Saturday, 23 March 2013

માણસ પોતાના નાનકડા કાર્યક્ષેત્રમાં જરૂર વીરત્વની વારતા રચી શકે...


માણસો મોટી ઉંમરે પણ સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા થઈને પથારીમાં ન પડે અને નીરોગી જીવન જીવે તેનું કાંઈ રહસ્ય છે ખરું? ઉંમરની સાથે જીવનશક્તિનાં પૂર ઓસરવા ન દેવાં હોય તો કોઈ પણ સંજોગોમાં માણસે મનથી ટટ્ટાર રહેવું જોઈએ. આપણે મોટા ભાગે મનથી જ હારી જતા હોઈએ છીએ. માણસ એક વાર મનથી હારી જાય પછી તે ખરેખરી જીત પણ પિછાણી શકતો નથી. જિંદગીમાં હાર-જીત તો ચાલ્યા કરે છે અને ચોખ્ખી જીત કે ચોખ્ખી હાર જેવું પણ જિંદગીમાં કશું નથી. જેમ માણસની જિંદગીમાં નિર્ભેળ સુખ કે નર્યા દુઃખ જેવું કાંઈ નથી, તેમ સ્પષ્ટ જીત કે સ્પષ્ટ હાર પણ હોતી નથી. માણસની જિંદગી તો લીંબોળીના આખા ઝૂમખા જેવી છે, કેટલીક કડવી પણ હોય છે.
આપણે ત્યાં માણસો મનથી હારી જાય છે, વહેલા હારી જાય છે અને મનથી વહેલા નિવૃત્ત થઈ જાય છે. ઉંમરનો કાંટો ૫૫-૫૮ આસપાસ પહોંચે ત્યાં માણસો થાકીને બેસી જવાની તૈયારી કરે છે, કાંઈ બન્યું ન હોય તો પણ નિવૃત્ત થવાની વાત કરે છે.
જે દેશમાં લાખો જુવાનો કામ શોધતા હોય ત્યાં સરકારી કે ખાનગી નોકરીમાં, કારખાનાંમાં કે કચેરીમાં માણસોએ અમુક ઉંમરે નોકરી છોડવી પડે તેવું તો ગોઠવવું જ પડે, પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિની વાત અહીં નોકરીના સંદર્ભમાં નથી. વાત તો છે જીવનને નિષ્ક્રિય નહીં કરી દેવાની.


