Monday 29 July 2013

જીવનમાં વિશ્વાસપાત્રતાની મુડી અને તેનું મહત્વ..........

જાહેર જીવનમાં શું કે ખાનગી જીવનમાં શું, માણસના સામાજિક જીવનમાં શું કે કુટુંબજીવનમાં શું, માણસની સૌથી મોટી મૂડી એની વિશ્વસનીયતા - વિશ્વાસપાત્રતા હોય છે.

શ્રીમતી ઈન્દિરા ગાંધીની આટલી તેજસ્વી કારકિર્દીનો આવો અપકીર્તિભર્યો અંત કેમ આવ્યો? કોઈ કહેશે કે એકાધિકારને કારણે, કોઈ કહેશે કે તેમના પુત્રને કારણે. પણ સૌથી મોટું કારણ તેઓ પોતાની વિશ્વાસપાત્રતા ગુમાવી બેઠાં તેને ગણવું જોઈએ. અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિકસને ખરેખર અક્ષમ્ય પાપ કર્યાં હતાં તે સાચું નથી, છતાં તેમની ભૂલોને કારણે તેમનું પતન થયું - તેમ માનનારાઓએ આ મુદ્દો લક્ષમાં રાખવા જેવો છે. ભૂલો મહાત્મા ગાંધીએ પણ કરી હતી, જવાહરલાલ નેહરુએ ચીન સાથેના સંબંધમાં મોટી થાપ ખાધી હતી. છતાં તેમનું નેતૃત્વ ખતમ થઈ ના ગયું, કેમ કે તેઓ લોકનજરમાં વિશ્વાસપાત્ર રહ્યા હતા. નિકસન બીજા પ્રમુખો કરતાં વધુ ખરાબ હતા તેવું કંઈ નહોતું. પણ તેઓ અમેરિકન પ્રજાની નજરમાં પોતાની વિશ્વાસપાત્રતા ખોઈ બેઠા.

જાહેર જીવનની વાત ઠીક છે, પણ સામાજિક જીવનમાં તમારી વિશ્વાસપાત્રતા ચાલી જાય છે ત્યારે તમને ખરેખરો ફટકો પડે છે. તમે એવા અનેક દાખલા તમારી નજર સામે જોતા હશો, જેમાં માણસ લક્ષાધિપતિ હોય અને છતાં તેને કોઈ ઉધાર ના આપે. તેની સામે તમે સામાન્ય કામદારની મોટી શાખ બજારમાં જોશો. આનું કારણ બીજું કાંઈ નથી. એક માણસ ધનાઢ્ય છતાં પોતાની વિશ્વાસપાત્રતા ગુમાવી બેઠો છે, બીજો માણસ મર્યાદિત પગાર છતાં પોતાની વિશ્વાસપાત્રતા ટકાવી શક્યો છે.

ધર્મરાજા યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો હતો. યુધિષ્ઠિર તો ધર્માત્મા. વહેવારની આંટીઘૂંટી ના સમજે, પણ તે સત્યવક્તા, અને સૌથી મોટી વાત એ કે બીજાની નજરે એ સો ટકા વિશ્વાસપાત્ર. રાજસૂય યજ્ઞ માટે નાણાં તો જોઈએ જ. યુધિષ્ઠિરે પોતાના બંધુ ભીમને કુબેર પાસે મોકલ્યા. ભીમે કુબેર પાસે નાણાં માગ્યાં.

કુબેરે કહ્યું - 'નાણાં તો આપું, પણ એક સવાલનો સાચો જવાબ આપો. જવાબ સાચો હશે તો ધન આપીશ.'

ભીમ કહે - 'ભલે.'

કુબેર બોલ્યા - 'તમે જે આનંદથી અત્યારે મારી પાસેથી નાણાં લઈ જશો તેવા જ આનંદ સાથે મને અમુક મુદત પછી પાછાં આપી જશો?'

ભીમ બોલ્યા - 'હા, હા! આપી જઈશ!'

કુબેર કહે - 'મારે નાણાં નથી આપવાં.'

