Monday 3 June 2013

બીજાને સુખી જોવામાં વધુ આનંદ!


મહાત્મા ગાંધીના જીવન પર પ્રબળ પ્રભાવ પાડનારા પુસ્તક 'અન ટુ ધી લાસ્ટ'ના લેખક જોન રસ્કીને પોતાની જિંદગીની સ્મરણકથા લખી છે. તેમાં તેણે બાળપણનો એક પ્રસંગ વર્ણવ્યો છે. પિતાની સાથે તે એક મહેલ જોવા જાય છે. મહેલની ભવ્યતા જોઇને બાળક રસ્કીન તો ઝૂમી ઊઠે છે. એક ક્ષણ થાય છે કે હું આવા મહેલમાં રહેતો હોત તો કેટલું સારું હોત! પછી ઇંગ્લેન્ડના બીજા એક લેખક કાર્લાઇલનું એક વાક્ય યાદ આવ્યું 'મહેલમાં રહીને આંખ સામે ઝૂંપડીઓ જોવા કરતાં ઝૂંપડીમાં રહીને મહેલ જોવામાં વધુ મઝા છે!'

થોડીક ભવ્યતાના કે થોડાક સૌન્દર્યના માલિક બનવા કરતાં આંખ સામે પડેલી અનંત ભવ્યતા અને અનંત સૌન્દર્યને જોવામાં વિશેષ આનંદ રહેલો છે. કોઇ માણસ વસાવી વસાવીને કેટલા મહેલો વસાવી શકે? કેટલા બગીચા બનાવી શકે? ગમે તેવા મોટા બંગલામાં કે મહેલમાં કે કિલ્લામાં રહો, છેવટે જિંદગીમાં ખરી મઝા ખુલ્લા મને અને ખુલ્લા પગે ગમે ત્યાં જઇ પહોંચવાની અને પ્રકૃતિનાં રૃપ-અરૃપ જોવાની સ્વતંત્રતામાં રહેલી છે. કેટલીક વાર માણસો મોટા મહેલ પોતાના જ માટે બનાવે છે જે છેવટે તેમને પોતાને માટે જ જેલ બની જાય છે.

કેટલાક માણસો તરેહ તરેહના માલિકી- હક્કો મેળવવાની અને ભેગા કરવાની એક માથાફોડ જિંદગીભર કર્યા કરે છે. પણ ભૂલ ત્યાં છે કે કોઇ પણ બાબતમાં માલિકી એ તેને ભોગવવાની, સારી રીતે માણી શકવાની ખાતરીબંધ બાંયધરી તમારા માટે બની શકતી નથી. માણસનો આજ સુધીનો આ જ અનુભવ છે પણ આપણે અનુભવ પરથી કશું શીખવા તૈયાર હોતા નથી એટલે માણસ આ અનુભવની બાબતમાં પણ ખાસ કંઇ શીખ્યો નથી. માણસ માને છે કે માલિકી એ ભોગવટાનું તામ્રપત્ર છે પણ આપણે જાણીએ છીએ કે અનેક લોકો મોટી મિલકતના અને લાંબી આવરદાના માલિક હતા છતાં જીવનને માણવાની બાબતમાં તેમને પાસ-માર્ક પણ મળ્યા નહોતા! ઇટાલીની ખ્યાતનામ અભિનેત્રી સોફિયા લોરેને એક વાર એવું કહ્યું હતું કે જિંદગીમાં મને જે સૌથી કિંમતી બોધપાઠ મળ્યો તે એ છે કે ખરી મઝા જિંદગીમાં સૌન્દર્યને જોવા-માણવામાં છે, તેના માલિક થવામાં નથી.