માણસ પોતપોતાના નાનકડા કાર્યક્ષેત્રમાં જરૂર વીરત્વની વારતા રચી શકે. જેમણે જિંદગીમાં કાંઈક કર્યું છે તેવા માણસોનાં જીવન તપાસશો તો તમને દેખાશે કે આ લોકો કામ કરતા રહ્યા છે, કપરો સંગ્રામ ખેલતા રહ્યા છે, વારેવારે પોતાની ઉંમરનાં ટીપણાં ઉખેળતાં બેસી રહ્યા નથી.
પશ્ચિમ જર્મનીના એક વારના ચાન્સેલર એડોનેરનું જીવન જ ૬૦ વર્ષ પછી શરૂ થયું હતું. ર્ચિચલનું સાચું રાજકીય જીવન પણ ૬૦ વર્ષ પછી શરૂ થયું. ર્ચિચલના એક ચરિત્રકારે નોંધ્યું છે કે ર્ચિચલનું મૃત્યુ ૬૦ વર્ષે થયું હોત તો બિ્રટનના ઇતિહાસમાં તેનું નામ કોઈ નાના પ્રકરણની ફૂટનોટમાં જ દટાઈ ગયું હોત. ચંગેઝ ખાનની જિંદગી ખરેખર ૫૬મા વર્ષે શરૂ થઈ હતી. બિ્રટનના વડા પ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીના સંધ્યાટાણે સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર ૫૫ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદ્ભાગી બન્યા. દુનિયામાં લાખો લોકો આજે પણ જે કથાના હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન કિહોટે’નો લેખક સર્વાન્ટીસ દારુણ ગરીબીમાં ૫૮ વર્ષની ઉંમરે એ વાર્તા લખવા બેઠો હતો. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઈએ, નક્કી કરી નાખવું જોઈએ અને પછી તેમાં ગૂંથાઈ જવું જોઈએ. માણસ ધારે તો ઘણાં બધાં કામ સાથે પણ કરી શકે છે. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માણસની પ્રવૃત્તિ માત્ર રોજી-રોટી કમાવાની આવશ્યકતાના ખાબોચિયામાં ડૂબી જવી નહીં જોઈએ. જેમના જીવનમાં કાર્યપ્રવૃત્તિનો ગુંજારવ ચાલુ જ રહે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક પણ મધ નીપજયા વગર રહેતું નથી. 
ઘણા બધા માણસો પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, ‘સાહેબ, આવડત તો એટલી બધી છે, કામ કરવું પણ એટલું બધું ગમે છે- ફલાણાને પૂછી જોજોને, એ તમને કહેશે કે હું તો કામનો રાક્ષસ હતો. એટલું કામ કરતો, એટલું કામ કરતો... પણ અત્યારે કાંઈ કરી શકતો નથી- કેમ કે...
કોઈ પત્ની કે પુત્રની માંદગીની વાત કરશે, કોઈ પોતાના પક્ષાઘાત કે લોહીના દબાણની વાત કરશે, કોઈ એક યા બીજા પ્રકારની મુશ્કેલી આગળ કરશે. કેટલાક કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ મોટા ભાગના કિસ્સામાં આવાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવી રાખેલાં હોય છે.
૫૫થી ૬૦ વર્ષની ઉંમરના માણસોને તમે ‘પેન્શનર્સ પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટા મારતાં જુઓ ત્યારે થાય કે, આ બધા કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર, સરકારી અમલદાર કે દુકાનદાર હોય તો સારી વાત છે, પણ તેથી તો તેમણે બેસી જવાને બદલે પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઈએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડ્યું છે. સમાજને ઉપયોગી થવાનાં નાનાં-મોટાં લાખ કામ રાહ જોઈને પડ્યાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે નવરા પડવું ન પડે એટલું કામ છે.
પણ તેમાં પ્રવૃત્ત થવાને બદલે માણસ અત્યારે કાં તો મોટાં પાટિયાં મારીને આળસને લાડ લડાવતી ક્લબ-પ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે અને કાં પોતાની નિષ્ક્રિયતાને ર્ધાિમકતાનો કેસરી સાફો બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાની-મોટી વેદનામાં પિલાતા હોય, કોઈની મદદનો હાથ આવી મળવાની રાહ જોઈ રહ્યા હોય, ત્યારે કોઈને પણ ઈશ્વરના નામે રીટાયરિંગ રૂમમાં પગ પહોળા કરીને બેસી જવાનો અધિકાર નથી.

મન તૈયાર હશે તો શારીરિક મર્યાદાઓ નડતરરૂપ નહીં બને


એક અમેરિકને પચાસેક વર્ષો પહેલાં કારસન સિટી (નેવાડા)માં ભગવાન કૃષ્ણની ભગવદ્ગીતાની એક વિસ્તૃત અંગ્રેજી આવૃત્તિ ખોળી કાઢી હતી. અમેરિકનનીઉંમર બાવીસ વર્ષની હતી. ભગવદ્ગીતાએ એની પર વશીકરણ કર્યું. અમેરિકન યુવાન ભારતના ધાર્મિક સાહિત્યના અભ્યાસમાં ડૂબી ગયો. તેણે રામાયણની કથા અંગ્રેજીમાં ઉતારી. એણે મહાભારતની કથા પ્રવાહી શૈલીમાં અંગ્રેજીમાં તૈયારી કરી. એની ઇચ્છા હરિવંશને પણ અંગ્રેજીમાં ઉતારવાની હતી પણ તે કામ અધૂરું રહ્યુંકેમ કે ૧૯૭૦માં આ યુવાનનું ૩૭ વર્ષની ઉંમરે અવસાન થયું. આ અમેરિકન યુવાન કોઈ જાણીતો લેખક નહોતો કે કોઈ જાણીતો માણસ પણ નહોતોએનું નામ વિલિયમ બક હતું. પણ વાલ્મીકિ અને વ્યાસનાં મહાન સર્જનો તેના દિલને ડોલાવી ગયાં. ભગવદ્ગીતા વાંચીને તેને મહાભારત વાંચવાની લગની લાગી. તેને તો સંપૂર્ણ મહાભારતનો અભ્યાસ કરવો હતો. તેને ખબર પડી કે ભારતમાં અગિયાર ગ્રંથોમાં મહાભારતના સંપૂર્ણ પાઠનું પુનર્મુદ્રણ થઈ રહ્યું છેત્યારે તેની ઉત્તેજનાનો પાર રહ્યો નહીંપણ આ પુનર્મુદ્રણનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે પ્રકાશક પાસે પૂરતાં નાણાં નથી તેવી તેને ખબર પડી ત્યારે તેણે પોતાનાં નાણાં તેમાં હોમ્યાં.

