાવીર જે કહે છે તે પણ આ જ છે. હવે વિજ્ઞાન અને ધર્મ એક જ ભાષામાં એક જ વાત કહી રહ્યાં છે. વિજ્ઞાન કહે છે કે માણસ પ્રકાશની ગતિ પકડે તો પ્રકાશ બની જાય! પ્રકાશની ગતિ એક સેકન્ડના એક લાખ છ્યાશી હજાર માઇલ છે! ધર્મ કહે છે કે ઈશ્વર પ્રકાશપુંજ છે. આ પરમ વાસ્તવિકતા છે. પણ માણસનું જે જીવન છે તેમાં તો તત્કાલીન વાસ્તવિકતા સિવાય બીજું કંઈ નથી. એટલે આ બે છેડા વચ્ચે માણસ સતત ફંગોળાયા કરે છે. કોઈ ડાહ્યો માણસ એવું તો નહીં જ કહે કે આપણે જે બધું જોઈએ છીએ, અનુભવીએ છીએ તે ખોટું છે. ખોટું તો નથી જ પણ સાથે સાથે તે નક્કરપણ નથી જ નથી. પરિવર્તન ને પુનર્જન્મમરણના આ ચક્રમાંથી બહાર નીકળી શકાય તેમ ધર્મ કહે છે. વિજ્ઞાનને હજુ ત્યાં સુધી પહોંચવાને વાર છે. કોઈ માણસ કહે કે પોતાને એક સારું કે ખરાબ સ્વપ્ન આવ્યું ને તેમાં તેણે આટલું જોયું અને આવાં સુખદુઃખ અનુભવ્યાં તો આપણે તેની વાત ચોક્કસ માનીશું. આપણે એવું તો નહીં જ કહીએ કે સ્વપ્ન જેવંુ કંઈ છે જ નહીં! કે સ્વપ્નમાં કદી આવું બની જ ન શકે!

આપણે જાણીએ છીએ કે સ્વપ્નછે. સ્વપ્ન રંગીનસંસારના બધા જ રંગોની સાચીછટાઓ રજૂ કરતું હોય છે. પણ સાથે સાથે આપણને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સ્વપ્નઆભાસ છે  એ રીતે આ જિંદગી પણ મોટું સપનું છે  આની બહાર કંઈક વાસ્તવિકતાછે. આ જે તત્કાળ છે તેને ખોટું નહીં કહી શકાય. પણ જે ખોટું નથી તે સાચું જ છે તેવો તર્ક આમાં નહીં ચાલે. ધર્મ કહે છે કે તમે જેને જીવનકહો છો તે એક એવું મોટું સ્વપ્ન છે જે તમારી અગાઉની ગુપ્ત ઇચ્છાઓ અને તમારો આ અનુભવ જેનો એક ભાગ છે તે મૂળ જીવનનાં કેટલાંક કર્મોના મસાલામાંથી બનેલું છે. તમે અરીસામાં ચોક્કસ છો  હૂબહૂ સ્વરૂપે છો  પણ તમે તેની અંદર ક્યાંય છુપાયેલા નથી. તમે બહાર જ છો અને અરીસા પાસેથી હટી જશો ત્યારે તમે નહીં હો અને છતાં તમે પ્રતિબિંબમાં નથી માટે અરીસાની બહાર પણ નથી એવું કોઈ નહીં કહી શકે.

કોઈ કદાચ કહેશે કે ભગવાન છે જ અગર નથી જ તે વિશે શંકાવાળાઓએ શું કરવું? પણ ચહેરાવાળા ભગવાનની કલ્પના તે ભલે ન કરે, તે આ વિસ્મયકારી વિશ્વને તો જોઈ શકે છે ને? તે વૈજ્ઞાનિકના, ખગોળવિજ્ઞાનનાં ચશ્માંમાંથી જોઈને એટલું તો કહી શકે છે આ તો કલ્પના પણ ન પહોંચે એવી અનંત લીલા જરૂર નિહાળી રહ્યો છે. અમેરિકાના ચંદ્રયાનમાં ગયેલા એક અવકાશયાત્રીએ ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફર્યા પછી કહ્યું હતું-  મેં આપણી પૃથ્વી જોઈ અને હું ચકિત થઈ ગયો! મેં જે આકાશજોયું તેનો અનુભવ અંતરમાં કંઈ એવા એવા ભાવ જગાડી ગયો કે પૃથ્વી પર આવ્યા પછી ઈશ્વર જેવું કાંઈક હશે એવું લાગ્યું!

એક મહાન અણુવિજ્ઞાની પરમાણુના સ્વરૂપને જોઈ  સમજીને કહી શકે કે અણુમાં પણ શૂન્યતા  અવકાશ છે અને આ બધા અણુઓ તેના તરંગો વડે જાણે મધપૂડાની જેમ ગુંજી રહ્યા છે, અજંપાનું એક ગૂઢ ગીત ગાઈ રહ્યા છે અને આ બધું જડ જગત ખરેખર તો ઊર્જા એન ર્જીશક્તિનાં પડીકાં છે! પડીકું છોડ્યુંતોડ્યું નથી ત્યાં સુધી તે જડછે. તે તૂટે એટલે તેમાંથી શક્તિના ફુવારા ઊડે છે! આ વૈજ્ઞાનિકની વાત આપણે માનીએ છીએ, તે ગપ્પાં ન જ મારે તેટલો વિશ્વાસ ધરાવીએ છીએ, એવી જ રીતે આપણે પણ જે પરમ વાસ્તવિકતા છે તેને હજારો વર્ષ પહેલાં પિછાની ગયેલા ઋષિઓ, સંતો અને મહાત્માઓના મરમી બોલનો પણ કંઈક શ્રદ્ધા સાથે વિચાર કરવાની જરૂર ખરી. આસ્તિકતાનાસ્તિકતાનો આમાં સવાલ જ નથી. એક વિજ્ઞાનીએ કે એક ઋષિએ પોતપોતાના સૂક્ષ્મદર્શક યંત્રથી જોયેલી એક લીલાને સાંભળવાસમજવાની તૈયારી બતાવવાની જ આ વાત છે. પછી એક ક્ષણ એવી ચોક્કસ આવશે જ્યારે આપણી નિરર્થકતાની લાગણી પલટાઈ જઈને ગૂઢ રહસ્ય પરત્વેના સાચા વિસ્મયની લાગણીમાં ફેરવાઈ જશે અને આ જિંદગી પછી તે ગુલાબની પથારીમાં પડી હોય કે કંટકશય્યા પર પડી હોય  તે કેટલો વિરલ અનુભવ છે તેનો અણસાર મળશે.

-          Bhupat Vadodaria

No comments:

Post a Comment