હું જે દિવસે તાજમહાલ ખરીદી લઉં તે ક્ષણ તાજમહાલનું બધું જ સૌન્દર્ય, તેની બધી જ ભવ્યતા મારા માટે અલોપ! માણસની કમનસીબી જુઓ-- જિંદગીના ઘૂઘવતા દરિયાના કિનારે કિનારે કે દરિયાનાં ઊછળતાં મોજાં ઉપર ઊભેલા માણસોના જીવનમાં ભાગીદારી બનીને મહેફિલની મઝા વધારવાને બદલે માણસો એકબીજા સાથે ઝઘડતા જ રહે છે! હક્કના નામે અહંકારના નામે, મિલકતના નામે-- ગમે તે બહાનું આગળ કરીને માણસ લડે છે. લડવા માટે કંઇ ને કંઇ સાચુંખોટું કારણ આગળ કરવું પડે છે. ચાહવા માટે, દોસ્તી માટે કોઇ બહાનાની જરૃર નથી! માણસને સાચાં કે ખોટાં કારણ વગર ચાલતું જ નથી. સ્વાર્થમાં ભરપૂર કારણ મળે છે. નિઃસ્વાર્થીપણામાં કે પ્રેમમાં ખાસ કારણો જોઇતાં નથી.

અનેક માણસો અનુભવ કરી ચૂક્યા છે કે સુખ કોઇ સાધનમાં નથી. એ સાધન વડે સુખ નિષ્પન કરવાની તમારી પોતાની ગુંજાશમાં છે. માણસને તમે સંગીતનું શ્રેષ્ઠ વાજિંત્ર આપો પણ તેને તે વગાડતાં ના આવડતું હોય અને બીજું કોઇ વગાડે ત્યારે તેનું સંગીત સાંભળવા માટેના કાન જ તેની પાસે નથી કે તેને માણવા માટેની ત્રેવડ જ નથી તો તે કિંમતી વાજિંત્રના માલિક હોવું કે ના હોવું તેમાં શું ફેર પડે છે? તે માત્ર તમારી મિલકતની એક જણસ બની શકે-- તે કંઇ તમારા વ્યક્તિત્વનો શણગાર બની ના શકે. જ્ઞાન કોઇ પુસ્તકમાં નથી-- તમે એ પુસ્તકમાંથી શું વાંચો છો, શું સમજો છો, તેનું નિષ્કર્ષ કાઢો છો તે માટેની તમારી ગુંજાશમાં રહેલું છે.

કેટલાક માણસો સગવડના સાધનોમાંથી પણ કશી સગવડનું સાચું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે તે સગવડનું સાધન ખોટવાય ત્યારે જ તેમને જે 'અગવડ' પડે છે તેનું જ દુઃખ તેમને સાચું લાગે છે. સાધન ખોટવાય કે છિનવાય ત્યારે તેમને સાધનની ખોટ સાલે છે! પણ એવા પણ ઘણા માણસો છે જે સગવડ હોય તો તેને માણી શકે છે અને અગવડ આવી પડે ત્યારે અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકે છે!
એક દિવસ મેં મારા એક વર્ષો જૂના મિત્રને પૂછયું- 'તમે તો જાતજાતની અડચણો, અગવડો અને અકળામણમાં ઘેરાયેલા હો એવું ઘણીવાર લાગે છે! છતાં તમે આટલા પ્રસન્ન અને આટલા સુખી કેમ લાગો છો?'

મિત્રે હસીને કહ્યું- 'મને માત્ર મારી જાતને સુખી કરવામાં કે સુખી દેખાવામાં કદી કંઇ રસ પડ્યો નથી! મને બીજા લોકોને સુખી જોવામાં ખૂબ આનંદ આવે છે અને એમાં પણ એ લોકોના સુખમાં હું ક્યાંક પણ, નાનું પણ નિમિત્ત બન્યો હોઉં ત્યારે મને વિશેષ આનંદ પડે છે!'