વિલિયમ બકે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો  વર્ષો સુધી તેણે આ મહાન ગ્રંથોનું અધ્યયન કર્યું. તેની ઇચ્છા એક જ હતી પશ્ચિમના લોકો સમક્ષ આ બંને મહાકથાઓને નવેસરથી રજૂ કરવી. પશ્ચિમના લોકો આ ગ્રંથોના અક્ષરશઃ અનુવાદથી કે પાંડિત્યપૂર્ણ વિવેચનથી તેનું કાવ્ય ચૂકી જાય છેતેની કથાનો પ્રવાહ ચૂકી જાય છે અને તેની જે ચોટ તેમના અંતરને લાગવી જોઈએ તે લાગતી નથી. રામાયણનો અંગ્રેજી પાઠ તો એણે એવી ઉમેદથી તૈયાર કર્યો છે કે જેમ રામાયણના સંસ્કૃત અગર હિંદી પાઠ ઊંચા સાદમાં થઈ શકે છે અને કર્ણમધુર લાગે છેતેમ તેના અંગ્રેજી રૂપાંતરનો પાઠ પણ મોટા અવાજ સાથે થઈ શકે. મૂળ કૃતિઓના સંગીત અને ડોલનને તેણે અંગ્રેજી ભાષામાં ઉતારવાની કોશિશ કરી છે.

વાલ્મીકિ અને વ્યાસની એક સંયુક્ત લઘુ છબી બનાવવાની કોશિશ વિલિયમ બકે કરી છે. તેને કેટલી અને કેવી સફળતા મળી છે તે વિવેચકો કહેશે  પશ્ચિમના ઘણા બધાએ આ બંને પુસ્તકોની ખૂબ તારીફ કરી છેપણ અહીં મૂળ મુદ્દો આ નથી. અહીં મૂળ મુદ્દો ભાષાદેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયુંસાંભળ્યું કે વાંચ્યું તેને પોતાના લોકો સમક્ષ પહોંચાડવાની લગની છે. વિલિયમ બકે આવું કામ માથે લેતાં પહેલાં પોતાની સજ્જતાનો વિચાર કર્યો હોત તે આ કામમાં એક ડગલું પણ આગળ વધી શક્યો ન હોત. પણ તેણે પોતાની સૌથી મોટી લાયકાત પોતાની સચ્ચાઈને ગણી અને બીજી લાયકાત ગમે તેવા અઘરા કામને અથાક પ્રયાસોથી પહોંચી વળવાની ઠંડી તાકાતને ગણી. વિલિયમ બકને હનુમાનજીનું ગજબનું આકર્ષણ થયું. શંકા કે સવાલ કર્યા વગર પોતે જેને સ્વામી ગણે છે તેની ભક્તિમાં તરબતર એવું આ વ્યક્તિત્વ તેના ચિત્તમાં ચોંટી ગયું.

પશ્ચિમમાં ઘણું બધું સારું અને ઘણું બધું ખરાબ હશેપણ ઈંગ્લેન્ડમાંજર્મનીમાંફ્રાંસમાંઇટાલીમાંસ્પેનમાં અને યુરોપના બીજા અનેક મુલકોમાં આવા માણસો નીકળી પડે છેજેઓ પોતાના અજ્ઞાન અને બિનઆવડતને જ એક મોટી મૂડી બનાવી દઈને વેપાર શરૂ કરે છેઅને પોતાના ઉદ્યમ અને ધગશથી અજેયમાં અજેય શિખર સુધી પહોંચે છે. ઘણા લોકો એક ઘરેડમાં જ જીવે છે. જ્યાં ને ત્યાં તેઓ પોતાના બિનઅનુભવ કે બિનઆવડતને આગળ કરે છે. તેઓ જેમતેમ પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે અને માને છે કે આ જ તેમનું કિસ્મત છે. તેઓ માને છે કે અન્યાયોથી ભરેલા આ સમાજમાં તેમને માટે કોઈ આશા નથીપણ કેટલાક કિસ્મત કે સામાજિક અન્યાયોના ભેદભરમમાં અટવાયા વગર ગમે તે કામ ઉપાડી લે છે. આપણે ત્યાં કહેવત છે કે કામ કામને શીખવે છે. કોઈ પણ કામ શીખવાનો રસ્તો તે કામને હાથમાં લેવાનો છે.

