Monday 22 July 2013

આશારૃપી જડીબુટ્ટી મૂર્છિત ભાગ્યને થનગનતું કરશે

બ્રિટનના એક સમર્થ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ સંખ્યાબંધ લોકપ્રિય નવલકથાઓના સર્જક હતા, પણ તેમની એક નવલકથા 'ડેવિડ કોપરફિલ્ડ' ખૂબ જ જાણીતી છે. સમરસેટ મોમે દુનિયાની દસ શ્રેષ્ઠ નવલકથાઓ અંગે એક પુસ્તક લખ્યું છે. તેમાં પણ તેમણે આ નવલકથાની જ વાત કરી છે. આમ તો આ નવલકથા ચાર્લ્સ ડિકન્સની જિંદગીની જ કથા છે. વાર્તા માટે અનિવાર્ય એવા થોડાક ફેરફારો કર્યા છે, પણ તેમાં એક પાત્ર 'મેકા ઉબર'નું છે. એ પાત્ર હકીકતે ડિકન્સના પિતાનું છે. એ માણસ ગરીબ છે, ઉછીના-પાછીના કરીને જ પોતાનો વ્યવહાર ચલાવે છે. ચાર્લ્સ ડિકન્સ કમાતો થયો, લોકપ્રિય કથાકાર તરીકે સફળ થયો ત્યારે જ ડિકન્સ પરિવારમાં સમૃદ્ધિ આવી અને પુત્રે પિતાનું બધું જ દેવું ચૂકવી દીધું.

એ પાત્રને આપણે 'અમર' કહેવું પડે. એમાં માણસના હૃદયમાં પડેલી અમર આશાની સરસ છબી છે. ડિકન્સના પિતાને તે વખતના બ્રિટનના કાયદા અનુસાર દેવું નહીં ચૂકવી શકવા માટે એક નાદાર વ્યક્તિ તરીકે જેલમાં જવું પડે છે, પણ આ માણસ એવો છે કે જેલના બંધનમાં હોય, અત્યંત કફોડી સ્થિતિમાં હોય, પણ એ ક્યારેય ભાંગી પડતો નથી અને ક્યારેય એની ખુશમિજાજી હવાઈ જતી નથી. આપણા સમર્થ નવલકથાકાર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે ને કે, 'હસતા મુખે સહતા જશું પ્રારબ્ધનો પરિહાસ.' ડિકન્સના પિતા પણ ગમે તેવી વિકટ પરિસ્થિતિના ઘેરા વચ્ચે ક્યારેય હતાશ-નાસીપાસ થઈ જતા નથી

આપણને માનવું ગમે કે ન ગમે, પણ શુભમાં શ્રદ્ધા- સરવાળે કંઈક સારું જ બનશે એવી આશા- એક બહુ મોટી મૂડી છે. આજે દરેકની પાસે થોડું ઝાઝું ધન છે, પણ ધનના એ દરેક સિક્કાની બીજી બાજુએ 'નિર્ધન' થઈ જવાનો ડર છે. આ સંસારમાં અત્યંત ગરીબ માનવીઓએ બહુ જ મોટાં અને યાદગાર પરાક્રમો કર્યાં છે. છેવટે પોતાનો પુરુષાર્થ એળે જવાનો નથી જ એવી અતૂટ શ્રદ્ધા અને પોતાના ખાસ આશાસ્પદ નહીં લાગતા પુરુષાર્થમાંથી પણ કશુંક સારું પરિણામ નીપજશે તેવી આશા હાજર હતી એટલે છેવટે તેમણે પોતાની કોશિશ અધવચ્ચે છોડી ન દીધી અને આશા ખરેખર ફળે ત્યાં સુધી એ ઝઝૂમ્યા. શક્ય છે કે કોઈક કિસ્સામાં એમની એ આશા નિરાશામાં પલટાઈ જવાની ક્ષણ સામે આવી હશે, પણ તેવા સંજોગોમાં પણ એવી વ્યક્તિઓ મરતાં મરતાં પણ પોતાની આશાનો વારસો કોઈકને સોંપતી ગઈ છે.

ઇસ્કોનના પ્રભુપાદસ્વામી પાસે જ્યારે કશું જ રહ્યું નહોતું ત્યારે પણ તેમણે કહ્યું કે, 'હરિ'એ બધું જ હરી લીધું! આ એની મોહમાયામાંથી મુક્ત કરવાની એમની દીક્ષા! ભાગ્ય પણ કોઈ કોઈ વાર આપણને 'દીક્ષા' આપવા માગે છે, પણ આપણો પહેલો પ્રતિભાવ એવો આવે છે કે મને શિક્ષા કરી! ભગવાને મને આ શેની શિક્ષા કરી? મેં તો મારી પાસે હતું ત્યાં સુધી ઘણાબધાને આપ્યું છે! મને આવી શિક્ષા શા માટે? સાચું કહીએ તો આ બધા બળાપાની અંદર શુભમાં આશાના પ્રાણત્યાગનો ચિત્કાર હોય છે. આશા એ બહુ જ મોટી મૂડી છે, એવી મૂડી છે કે તમે એને જેટલી ઉપયોગમાં લેશો એટલી જ વિશેષ ફળદાયી બનશે. અમેરિકામાં પોતાના ધંધામાં કરોડો રૃપિયા ગુમાવી બેઠેલી વ્યક્તિએ કહ્યું કે, એ ક્ષણે એવું લાગ્યું હતું કે આત્મહત્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. પછી થયું કે આત્મહત્યા કરીને હું અહીં શું મૂકી જઈશ? એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની સરિયામ નિષ્ફળતાની કથા જ કે બીજું કાંઈ?

તમે જ્યારે આશા છોડો છો ત્યારે તરત તમારી આંગળી નિરાશા પકડી લેશે, પણ એ તો તમને ક્યાંય લઈ જઈ નહીં શકે! આંધળી તો આંધળી આશા તમને ક્યાંક કોઈક મુકામે પહોંચાડશે!

ચાર્લ્સ ડિકન્સના પિતાએ ગમે તેવા વિકટ સંજોગોમાં આશાનો ત્યાગ ન કર્યો- કોઈ પૂછી શકે કે એનું પરિણામ છેવટે શું આવ્યું? સાચું કહીએ તો એના હૈયામાં પડેલી અમર અનંત આશા જાણે કે એક હોનહાર પુત્રરૃપે જન્મી! આપણે જાણીએ છીએ કે ઈશ્વરના અનેક અવતાર થઈ ગયા છે- માનવીની આશા પણ એક અગર બીજા સમયે 'અવતાર' લીધા વગર રહેતી નથી. ભાગ્યના કોઈ અકલ્પિત ચમત્કાર રૃપે, કોઈક પુત્ર કે પુત્રી રૃપે, કોઈ પૌત્ર કે પૌત્રી રૃપે. માણસને જે છોડવું હોય તે છોડે, એ કદી આશા ન છોડે- આશામાં માણસના મૂર્છિત ભાગ્યને સચેતન કરવાની શક્તિ છે. આશા એક રક્ષાકવચ છે- કર્ણના રક્ષાકવચ જેવું- એ એણે ઇન્દ્રને દાનમાં આપી દીધું, પણ આશા એવું રક્ષાકવચ છે જેનો સંપૂર્ણ ત્યાગ તો કદી કરવો જ નહીં જોઈએ.
***

No comments:

Post a Comment