Monday 24 June 2013

શ્રદ્ધાના તણખા વિના તર્ક અને ગણિત કંઈ ન કરી શકે



કેટલીક વાર આપણે અનુભૂતિની જે અપાર ગુંજાશ છે તેને બાજુએ મૂકીને 'ખુલાસા' શોધવાની બૌદ્ધિક રમતમાં પડી જઈએ છીએ અને ત્યારે આપણી બુદ્ધિની કસરતથી એક નજીવો આનંદ આપણને મળે છે, પણ તૃપ્તિ થતી નથી. પાણીનું પૃથક્કરણ કરીએ તો તે હાઇડ્રોજનના બે અંશ અને ઓક્સિજનના એક અંશના સંયોજનરૃપે સમજી શકીએ. આ વાતમાં વૈજ્ઞાનિક સત્ય છે એમ આપણે કહીએ પણ તેથી શું આ આખરી સત્ય ગણીશું? હાઇડ્રોજન અને ઓક્સિજનના વાયુસ્વરૃપ પરથી, તેના અલગ અલગ 'રંગ' કે સ્વાદ પરથી પાણીનું સ્વરૃપ, રંગ કે સ્વાદની કલ્પના થઈ શકશે? પાણીમાં જે જીવનદાયક શક્તિ છે તેનો અંદાજ આપી શકીશું

ખુશબોદાર રંગીન પુષ્પોમાં ખુશબો અને રંગ પાછળથી ઉમેરવામાં આવેલા ગુણો નથી. શ્રદ્ધા પણ બહારથી ચોંટાડી શકાય તેવી વસ્તુ કે નુસખો નથી. તે અંદરથી જ ઉદ્ભવી શકે તેમ જ વૃદ્ધિ પામી શકે. જે કાંઈ માણસે સિદ્ધ કર્યું છે તે માત્ર શુદ્ધ તર્ક કે બુદ્ધિથી નથી થયું. ત્યાં પણ શ્રદ્ધા અને સ્ફુરણાએ જ 'ચમત્કારો' કર્યા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન સહિતના તમામ પ્રથમ કોટિના વૈજ્ઞાનિકોએ કબૂલ કર્યું છે કે જે કોઈ ક્રાંતિકારી શોધો તેમણે કરી, તે બધામાં તર્ક અને ગણિત પછી આવ્યાં. પહેલાં કંઈક 'ગંધ' આવી. કાંઈક 'સળવળાટ' થયો અને કાંઈક ઝબકારો થયો! એક ઝબકારામાં કશુંક નવું અને ઘણું બધું દેખાઈ ગયું! જો વૈજ્ઞાનિક સત્યો માટે પણ માત્ર તર્ક, ગણિત અને બુદ્ધિ પૂરતાં થઈ પડતાં ન હોય તો આખરી સત્યો માટે તો તેનો વિચાર જ શી રીતે થઈ શકે?

સ્વામી વિવેકાનંદનો ઇશારો સાચો છે કે ધર્મ કે ઈશ્વરના નામે માત્ર તમે ચોપડાનાં ચિતરામણો કર્યા કરો - માત્ર બુક એન્ટ્રીઝ બતાવ્યા કરો, આ ખાતામાંથી તે ખાતામાં રકમ ખેંચી જાણો તેથી કશો ખરેખરો વેપાર થતો જ નથી. તમે એક માણસ તરીકે માણસાઈનો - માનવતાનો કેટલો વેપાર કરો છો તેની ઉપર જ તમારી માણસ તરીકેની મૂડી અને પ્રતિષ્ઠા વધે. છેવટે આ બધો વેપાર તો પરમાત્માનો જ છે, કેમ કે તમે એક લાખ નવા ચોપડા શરૃ કરીને બેસો, પણ તમારો પોતાનો ચોપડો - આ દુનિયામાં તમારી જિંદગીનું ખાતું એ બંધ કરી દે એટલે તમારા બધા ચોપડા બંધ જ જાહેર કરવા પડે. વિવેકાનંદ આથી જ ધર્મના નામે નિષ્ઠુરતા કે વિવેકશૂન્યતા સ્વીકારવા તૈયાર નથી. માણસ ભૂખે મરતો હોય ત્યારે ગાયના ઘાસ માટે નાણાં આપવાનો આગ્રહ કરનારને તેઓ ઠપકો આપે છે.

માણસો 'ક્યાં છે ઈશ્વર?' ઈશ્વરને બોલાવી 'ઈશ્વરને હાજર કરો'ની બૂમો મારે છે. પહેલાં તો માણસે પોતે માણસ તરીકે પોતાની પૂરી હાજરી ભરવાની છે. માણસે પોતાની અંદર પૂર્ણપણે પ્રગટ થવાનું છે. સાચો માણસ પ્રગટ થાય છે ત્યારે ત્યાં ઈશ્વર પણ પ્રગટ થઈ જાય છે. તમે એક સાચા સૈનિક તરીકે લડો અને ન્યાય માટે, માણસને માટે લડો ત્યારે સૈનિક તરીકે તમે સેનાપતિની પણ શાન જાળવો છો. તેની પણ હાજરી સ્થાપિત કરો છો. તમે કદાચ હારી જાઓ, અગર માર્યા જાઓ - પણ તેથી તમારી હસ્તી મટી જતી નથી, કેમ કે તમારા વતી, તમારા પછી બીજા સૈનિક તમારું કામ હાથમાં લે છે અને આ રીતે જીવનની કૂચ આગળ ને આગળ ધપે છે.

બીજા વિશ્વયુદ્ધની બાબતમાં એવું કહેવાય છે કે જર્મનીના હિટલર અને ઇટાલીના મુસોલિનીના બધા હુકમો એમના સૈનિકો સુધી પહોંચ્યા નહોતા. નેપોલિયન માટે પણ આવું જ કહેવાતું. કેટલાક એવું કહે છે કે, આ લડાઈ ચર્ચિલ કે રૃઝવેલ્ટની યોજના પ્રમાણે જ ખરેખર લડવામાં આવી નહોતી. આપણને ઘણી વાર એવું લાગે છે કે ઈશ્વરના આટઆટલા પયગંબરો પછી પણ એ કોઈના હુકમો સૈનિકો સુધી પૂરેપૂરા પહોંચતા જ નથી કે પછી પહોંચ્યા છતાં કાને ધરવામાં આવતા નથી છતાં દરેક લડાઈમાં એવું જોવામાં આવ્યું છે કે ક્યાંક કોઈના હાથ અદૃશ્ય રીતે દરમિયાનગીરી કરે છે અને માણસને ઉગારી લે છે! આટલા વર્ષના ધર્મ પછી 'નવો માણસ' ઈશ્વરની છબી જેવો માણસ બની શક્યો નહીં. વિજ્ઞાન 'જિનેટિક એન્જિનિયરિંગ'થી નવો માણસ બનાવવા મેદાને પડ્યું છે, ત્યારથી તેની સારી-માઠી શક્યતાઓથી સામાન્ય માણસોથી માંડીને ચિંતકો-વિચારકોની વ્યગ્રતા વધવા માંડી છે, છતાં અત્યારે પણ કોઈક અદૃશ્ય હાથની દરમિયાનગીરીનો અહેસાસ થવા માંડ્યો જ છે.

No comments:

Post a Comment