Thursday 1 January 2015

ઓ ગરીબડા જીવ,તને ક્યાં રહેવું ગમશે?


‌એક પછી એક વિકલ્‍પ બતાવવામાં આવે છે, પણ જીવ કોઈ જવાબ દેતો નથી. કવિ આખરે પૂછે છેઃ ઉત્તર ધ્રુવ જવું છે? જિંદગીથી ખૂબ જ દૂર! ધ્રુવ પર જઈએ
ફ્રાન્‍સનાે મહાન કવિ ચાર્લ્સ બોદલેર ઇ.સ.૧૮ર૧માં નવમી એપ્રિલના રોજ જન્‍મ્‍યો હતો અને ઇ.સ. ૧૮૬૭માં ૩૧ ઓગસ્‍ટે ૪૯ વર્ષની ઉંમરે મૃત્‍યુ પામ્‍યો.
અમેરિકાના કવિ-વાર્તાકાર એડગર એલનની સાચી કદર અમેરિકાએ પણ કરી નહોતી ત્‍યારે બોદલેરે અેડગર એલનની વાર્તાઓને ફ્રેન્‍ચ ભાષામાં ઉતારી અને તેને આંતરરાષ્‍ટ્રીય માન અપાવ્‍યું. એક મૌલિક પ્રતિભા ધરાવતા કવિ તરીકે બોદલેરે કીર્તિ સંપાદન કરી પણ તેના સમકાલીનોએ તેને પૂરતો ન્‍યાય ન કર્યો.
બોદલેર ફ્રેન્‍ચ એકેડેમીનો સભ્‍ય બનવા માગતો હતો, પણ ફ્રેન્‍ચ એકેડેમીએ તો ઓન ધ બાલ્‍ઝાકને પણ સભ્‍યપદ આપ્યું નહોતુું. તમારા માથે ખૂબ દેવું છે અને એથી અકાદમીનો મોભો તૂટી જાય એવી દલીલ અકાદમીએ કરી હતી. એ જ દલીલ સમર્થ નાટયકાર મોલિયર માટે પણ કરી હતી અને તેથી મોલિયર પણ ફ્રેન્‍ચ અકાદમીમાં પ્રવેશી ન શકયો. એ જ દલીલ બોદલેર અંગે પણ કરવામાં આવી અને બોદલેરે ઉમેદવારી પાછી ખેૅૅચી લીધી. બોદલેરના જીવનનો વિચાર કરીએ ત્‍યારે તેમાંથી હકીકત આપણી સામે આવીને ઊભી રહે છે તે એ છે કે બોદલેર જેવો સંવેદનશીલ કવિ હોય કે એક સંવેદનશીલ સામાન્‍ય જુવાન હોય તેને જે નિરર્થકતાની લાગણી જન્‍મે છે તેના મૂળમાં બે બાબત હોય છે. તેની સ્‍નેહની ભૂખ વણસંતોષાયેલી રહે છે અને બીજું કે તેના સંજોગોની ભીંસને લીધે તેને સતત એવી લાગણી પીડયા કરે છે કે તે કોઇને ઉપયોગી થઇ શકતો નથી, પછી તેના જીવતા રહેવાનો અર્થ શું? આજે પણ આપણે અનેક સંવેદનશીલ જુવાનોને પૂરી જિંદગી જીવ્‍યા વિના જ મોત દ્વારા મુકિત ઝંખતા જોઇએ છીએ.
બોદલેરે પોતાનો વારસો વેડફી નાખ્‍યો, તે પેરિસની બદનામ ગલીઓમાં જ રખડતો રહ્યો, તેમાં પણ સ્‍પષ્‍ટ દેખાતું કે એની માતાનું ધ્યાન કોઇ પણ રીતે પોતાના તરફ આકર્ષિત કરવા માગતો હતો. તે પ્રેમનો ભૂખ્‍યો હતો અને કદરનો  પણ ભૂખ્‍યો હતો.