ભીમ પછી અર્જુનને મોકલ્યા, તો એ જ સવાલજવાબ. સહદેવ અને નકુળ વારાફરતી ગયા, તોય એ જ પરિણામ. છેવટે યુધિષ્ઠિર પોતે ગયા.

કુબેરે એ જ વાલ કર્યો.

યુધિષ્ઠિરે વિચાર કરીને જવાબ આપ્યો - 'દેણદાર શાહુકાર પાસેથી નાણાં લેતી વખતે જે આનંદ અનુભવતો હશે, તેવી જ કોઈ લાગણી એ પૈસા પાછા આપવા જાય ત્યારે તેને થતી હશે કે કેમ તેની મને ખબર નથી. પણ હું એટલું કહું કે હસીને કે રડીને તમને તમારી ચૂકતે રકમ આપી જઈશ.'

કુબેરે તુરત જ યુધિષ્ઠિરે માગી એટલી સોનામહોરો ગણી આપી. આખી વાતનું તાત્પર્ય એક જ છે - બોલનારની, વચન આપનારની વિશ્વાસપાત્રતા.

માણસની વિશ્વાસપાત્રતા આપોઆપ પેદા થતી નથી. નાનામાં નાના માણસે તેના માટે કેટલુંક તપ કર્યું હોય છે. કેટલીક કસોટીઓ પસાર કરી હોય છે અને મૂડીનું જતન કરવા માટે તો નાના મોટા ભોગ આપ્યા હોય છે.

નરસિંહ મહેતા જૂનાગઢના રાજા પાસે રાગ ગીરો મૂકી આવે કે ભગવાન એની હૂંડી સ્વીકારે, તેમાં આ વિશ્વાસપાત્રતા પૂર્ણ કલાએ ખીલેલી જોવા મળે છે. આ વિશ્વાસપાત્રતા ચમત્કારો કરે છે પણ ચમત્કાર વડે તે પ્રાપ્ત થતી નથી.

તમારી વિશ્વાસપાત્રતાનો પિંડ તમારા ઘરઆંગણે બંધાય છે. બાળક જીદે ચડે, બાળકને ફોસલાવવા તમે કહ્યું કે, હું સાંજે આવીશ. ત્યારે તારા માટે સરસ ચોકલેટ લેતો આવીશ. સાંજે કલાકોની રાહ પછી બાળકને તમે કહો કે તમે ચોકલેટ લાવવાનું ભૂલી ગયા, બહુ કામ હતું, વાત જ મગજમાંથી નીકળી ગઈ. બાળક ત્યારે શાંત પડી ગયું હશે. તે નિરાશ થઈ જશે, પણ તોફાન નહીં કરે. પણ તમે એની નજરમાં તમારી વિશ્વાસપાત્રતા જરૃર ગુમાવી બેઠા છો. કોઈક વાર બાળક તમને કહેશે - 'તમે એવાં ઘણાં વચન આપો છો. હું તમારી વાત માનતો જ નથી ને!'

તમે દોસ્તને કહ્યું હશે કે સાંજે છ વાગ્યે ફલાણી જગાએ તને મળીશ. પછી તમે ગમે તે કારણે ત્યાં નહીં જાઓ ત્યારે તેની નજરમાં તમારી વિશ્વાસપાત્રતા એટલી ઓછી થવાની. વાત તો નાની છે. તમે કહેશો કે, હું આમાં કોઈની પરવા કરતો નથી. કોઈ મારી વાત માને કે ના માને - આઈ ડોન્ટ કૅર! તમને તેની પડી નહીં હોય. પણ જીવનમાં કોઈક કસોટીની પળ આવશે ત્યારે તમને ભાન થશે કે તમે કાંઈક ગુમાવી બેઠા છો. તમે જેની પરવા નહોતા કરતા તે એક મોંઘી મૂડી હતી. તમે તે ખોઈ બેઠા છો.

