Saturday 4 October 2014

સ્વ. ભૂપત વડોદરિયા - 3જી પુણ્યતિથી નિમિત્તે સાદર શ્રદ્ધાંજલિ

ભૂપત વડોદરિયા - પત્રકારત્વમાં આચરણ પ્રબોધન

 પત્રકારત્વના મૂલ્યોની જ્યારે જ્યારે વાત નીકળે ત્યારે ગુજરાતમાં ભૂપત વડોદરિયા તુરત યાદ આવે. આર્થિક વિકાસ અને ટેકનોલોજીના નવા આવિષ્કારો સાથે પત્રકારત્વ ઘણું બદલાયું છે, બદલાઇ રહ્યું છે. પ્રિન્ટ મીડિયાની સામે વિજાણુ માધ્યમો - ઇલેકટ્રોનિક્સ મીડિયાની બોલબાલા વધતી ચાલી છે. ગ્લેમર અને અલ્પ સમયમાં વ્યાપક પ્રસિદ્ધિને કારણે નવી પેઢીના પત્રકારોની સ્વાભાવિક દોટ તેની પાછળ છે. તેમ છતાં પ્રિન્ટ મીડિયાની મહત્તા ઓછી થઇ શકી નથી. બલ્કે તેની વિશેષતા વધુ નીખરી છે. બધા માધ્યમોમાં કામ કરનારાઓ માટે આખરે કોઇને કોઇ તબક્કે મૂલ્યો અને મર્યાદાની જાળવણીનો પ્રશ્ન આવે છે. નિરીક્ષણ એવું કહે છે કે જાણે મૂલ્યો પરાસ્ત થઇ રહ્યાં હોય એવું ચિત્ર ઉપસે છે. જો સ્થિતિ વધતી અને વિકસતી ચાલે તો આખરે મૂલ્યવિહિનતાના માહોલમાં પત્રકારત્વની મહત્તા પણ કેટલી રહેશે? પત્રકારત્વની સાર્થક્તા પણ શોધવા જવી પડે એવી સ્થિતિ તરફ આપણે ઘસડાઇ રહ્યા છીએ. ભૂપતભાઇએ જ્યારે 'સમભાવ' દૈનિકની શરૃઆત કરી હતી ત્યારે 'અમારે વળી છાપું કાઢવાની શી જરૃર પડી?' એવા શીર્ષક સાથે સ્વયં તેમણે લખેલી વાતોનું સ્મરણ થઇ આવે છે. એમના શબ્દોને યાદ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે મૂળભૂત રીતે પરિસ્થિતિ બદલાઇ નથી. પત્રકાર સ્વયં મૂલ્યવિહિન ભાગ્યે હોય છે. ભૂપતભાઇએ ત્રણ દાયકા પહેલાં લખ્યું હતું કે 'પત્રકારના ચહેરા પર ક્ષોભ અને મૂંઝવણ છે, હું આમાં ક્યાંય છું કે નથી?... બિચારો તંત્રીની શોધ કરે છે' - 'ક્યાં છે તંત્રી?' આવું લખવું પડે તેનું કારણ રહ્યું છે કે 'પત્રકાર' નામનો કર્મચારી હંમેશા એવા તંત્રીની શોધમાં હોય છે જે તંત્રીની સાથે, જેના હાથ નીચે કામ કરવામાં ગૌરવનો, ખુમારીનો અહેસાસ થાય. પત્રકારત્વની કામગીરીનો અને પત્રકાર તરીકે કર્તવ્યનો આનંદ અનુભવાય. આજે પણ એક સાચો પત્રકાર આવા તંત્રીની શોધમાં રહે છે. ડગલે ને પગલે અનેક સમાધાનો કરવા પડે એવા માહોલમાં પણ પત્રકાર પોતાના અંતર-મનની સાબુત રાખીને કામ કરવા ઉત્સુક રહે છે. વાતને વાચા આપતા હોય તેમ ભૂપતભાઇએ લખ્યું હતું કે અખબાર માત્ર એક ઉદ્યોગ અને કારખાનું હોત તો કદાચ 'પત્રકાર' નામના તેના કર્મચારી કે 'તંત્રી નામના તેના અધિકારીના ભાગમાં શું શું અધિકારો કે કર્તવ્યો આવે છે તેની આટલી ચિંતા આપણે કરવી ના પડત.'