મારા આ મિત્રે તેમના એક બીજા મિત્રના દુઃખના દિવસોમાં ખૂબ મદદ કરી હતી. એક મિત્ર બીજા મિત્ર પ્રત્યે આટલી ઉદારતાથી વર્તી શકે તેનું આશ્ચર્ય પણ કેટલાકને થતું હતું. પછી પેલા દુઃખી મિત્રના સારા દિવસો આવ્યા. તે ખૂબ 'સુખી' થઇ ગયા પણ જે મિત્રે તેમને પુષ્કળ મદદ કરી હતી તે મિત્રથી દૂર જવા માંડ્યા! એમને મદદ કરનાર માણસ જ તકલીફમાં આવી પડ્યો એટલે પેલા સુખી થઇ ગયેલા મિત્રને થયું કે હવે તો નક્કી એ ભૂતકાળમાં એણે પોતાને કરેલી મદદ વ્યાજ સાથે વસૂલ કરવાની કોશિશ કરશે! પણ એવું કશું બન્યું નહિ. સુખી થઇ ગયેલા મિત્ર છતાં ચિંતામાં રહ્યા કરતા હતા. એક વાર અચાનક બે મિત્રોનો ભેટો થઇ ગયો.
સુખી થઇ ગયેલા મિત્રે જરાક સંકોચ સાથે, દોષિતપણાની કંઇક લાગણી સાથે કહ્યુંઃ 'હું તમારે ત્યાં આવવાનો જ હતો! મને હમણાં જ ખબર પડી કે તમારા દીકરાને કેન્સર થયું છે! હું વધુ તો કંઇ કરી શકું કે ના કરી શકું પણ તમે જે મદદ કરેલી તે થોડી પાછી વાળી શકું.'

અમારા ઉદાર પરગજુ મિત્રે કંઇક ખેદ સાથે હસીને કહ્યું 'તમે આવવાના હો તો જરૃર ઘેર આવજો! પણ મદદ પાછી વાળવાની કંઇ ચિંતા રાખશો નહિ! તમારે તેનો કંઇ જ ભાર મન ઉપર રાખવાની જરૃર નથી! હું કહેવા ખાતર નથી કહેતો પણ ખરેખર તમને કહું છું કે ભવિષ્યમાં કાંઇક મોટી મદદ મેળવવાની આશાએ બીજા કોઇની નાની નાની મદદ કરનારાઓમાંનો હું એક નથી! કોઇ દુઃખમાં, તકલીફમાં હોય તો તેને મદદ કરવી તે માણસનો ધર્મ છે! આવો ધર્મ કરવા જતાં ક્યારેક ધાડ પણ પડ્યા જેવું લાગે-- આપણી ત્રેવડ કરતાં પણ વધુ મદદ કોઇક લઇ જાય તેવું બને પણ તેથી શું? મેં તમારી પાસેથી બદલાની કોઇ જ અપેક્ષી રાખી નથી. મેં કરેલી મદદ મારે પાછી જોઇતી નથી. મેં બીજાઓ પાસેથી તમને જે મદદ અપાવેલી તે તમે તેમને પાછી વાળી શકો તો સારું! છતાં તેમાં પણ તમને કંઇ તકલીફ હોય તો હું તો મારી જવાબદારી વહેલીમોડી અદા કરીશ જ! હવે વાત બાકી રહી મારા દીકરાના કેન્સરની! મેં એક વર્ષ તેની પૂરી સારવાર કરાવી. કેન્સરની સારવાર કેટલી ખર્ચાળ હોય છે તે તો બધા જાણે છે! એક દિવસ મારા દીકરાએ મને કહ્યુંઃ 'બાપુ, તમને માઠું ના લાગે તો એક વાત કહું! તમે તો ખૂબ સમજુ છો એટલે માનું છું કે તમે ઊંધો અર્થ નહિ કરો! મેં કેન્સરની સારવાર લેવાનું હવે બંધ જ કરી દેવાનું નક્કી કર્યું છે! તમારે કોઇ બીજા માણસને મદદ કરવી હોય તો જરૃર કરો-- પણ મારી પાછળ, મારી ખર્ચાળ સારવાર પાછળ તમે એક પણ રૃપિયો બગાડો તેવું હું મુદ્દલ ઇચ્છતો નથી! ઇચ્છતો નથી શું-- હું તેને બિલકુલ નાપસંદ કરું છું!

મેં હસીને તેને કહ્યું કે, 'બેટા, તારે બાપની દયા ખાવાની જરૃર નથી! આ પણ મારી ફરજનો જ ભાગ છે!' ત્યારે દીકરાએ કહ્યું કે, 'મારે હવે સારવારની જરૃર નથી. અને મેં નક્કી કરી નાખ્યું છે. હું હવે મારી જાતને ઇશ્વરના ભરોસે છોડી દેવા માગું છું! હું મારું જ કામ કરીશ! ઇશ્વરનું કામ ઇશ્વર કરશે! હું હવે બાન પકડાયેલી વ્યક્તિની જેમ જીવવા માગતો નથી!