ગાંધીજીને દુનિયાએ મહાત્મા માન્યા તે તેમનો એટલો મોટો વિજય નથી. કસ્તૂરબાએ તેમને મહાત્મા ગણ્યા અને એક અકિંચન પતિની પાછળ પાછળ તે ચાલતાં જ રહ્યાં, એટલી શ્રદ્ધા ગાંધીજીએ એક અશિક્ષિત પત્નીમાં જગાડી એ ગાંધીજીનો મોટો વિજય છે. મહાન થતાં પહેલાં ઘરઆંગણે કાંઈક સુમેળ રચવો પડે છે. ઘરના માણસોનો સાથ તો જ માણસને મળે છે. ટૉલ્સ્ટૉય પણ મહાત્મા હતા, પણ પત્નીને સાથે રાખી ના શક્યા. આ તેમની મોટી નિષ્ફળતા હતી. પત્નીએ ટૉલ્સ્ટૉય વિશે નરી નિંદાથી ભરેલું પુસ્તક લખ્યું છે.

મહંમદ પયગંબર પોતાનાથી મોટી ઉંમરનાં વિધવા બાનુ ખદીજાને પરણ્યા હતા. તેમણે બીજું લગ્ન વર્ષો પછી આયશા બાનુ નામની સુંદર યુવતી સાથે કર્યું હતું. એક વાર આયશાએ પયગંબર સાહેબને સવાલ કર્યો - 'આપને મારા માટે વધુ ભાવ છે કે ખદીજા બાનુ માટે?'

મહંમદ પયગંબરે કહ્યું : 'સાચું કહું તો મને વધુ પ્રેમ ખદીજા બેગમ માટે છે. એના દાંત પડી ગયા છે અને એના વાળ સફેદ થઈ ગયા છે. તારા જેવી એ સ્વરૃપવાન એ નથી. પણ તેના માટે મને વિશેષ ભાવ એટલા માટે છે કે મને પયગંબર માનનારી પહેલી વ્યક્તિ એ હતી.'

માણસને દુનિયાની નજરે વિશ્વાસપાત્ર બનતાં પહેલાં ઘરઆંગણે વિશ્વાસપાત્ર બનવું પડે છે. પછી તેને જે સાથ-સહકાર મળે છે, તે અમૂલ્ય બની રહે છે. કોઈ કહેશે કે ઘરના માણસોને પોતાના માણસની મહત્તા સમજાતી જ નથી. બનવાજોગ છે. પણ ઘણા કિસ્સામાં માણસે એ પરીક્ષા પસાર કરવાનો પ્રયાસ જ કર્યો નથી હોતો.

વિશ્વાસપાત્રતાની મૂડી તમે જેમ વધારો તેમ તમારી તાકાત વધે છે અને જવાબદારી પણ વધે છે.

પાર્વતીજી ને લક્ષ્મીજી, બ્રહ્માણી, ઈંદ્રાણીની રિદ્ધિસિદ્ધિ જોઈને એક વાર ઓછું આવી ગયું. તેને થયું કે તેઓ કેવા સુખમાં મહાલે છે! પતિ સાથે ઐશ્વર્ય હોય તે સ્ત્રી શા માટે આવું સુખ ના પામે? પાર્વતીજીને પોતાના પતિ ભોળાનાથ શંકરની ફકીરી ડંખી. પાર્વતીજીએ શંકર પાસે પોતાની હૈયાવરાળ કાઢી.

શંકર ભગવાને પાર્વતીજીને શાંત પાડ્યાં : 'તમારે એવી સુખ-સાહ્યબી જોઈએ છે ને? આમાં રડવાનું શું છે? જાઓ, મારી જટાનો આ એક બાલ લઈ જાઓ. કુબેર પાસે જજો. આ બાલ ઉપર તમે માગશો તેટલું ધન એ આપશે.'

પાર્વતીજીએ બાલ તો લીધો પણ શંકરની વાતમાં વિશ્વાસ ન બેઠો. છતાં પાર્વતીજી કુબેર પાસે પહોંચ્યાં. શંકરની જટાના એક બાલની સામે જોઈએ તે નાણાં આપવા કુબેરે તૈયારી બતાવી, ત્યારે પાર્વતીજી એ બાલ વટાવ્યા વિના પતિ પાસે પાછાં ફર્યાં અને પતિને હૃદયથી વંદન કર્યાં.

