Friday 4 October 2013

ભૂપત વડોદરિયા : જીવન દ્રવ્યમાંથી કલાત્મક અભિવ્યક્તિની શોધ...


લેખક થયો હોત તો કદાચ હું જીવી શક્યો ના હોત, કેમ કે લેખકને એક સૌથી મોટો ફાયદો છે કે જીવનના કપરામાં કપરા અનુભવોને કશુંક કલાત્મક રૃપ તે આપી શકે છે. પોતાના જીવનને પછી તે ગમે તેટલું દુઃખી થયું હોય તો પણ કાચા માલ તરીકે વાપરી શકે છે... એક મોટો વિશેષાધિકાર જે મળે છે તે જગતના મહાન સર્જકોની મહેફિલમાં સામેલ થવાની તક મળે છે તે છે.'

અદ્યતન વિવેચનની રીતિ પ્રમાણે ભૂપત વડોદરિયાના વાક્યસ્થિત વિચારોનું વિ-ઘટન deconstruction કરીને જોઇશું તો ખ્યાલ આવશે કે એક અવતરણમાં એમના જીવન અને કવનનો, વ્યક્તિત્વ તેમજ વાડ્મયનો નિષ્કર્ષ નીતરી આવ્યો છે.

ધ્રાંગધ્રે જન્મેલા લેખકનો ઉછેર કાંઇ 'ચાંદીના ચમચે' થયો હતો. અભાવ શું, દુઃખ શું, નોકરી શું, વિવિધ સંબંધોની સમસ્યાઓ શું એનો પાકો અનુભવ એમને થયો હતો. પણ એનું ગાણુંરોણું કર્યા સિવાય કાચા માલને કલાત્મક રૃપ આપવાની પ્રામાણિક ખેવના સેવી છે. સુરેશ જોષી ફોર્મ અને કન્ટેન્ટનો ઊહાપોહ લાવ્યા પૂર્વે લેખકની સાહિત્યિક દૃષ્ટિમાં બીજ પડેલાં. પુસ્તકોના આશક લેખક, જગતના મહાન સર્જકોની મહેફિલમાંથી શબદના જામ ગટગટાવ્યા વગર આવે તો તે 'તૂને પી હી નહીં' કહેવાવારો આવે!

સમયદૃષ્ટિએ જૂના, પણ જરીકે જરીપુરાણા નહિ થયેલા અમર લેખકો સ્ટેન્ધાલ, બાલ્ઝાક, શેક્સપિયર, હાર્ડી, દૉસ્તોયેવ્સ્કી, મોન્ટેન જેવા અને આધુનિકોની કૃતિઓ--તેમજ ખાસ તો બધાના ચરિત્રગ્રંથો સાથે લેખકનો લગાવ એમની મધરાતોને રોમેન્ટિક બનાવી હશે.

પુસ્તકપ્રીતિ એમની સાહિત્યભક્તિનો પર્યાય હતો. ગમતાનો ગુલાલ ગજવે સંતાડી રાખનાર હતા, તેથી મોંઘા મોંઘા ગ્રન્થો ખાસ મિત્રોને ભેટ આપી પોતાના વાચનનો શબ્દચેપ સંપર્કવર્તુળને પણ લગાડે છે! આવાં ગ્રંથરત્નો ભૂપતભાઇની સહી-ભેટપૂર્વક મારી અંગત લાયબ્રેરીમાં શોભે છે.

સ્ટેન્ધાલ વિશે એક વિધાન પ્રસ્તુત છેઃ 'તે લેખકોની કોઇ ટોળી કે જમાતમાં સામેલ નથી. સાહિત્યનો ઉપાસક છે અને લોકપ્રિયતાની સીડી ચઢવા માટે લેખકો ધક્કામુક્કી કરતા હોય તેમાં મુદ્દલ સામેલ થતો નથી.'
લેખકને પૂરતા, ગુજરાતના સ્ટેન્ધાલ રહેવા ઘટે! પત્રકારત્વક્ષેત્રે 'ફૂલછાબ' આદિ દૈનિકોમાં છેક તંત્રીપદ અને ગુજરાત રાજ્ય સરકારમાં માહિતી નિયામકપદ શોભાવ્યા છતાં સાહિત્ય પરિષદ યા અકાદમીમાં જામેલી કોઇ જમાતટોળીમાં ધરાર સામેલ ના થયા તેથી તો પુરસ્કાર-પારિતોષિક કે એવોર્ડના માન-અકરામથી સહર્ષ વંચિત રહ્યા! આનો પ્રકટ દખધોખો કે ડંખ એમનામાં હતો તે એમની નિખાલસ નિરાભિમાન પ્રકૃતિ પરથી તારવી શકાય. છતાં સાચું કહેવાના સંજોગ ટાણે તે મોઢું નથી સંતાડતા. સાહિત્ય પરિષદના માજી પ્રમુખ તરીકે એક હાસ્યલેખકને જાહેરસભામાં 'ફંડ કલેકટર' લેખે અંજલિ આપવાની નૈતિક હિંમત ભૂપતભાઇમાં હતી!  

એક જાગ્રત પત્રકારતંત્રી તરીકે સમાજ-સાહિત્યકારણમાં એમનું આવું પ્રદાન મોટેભાગે કર્તવ્યપ્રેરિત વરતાય છે. ગુ.સાહિત્ય અકાદમીના કેટલાક સભ્યો અને પ્રમુખશ્રી ઉત્તર ગુજરાતના એક તાલુકા-નગરના સંબંધોને કારણે કોઇ સામાન્ય લેખકનું અસાધારણ બહુમાન કરે-કરાવે ત્યારે વ્યક્તિગત વિષમભાવ વર્જી 'સમભાવ,' મૂલ્યલક્ષી વિવાદ પ્રસિદ્ધ કરતાં સંકોચાતો નથી!