આ વાતને જોગાનુજોગ આજે એક વર્ષ થયું! દવા વગરના એક વર્ષ દરમ્યાન તેના શરીરમાં શું શું બન્યું તેની મને ખબર નથી પણ તેનો ચહેરો પ્રફુલ્લિત છે અને બહારથી તો કોઇ પીડા દેખાતી નથી! શરીરમાં કેન્સર હશે પણ તેના મનમાં કેન્સર નથી! તે સવાર, બપોર, સાંજ ભગવાનને પ્રાર્થના કરે છે! બાકી તે તેનું કામ બરાબર કર્યા કરે છે! તે હવે રજા પણ લેતો નથી-- તે એક જિદ્દી બાળકની જેમ કહે છે કે, 'હવે માત્ર ભગવાન જ મને રજા ઉપર ઉતારી શકશે! એના હુકમ વિના હું રજા પર જવાનો નથી!'

સ્નેહીઓ- હિતચિંતકો મને ઠપકો આપે છે! આ તો પાગલપણું જ છે! તમારા દીકરાને સમજાવો-- દવા તો કરવી જ પડે! એમને હું શું કહું? પણ એ હકીકત છે કે દીકરો અત્યારે તો વધુ આનંદમાં, વધુ સ્ફૂર્તિમાં, વધુ શાંતિમાં લાગે છે! તેની શ્રદ્ધાને લીધે જ મારી શ્રદ્ધા પણ વધી છે! કદાચ એવું પણ બને કે તેને કેન્સર ના જ હોય! નિદાનમાં કંઇ ભૂલ હોય! કદાચ એવું પણ બને કે તેને કેન્સર હોય પણ તે એટલું જીવલેણ ના બને! ખેર! મેં તો તમને બહુ રોકી દીધા! આવજો! આવવું જ હોય તો નિરાંતે અમસ્તા આવજો!'

પેલા ભાઇ કાંઇ જવાબ આપી ના શક્યા-- ભોંઠા પડી ગયા હતા. અમારા આ પરગજુ મિત્રને કોઇ કોઇ મિત્રો ઠપકો પણ આપે છે અને સમજાવે છે કે બહુ જ થોડા માણસોમાં કૃતજ્ઞતા હોય છે-- બાકી માણસો મદદ લે છે, અહેસાન લે છે અને પછી ભૂલી જાય છે! એટલું જ નહિ, કોઇ કોઇ વાર તો ઉપકારનો બદલો અપકારથી આપે છે! ભલાઇ કરવા જેવું જ નથી!

પણ આ મિત્ર એમ ડગી જાય એવા નથી. એ હસીને કહે છે કે ભલા માણસ, હું બીજા કોઇને માટે ભલાઇ કરતો નથી! હું કંઇ પણ ભલાઇ કરું છું એવું તમને લાગતું હોય તો તમને કહી દઉં કે હું મારા પોતાના માટે ભલાઇ કરું છું! તમે જેને ભલાઇ કહો છો તે કરવાનું મને મારા પોતાને માટે જરૃરી લાગે છે! બલ્કી અનિવાર્ય લાગે છે! હું બીજા કોઇને માટે ભલાઇ કરતો નથી-- હું મારા પોતાના માટે જ ભલાઇ કરું છું!
અમારા આ મિત્રે કંઇ જોન રસ્કીનની સ્મરણકથા 'પ્રાઇટેરીટા' વાંચી નથી પણ અમારા આ મિત્ર પણ રસ્કીનની જ વાણી બોલે છે-- જ્યારે એ કહે છે કે મને મારી જાતને સુખી જોવા કરતાં બીજાઓને સુખી જોવામાં વધુ રસ છે, વધુ આનંદ છે!

મહેલમાં રહીને ઝૂંપડી જોવા કરતાં ઝૂંપડીમાં રહીને મહેલ જોવામાં મને વધુ મઝા પડે છે!