બોદલેર પ્રથમ પંકિતનો કવિ જ નહીં, પ્રથમ પંકિતનો વિવેચક પણ હતો. વિવેચક તરીકેની એની શકિતની કદર પણ તેના સમકાલીનોએ ના કરી. તેના મૃત્‍યુ પછી તેની સાચી કદર થઇ. કવિ તરીકે અને વિવેચક તરીકે પણ! બોદલેરને વિકટર હ્યુગોની એક વાત ગમી હતી. વિકટર હ્યુગોએ કહ્યું છે કે એક સાચા કલાકારની અંદર સર્જક અને વિવેચક બંને એક જ ઊંચાઇના હોય છે!
બોદલેરે સાબિત કરી કે વાત સાચી છે. એક પ્રતિભાશાળી સર્જક જિંદગીના હિમાલયને અને ઊંડામાં ઊંડી ખીણ બંનેને ત્‍યાગી ચૂકયો હોય છે. આથી એક સમર્થ સર્જક એવો જ સમર્થ વિવેચક બની શકે છે.
બોદલેરનાં પદ્યકાવ્‍યો જાણીતાં છે પણ એણે પદ્યકાવ્‍યો ઉપરાંત ગદ્યકાવ્‍યો પણ લખ્‍યાં છે અને તેનો સંગ્રહ તેના મૃત્‍યુ પછી બહાર પડયો હતો. બોદલેરનાં ગદ્યકાવ્‍યોમાં પણ તેથી સર્જકતાનું એક ઉન્‍નત શિખર જોઇ શકાય છે. એક ગદ્યકાવ્‍યમાં બોદલેર કહે છે કે ‘ઓ મારા જીવ! મારા ગરીબડા જીવ, તને કયાં રહેવું ગમશે?’
એક પછી એક વિકલ્‍પ બતાવવામાં આવે છે, પણ જીવ કોઇ જવાબ દેતો નથી. કવિ આખરે પૂછે છે કે, ‘ઉત્તર ધ્રુવ જવું છે? જિંદગીથી ખૂબ જ દૂર! ધ્રુવ પર જઇએ. ત્‍યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે અને ત્‍યાં અજવાળું અને અંધારું ધીમી સંતાકૂકડી રમે છે-કશું જ વૈવિધ્ય નહીં, માત્ર એકવિધતા! શૂન્‍યતાનો બીજો ચહેરો!'
છેવટે જીવ જવાબ આપે છે ગમે ત્‍યાં જઇએ આ દુનિયાની બહાર ગમે ત્‍યાં.
માણસ જિંદગીની એક લાંબી સફરના અંતે પણ આ દુનિયાની બહાર કયાંય ‘શાંતિ’ ઇચ્‍છે છે. આ સંસારમાં ગળાડૂબ દુઃખમાં જીવેલા માણસો કે અનહદ સુખમાં જીવેલા માણસો પણ કોઇ ને કોઇ ક્ષણે આ જગતની બહાર કયાંક શાશ્વત શાંતિ માગે છે.
બોદલેર ‌ઇશ્વરમાં માનતો હતો. ધાર્મિક વિધિઓમાં માનતો નહોતો. બોદલેરને એક મિત્રે પૂછયું હતુંઃ ‘ઇશ્વર છે?’ બોદલેરે ‘હા’ કહી. મિત્રે પૂછયુંઃ ‘તમે ઇશ્વરમાં કેમ માનો છો? ઇશ્વર કયાં છે?’
સંધ્યાનો સમય હતો. સંધ્યાની સુવર્ણજ્વાળાથી આખું આકાશ જાણે રંગાઇ ગયુું હતું. બોદલેરે મિત્રને આકાશ બતાવ્‍યું-બસ, એમાં જ એનો આખો જવાબ આવી જતો હતો.
- લેખકના પુસ્‍તકમાંથી

No comments:

Post a Comment