Saturday 8 June 2013

જિંદગીન સાચો પ્રેમ કરનારના મનમાં નીડરતા, આશા ઝળહળે છે...

જે જિંદગીને સાચા પ્રેમથી ચાહે છે એને પોતાના જીવતરની સામાન્યતા કે ગરીબાઈ, નિરુત્સાહી કે નાહિંમત કરતી નથી. પ્રેમની નજરથી તે પોતાની સાધારણ જિંદગીને સૌંદર્યસમ્રાજ્ઞીની છટા અને રુઆબ બક્ષી દે છે. જિંદગીનો સાચો પ્રેમ નથી, પણ માત્ર મોહ છે ત્યાં માણસને સુખ-સગવડભરી જિંદગી પણ જાતજાતની અપૂર્ણતાઓથી ભરેલી લાગે છે. તેને કોઈ સુરેખતા દેખાતી નથી. તેને માત્ર ખૂણા દેખાય છે અને જિંદગીની આકૃતિ ગમે તેટલી સુંદર હોય તો પણ તેના ખૂણા તેને વાગ્યા કરે છે.

જિંદગી પર સાચો પ્રેમ નથી ત્યાં માણસ નજીવામાં નજીવી બાબતમાંથી દોષ શોધી કાઢે છે. માણસને ઘણુંબધું મળ્યું હોય છતાં કંઈ મળ્યું નથી તેમ લાગ્યા કરે છે. તે સતત ફરિયાદ કર્યા કરે. નર્યો કંટાળો, નરી શુષ્કતા, બધું અર્થહીન! જિંદગી તેને ઠગારી સ્ત્રી લાગે છે. લૂંટનારો પોતે હોય છતાં લૂંટાઈ ગયાની લાગણી સતત ઊભરાયા કરે. જિંદગી પર સાચો પ્રેમ નથી, પણ માત્ર મોહ છે, માત્ર કબજો કરવાની વૃત્તિ છે એટલે દરેક માણસ તેને પ્રતિસ્પર્ધી લાગે છે. તે પોતાની જિંદગી જીવતો નથી. બીજા માણસોની જિંદગી જોઈજોઈને માત્ર ઈર્ષા ઊભરાય છે અને તે માત્ર ઈર્ષાની જિંદગી જીવે છે. તે પોતાની જિંદગીમાં મન પરોવતો નથી. તે પોતાના મનને ચેન પડવા દેતો નથી. તે બીજા માણસોની જિંદગીના ચોપડામાં કીડો બનીને જીવે છે. પાડોશી કે સંબંધી, સ્નેહી કે મિત્રની પત્ની કે પુત્રીના ગળામાં ખોટો હાર હોય તો પણ પોતાની સળગતી ઈર્ષાવૃત્તિથી તેમાં સાચું સોનું કે સાચા હીરા જુએ છે.

જિંદગીને સાચો પ્રેમ કરનારા માણસના દિલમાં સાચા પ્રેમીની એક નીડરતા જાગે છે. સાચા પ્રેમીની શ્રદ્ધા તેની અંદર ઝળહળી ઊઠે છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તેના હૈયામાં આશાનો હિમાલય અડગ રહે છે. જેટલે અંશે તાપ તેને ઓગાળે છે તેટલે અંશે તે વહેતો રહે છે, પણ તે ઓગળીને સંકોચાઈ જતો નથી. માણસની આશાઓ તો સતત બંધાતી રહે છે અને તૂટતી રહે છે, પણ મહત્ત્વની બાબત તો આશાના અતૂટ આચ્છાદનની છે.

વિલિયમ બ્લેક જેવો કવિ રીતે જીવી ગયો હતો. કોઈકે બ્લેકના વ્યક્તિત્વને રીતે ઓળખાવ્યું છેઃ વસંતમાં પુષ્પ અને પર્ણની શોભા પણ પાનખરમાં પુષ્પ અને પર્ણની સંપૂર્ણ શ્રદ્ધાની અપ્રગટ શોભા! પેલી પ્રગટ શોભા કરતાં પણ આશાનું રૃપ વધુ ચિત્તાકર્ષક! જિંદગીની મસ્તી એટલી ભારોભાર કે તેના શરીર પર ફાટેલું વસ્ત્ર હોય છતાં તેમાં ગરીબીની જીર્ણતા લાગે, પણ અમીર માણસની બેપરવાઈ લાગે!

ચહેરા પર જખમ છે, ડાઘ છે, પણ માર ખાઈ લે એવા માણસના જખમનાં નિશાન નથી. જિંદગીના કોઈક સંજોગો વાઘનું રૃપ લઈને આવ્યા ત્યારે તેની સામે ખુલ્લી છાતીએ લડેલા માણસનાં નિશાન છે- શૂરવીરતાનાં નિશાન! જિંદગી નામની એક અલ્લડ પ્રિયતમાએ મારેલા નહોરનાં નિશાન છે!
કેટલાક દલીલ કરે છે. અમે ખરેખર જિંદગી સાથે પ્રેમમાં છીએ છતાં કેમ અમારી નજર બદલાતી નથી? ક્યાંય રળિયામણો પર્વત દેખાતો નથી! આંખ ચોળી ચોળીને થાક્યા - બસ કદરૃપા પાણા દેખાય છે. કાંટા અને કાંકરા!

જ્યાં માત્ર પ્રેમમાં હોવાની લાગણી છે ત્યાં આવો વહેમ માણસને માત્ર દૂર ભાગતાં શીખવે છે. કોઈક ઝંખેલી સ્ત્રીથી દૂર ભાગે છે. કોઈક જિંદગીથી દૂર ભાગે છે. મુલાકાત ટાળે છે, તે જિંદગીનો મુકાબલો ટાળે છે. કોઈ માણસની જિંદગી એકલા એરંડા જેવી તો હોતી નથી - જિંદગી તો એકબીજાના ગળામાં હાથ નાખતી ડાળીઓનું વૃક્ષવન છે. મુકાબલો ટાળીને દૂર ભાગતું એક માનવવૃક્ષ પોતાની સાથે બીજા કેટલાયને હતાશ કરતું જાય છે - ભાંગતું જાય છે.

રશિયન વાર્તાકાર એન્ટન ચેખોવે એક વાર્તામાં એક પાત્રના મુખે આવા શબ્દો ઉચ્ચાર્યા છેઃ 'જિંદગીમાં સંસારમાં ઘણુંબધું ખરાબ છે, પણ ઘણુંબધું સારું છે! હજુ વધુ સારું આવશે! નિરાશ કરે તેવું ઘણું છે તેથી શું નિરાશ થઈ જવું? આશા રાખવાને ખાસ કોઈ કારણ હોય એટલે શું આશા રાખવી? કોઈ તક હોય તો તેલ લેવા જાય - શું ખરેખર જીવવાની તક જતી કરવી?'

સાચું પૂછો તો તમારી મઝા કોઈ લઈ ગયું નથી. તે ખરેખર ચોરાઈ ગઈ નથી. તમે પોતે તેને ક્યાંક આડા હાથે મૂકી દીધી છે. તમારા મનમાં તે ક્યાંક પડી છે. તે ક્યાંક આડીઅવળી મુકાઈ ગઈ છે, બાકી છે તો તમારી અંદર ! બરાબર જુઓ, મનમાં છે અને તેને બહાર આવવા દો!

ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી...

No comments:

Post a Comment