સૌમ્ય સજ્જન લેખક બોલી બગાડતા હતા. પરિસ્થિતિના પૉઝિટિવ પાસાને ઉપસાવવાનું એમનું 'સમાંતર' 'અભિયાન' રહ્યું હતું. વિષમતાના વિષને મર્માળુ મરકીને, જિન્દીગીની એક સ્મરણીય 'જોક' પર જોક કરીને, પાત્રપ્રસંગોચિત્ મજાની 'ઍનેકડોક' કહીને અંગત તથા જાહેર જીવનમાં તે જોગવી જાણતા. છતાં વિવેકના વિસ્તાર બહાર જઇ છંછેડવામાં આવે તો ભૂપતભાઇ મોટા ભૂપની પણ નિર્ભીકપણે ટીકા કરી ચૂક્યા છે--અરે!

જીવતાં પાત્રોને સાંકળી, અંગત રાગદ્વેષને બને એટલો બાદ રાખી પત્રકારજગતનું દસ્તાવેજી ચિત્રણ આપતી એક કથા તેમણે આપી છે. ગુજરાતી સાહિત્યની કદાચ પ્રથમ કથા છે. વર્તમાન વિવેચન આની કદર-ટીકા તો ઠીક, નોંધ લેવામાં પણ કૃપણ જાહેર થયું.

ચિંતક નિત્શે અખબારી આલમના ઉદ્યોગને એક 'રોગ' ગણતો જેમાં લેખક ખુદ પણ તંત્રી તરીકે સંડોવાયા હતા, પણ એમનો તારક ઉદ્દેશ 'સમભાવ' હોવાથી સાહિત્યિક સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ વધુ સ્થાપવાની દિશામાં હજુ પ્રગતિની ચોક્કસ આશા સેવાય છે.

તંત્રી તરીકે, 'ઘરે બાહિરે'ના અતિ ખ્યાતનામ કટારચી ભૂપતભાઇની ઓળખ આપવી બિલકુલ અપ્રસ્તુત છે પણ એમના સાહિત્યિક રૃપની છવિ અગાઉના સાક્ષરોએ પણ સ્વીકારી હતી.
કવિશ્રી સુંદરમે એમને 'પહેલી નજરે પ્રેમમાં પડી જવાય એવા માણસ' કહી પોંખ્યા છે. કવિ હરીન્દ્ર દવે સાથે એમનો પ્રારંભવર્ષીય મૈત્રી-સંબંધ ઘણા જાણે, પણ આશ્ચર્ય એનું કે વાર્તા-કથાકાર લેખકે સૌ પ્રથમ તો કાવ્યરચના કરવા પર હાથ અજમાવેલો!

. . દેસાઇ, ધૂમકેતુ, ચુનીલાલ વર્ધમાન શાહ જેવા પ્રતિષ્ઠિત લેખકો એમને વાંચ્યા પછી પ્રોત્સાહિત કરતા રહ્યા. દર્શકને લેખકની એક વાર્તા ટૉલ્સ્ટૉયની યાદ અપાવી ગયેલી. ધનસુખલાલ મહેતાએ 'ભારત જ્યોતિ' (અંગ્રેજી)માં લખેલું 'હી ઇઝ મૉડર્નિસ્ટ ઇન હિઝ ટેકનિક.' સૌરાષ્ટ્રના ચુનીલાલ મડિયાએ પી..એન.ના મુખપત્રમાં લેખકનો 'ટૅલન્ટેડ શોર્ટ સ્ટોરી રાઇટર' તરીકે ઉલ્લેખ કરેલો. ( દૃષ્ટિએ 'પોતાનું ભૂત બની ગયેલા એક માણસની વાત' વાર્તાનો આસ્વાદ લખનારે( રાધેશ્યામ શર્મા) 'બુદ્ધિપ્રકાશ'માં કર્યો છે.)

ડૉ. રમણલાલ જોશીએ 'અગનબિંદુ' વિશે, 'પ્રેમ એક પૂજા', વિશે ડૉ. રઘુવીર ચૌધરીએ 'ગુજરાતી નવલકથા'માં અને લેખકે 'સૂરજને કાળજે ડાઘ' વિશે વિવેચનસંગ્રહ 'અક્ષર'માં અને 'બુદ્ધિપ્રકાશ' માસિકમાં 'પ્રેમ પૂજા'નું આસ્વાદપ્રધાન અવલોકન કર્યું છે.

'જનકલ્યાણ' અને 'સદ્વિચાર' જેવી જાણીતી પત્ર-સંસ્થાઓ તરફથી લેખકનાં પુસ્તકો વીસથી ત્રીસ હજાર સુધીની સંખ્યામાં પ્રકાશિત થયાં છે. ધારાવાહી નવલકથાઓ દૈનિક છાપાના હપ્તાઓમાં આવી હોવાથી તે બધી 'લોકભોગ્ય'ના ખાનામાં મુકાઇને વિવેચકોના એક પૂર્વગ્રહનું નિશાન બની ગઇ. સરવાળે હાનિ કોની માનવી? ઉભય પક્ષની.
- રાધેશ્યામ શર્મા

No comments:

Post a Comment