પત્રકાર અને પત્રકારત્વ સામે આજે આસાનીથી આંગળી ઉઠાવી શકાય એવી સ્થિતિ નિર્માણ થઇ છે. પત્રકાર પ્રત્યેના સમાજના આદરભાવમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સ્વયં પત્રકારજગત માટે પણ આવી બાબત આત્મખોજનો વિષય બની શકે. ભૂપતભાઇ અખબારી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી હતા. આમ છતાં તેમણે પત્રકારત્વની કેડીએ ચાલનારનું દિશા-દર્શન કરાવતાં જે લખ્યું હતું આજે પણ નવી પેઢીના પત્રકારો માટે એટલું મૂલ્યવાન પુરવાર થાય તેમ છે. તેમણે સમાચારો 'બનાવવાના' કે 'ઉપજાવવાના' ના હોય તેની યાદ અપાવતાં લખ્યું હતું કે - 'તે (એટલે કે પત્રકાર) માણસને, તેની પીડાને, તેની સમસ્યાને માત્ર કાચો મસાલો ગણી શકે. અખબારની કટારો સત્યના દીદાર કરાવનારા ઝરૃખા હોય છે. તે ગમે તેવા નિર્લજ્જ નખરાં વડે ગ્રાહકોને આકર્ષવાની પ્રદર્શન અટારી બની ના શકે. માણસ ગમે તેટલો દુઃખ, દરિદ્ર કે ગમે તેવા કાદવમાં ખૂંપેલો હોય, માણસ તરીકેના તેના ગૌરવની બેઅદબી કરવાનો કોઇને હક્ક નથી. રાજ્યસત્તાને પણ નહીં, બીજી કોઇ પણ સત્તાને પણ એવો હક્ક હોઇ ના શકે. આપણને ગમે કે ના ગમે, દીવા નીચેનું અંધારું છે. દુનિયાભરમાં નિષ્ઠાવાન પત્રકારો આત્મખોજ રૃપે આનો ગંભીર વિચાર કરતા થયા છે.' અહીં બીજી કોઇ સત્તામાં અખબારને, મીડિયાને ચોથી સત્તા ગણાવાય છે તેનો સંદર્ભ છે. ભૂપતભાઇએ સ્વયં દાયકાઓ સુધી વિવિધ અખબારોમાં કામ કર્યા પછી કારકિર્દીના આખરી પડાવે ટાંચા સાધનો સાથે પોતાનું દૈનિક અખબાર શરૃ કરેલું ત્યારે પત્રકારત્વની કાંટાળી કેડી પર ચાલવાનું હોવા છતાં મૂલ્ય પરસ્તીના આગ્રહ સાથે કેટલો સ્પષ્ટ અને ઉદાત્ત અભિગમ તેમણે અપનાવ્યો હતો! ભૂપતભાઇનો ગુણ આપણા માટે પ્રેરણાનો અખંડ સ્રોત બની રહે છે. ભૂપતભાઇના વચન અને વ્યવહાર એક હતા. તેમણે પોતાના જીવનમાં અને આચરણમાં જે ચરિતાર્થ કર્યું હતું તેનું પ્રબોધન કર્યું. અને એટલે તેમના શબ્દોમાં સત્યનો રણકાર છે. તેની અસરકારક્તાનું અને તેના ચિરંજીવ મૂલ્યનું પણ કારણ છે. તેમની તૃતીય પૂણ્યતિથિના અવસરે પત્રકારત્વના પથ પર આગળ વધી રહેલા લોકોને માટે પ્રેરણા અને માર્ગદર્શન માટે ઉપકારક બની રહે ઉદ્દેશથી આટલું પૂણ્ય સ્મરણ.
-------------------------.

No comments:

Post a Comment