કુબેરનું ચિત્ર તમે જોયું છે? તેનું વર્ણન વાંચશો તો તમને લાગશે કે એ બહુ પાકો-લુચ્ચો માણસ હશે - એ ભલા, એક જોગીના બાલની આટલી મોટી કિંમત કરતો કેમ થઈ ગયો?

કેમ કે તેને ખબર હતી કે આ જોગીનો એક બાલ પણ અનોખો હતો - તેની પાછળ પ્રચંડ તપ ઊભું હતું. અને એ બાલ છોડાવવા માટે જમીન-આસમાન એક કરી દે એવો હતો. તેના બાલ ઉપર આપેલાં નાણાં પડી ના જાય. આ પણ વિશ્વાસપાત્રતાનો જ ચમત્કાર છે. કેટલાક કહે છે કે સમાજમાં નાણાંની બાબતમાં શાખની-ભરોસાની વાત કરતા હો તો તેનું રહસ્ય માણસની ધનિકતામાં પડ્યું હોય છે. શાખ ધનિકને મળે છે, ગરીબને મળતી નથી. આ વાત સાચી નથી. એવા સંખ્યાબંધ ધનિકો છે, જેમની કોઈ શાખ નથી. એવા અસંખ્ય ગરીબો છે, જેમને પોતાની આબરૃ છે. વિશ્વાસ રાખનાર વ્યક્તિની ગુંજાશ જોયા વિના જ વિશ્વાસ રાખે, એવું તો દુનિયામાં ના જ બને. છતાં તપાસ કરશો તો તમને જાણવા મળશે કે એક સામાન્ય માનવી પોતાની વિશ્વાસપાત્રતાને લીધે જ માત્ર જબાન ઉપર તેની આવક કરતાં અનેકગણી રકમ મેળવી શકશે. જ્યારે બીજી રીતે પ્રતિષ્ઠિત ગણાતો માણસ વિશ્વાસપાત્રતાને અભાવે આવા ભરોસાને લાયક નહીં ઠરતો હોય.

પ્રેયસી કે પત્ની સાથેના સંબંધમાં, દોસ્તો કે કુટુંબીજનો સાથેના વહેવારમાં, સાહેબ કે શેઠ સાથેના સંબંધમાં જુદા જુદા માણસોની ઓછીવધતી વિશ્વાસપાત્રતા તમે જોઈ શકશો. ક્યારેક આવું પણ અવલોકન કરજો. એક વેપારી અઢીસો રૃપિયાના ગુમાસ્તાના હાથમાં લાખ રૃપિયા મૂકશે અને તેના હજાર રૃપિયાના પગારદાર સેક્રેટરીના હાથમાં પચીસ હજાર પણ નહીં મૂકે. તમારી પ્રામાણિકતામાં વિશ્વાસ એ પણ તમારી એકંદર વિશ્વાસપાત્રતાનો જ એક ભાગ હોય છે. માણસ અમુક બાબતમાં વિશ્વાસપાત્રતા ધરાવતો હોય અને બીજી અમુક બાબતમાં એવી વિશ્વાસપાત્રતા ધરાવતો ના હોય, તેવું જરૃર બની શકે. પણ આ બધા સરવાળા-બાદબાકીના અંતે તેની એકંદરે ચોખ્ખી વિશ્વાસપાત્રતાનો આંક નીકળે છે અને તેનો સ્વીકાર થતો હોય છે. દુનિયામાં તમારો બુદ્ધિનો આંક બહુ ઊંચો હોય, તમારી ધનિકતાનો - શક્તિનો આંક ઊંચો હોય, તમારી શારીરિક રૃપશોભાનો આંક ઊંટો હોય અને છતાં તમારી વિશ્વાસપાત્રતાનો આંક નીચો હોય તો તે એક ખોડ બનીને તમારી એકંદર શક્તિમાં કાપ મૂકશે. માણસે

બીજું બધું ગુમાવ્યું પાલવે કદાચ, પણ વિશ્વાસપાત્રતા ગુમાવવાનું કદી કોઈને પાલવતું નથી - ઈન્દિરા ગાંધી જેવા સામર્થ્યવાળી વ્યક્તિ હોય તો પણ.

No comments:

Post a Comment