'સુખ' જ્યારે તમારી પોતાની અંગત તિજોરીનો દાગીનો બની જાય ત્યારે તે નક્કર સંપત્તિ હોઇ શકે છે પણ તે એક નિષ્પ્રાણ, નકામી ચીજથી વિશેષ કશું જ હોતું નથી. 'સુખ' જ્યારે તમારી પોતાની અંદરની માણસાઇની ગુંજાશમાં પડેલું હોય ત્યારે તે તમારી અંદર લોહીના પરિભ્રમણની જેમ ફરતું રહે છે અને તાજી હવાની જેમ બહારથી તમારા શ્વાસમાં દાખલ થાય છે. તમે તમારી અંદર રહેલું એ સુખ એક સુવાસની જેમ બહાર ફેલાવી શકો છો અને તે દૂર દૂર સુધી પહોંચે છે!

જિંદગીમાં દુઃખ તો છે અને સુખ પણ છે પણ તમે તેને કઇ રીતે અપનાવો છો તેની ઉપર છેવટના પરિણામનો આધાર રહે છે! કેટલાક સુખના બાસમતી ચોખાની ખીચડી કરી નાખે છે અને કેટલાક જાડા ચોખામાંથી પણ ભાતની સાચી મીઠાશ નિપજાવી શકે છે. કેટલાક માણસ દુઃખને ઝેરની જેમ પીએ છે અને તેને ઝેર જ ગણે છે, જ્યારે કેટલાક દુઃખને કડવી દવા સમજીને પીએ છે. આરોગ્ય-રક્ષક ઇલાજ ગણીને પીએ છે અને તેનાથી ફાયદો પણ મેળવે છે.
જિંદગીમાં દુઃખ છે પણ કેટલાંક 'દુઃખો' માણસે જ ઊભાં કર્યાં હોય છે. તે દુઃખી થાય છે. કેમ કે તે એવું માને છે કે પોતાની પાસે શું છે તેની જ કિંમત છે-- પોતે શું છે, પોતાની અંદર શું છે તેની કંઇ કિંમત નથી! આથી તે જીવન માણવાની પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરીને અને કશું પણ સારું કાર્ય કરવાની પોતાની શક્તિનો ઉપયોગ કરીને સાચોસાચ સુખી થવાને બદલે બીજાની નજરે સુખી દેખાવા માટે જાતજાતનાં સાધનો અને ઝંઝાળોનો સંગ્રહ કરે છે અને તેમાંથી જ્યારે સુખ ટપકવાને બદલે 'દુઃખ' ટપકતું જુએ છે ત્યારે હેરાનપરેશાન થઇ જાય છે.

'સુખ અને 'દુઃખ'ની પ્રચલિત માન્યતાના ચક્કરમાં કેટલા બધા માણસો ખુદ પોતાની જ જિંદગીની કથામાં સાચા નાયક બની શકતા નથી પણ ઘણી વાર તો પોતાની જ કથામાં ખલનાયકની ભૂમિકા પણ પોતાની જાતે જ ભજવી નાખે છે! પોતાની જાતે જ પોતાનું કામ અને પોતાનું જીવન બગાડે છે.
માણસ રામની કથા વાંચે, કૃષ્ણની કથા વાંચે, બુદ્ધ-મહાવીર, હઝરત મોહંમદ પયગંબર(...)ની કે ઇસુ ખ્રિસ્તની કથા વાંચે-- એમાં દુઃખો, કસોટીઓ અને વેદનાઓ ઠેર ઠેર છે પણ આ બધા જ પ્રસંગો દેવ-પુરુષોના ચરિત્રમાં, અંધારી રાતના તેજસ્વી તારાઓની જેમ ચમકે છે, તેનાથી શોભા વધે છે, તેનો પ્રકાશ આંખને આંજી નાખ્યા વિના સીધો આપણા અંતરમાં ઊતરી જાય છે.

તમારી જિંદગીમાં કેટલાં સુખો કે દુઃખો છે તેનું ઝાઝું મહત્ત્વ નથી-- તે તમારી જિંદગીનાં વસ્ત્ર પરના ડાઘા બને છે કે શોભાના આભલાં બને છે તેની ઉપરથી જ તેની કિંમત થશે

(       ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી )

No comments:

Post a Comment