માણસને તરતાં શીખવું હોય તો તેણે પાણીમાં પડ્યા વગર છૂટકો થતો નથી. હાથમાં લેવા ધારેલા કામ માટે જરૂરી સ્ફૂર્તિ અને શક્તિ જોઈએ. સ્ફૂર્તિ અને શક્તિ પણ માત્ર શારીરિક હોઈ ન શકે. જ્યાં મન પાછું પડશે ત્યાં કંઈ સ્ફૂર્તિ અને શક્તિનો ભાસ નહીં થાય; પણ મન તૈયાર હશે તો શારીરિક મર્યાદાઓ નડતરરૂપ નહીં બને.

મોટાઈના દરજ્જાના એક ખોટા ખ્યાલ નીચે આપણે નાનામાં નાના પ્રસંગે માનના ખોટા તકાદા કરી બેસીએ છીએ...


કેટલાક માણસોને મોટપનો ખ્યાલ સતાવ્યા કરે છે. આવા માણસો કોઈ પણ પ્રસંગે પોતાની મોટાઈ આગળ કર્યા કરે છે. હું મહત્ત્વનો માણસ છું. મારો એક ચોક્કસ દરજ્જો છે. મને મારી મોટપ પ્રમાણે મહત્ત્વ આપવું જોઈએ. કોઈ મારી અવગણના કરશે તો હું સાંખી નહીં લઉંજે માણસને પોતાના આવા માની લાધેલી મહત્ત્વનો ખ્યાલ પજવ્યા કરે છે તેને ડગલે ને પગલે પોતાની અવગણના થઈ રહેલી લાગે છે. નાનામાં નાની બાબતોમાં તેઓ પોતાની મોટાઈનું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યા કરે છે. તેમને ઘણા બધા પ્રસંગે એવું લાગે છે કે તેમની અવગણના જાણી જોઈને થઈ રહી છે.

મોટાઈના દરજ્જાના એક ખોટા ખ્યાલ નીચે આપણે નાનામાં નાના પ્રસંગે માનના ખોટા તકાદા કરી બેસીએ છીએખરેખર આપણે આપણી જાતને માનવંતી ગણતા જ હોઈએ તો આપણને માનની આટલી ઊણપ હરેક પ્રસંગે લાગવી ન જોઈએ. મહાત્મા ગાંધીએઅબ્રાહમ લિંકને અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાપુરુષોએ પોતાના જીવનમાં આવા અનેક અવગણના કે અપમાનના પ્રસંગો જોયા છે અને તેમાંથી સહેજ પણ અપમાનનો ડાઘ વેઠ્યા વગર તેમાંથી ખુશમિજાજ બહાર આવ્યા છે. તમે સાચે જ તમારી જાતને માન આપતા હશો તો તમને જ્યાં ને ત્યાં માન મેળવવા માટે ડોક લંબાવવાનું મન નહીં થાય અને તમે જ્યાં ને ત્યાં સલામી’ નહીં શોધો. માણસને પોતાની જાત માટે માન અને ગૌરવની સાચી લાગણી હોય છેત્યારે તેને એક જુદા જ પ્રકારનો આત્મવિશ્વાસ અને ખુશમિજાજી મળે છે. કોઈ ગફલતથી ચા ઢોળી બેસે કે ઇસ્ત્રીની ગડ વીંખી નાખે તેનાથી તેમના મનના ઘડામાં મોટો ગોબો પડી ગયા જેવું લાગતું નથી. તેમની ખુશમિજાજી ખતમ થઈ જતી નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવો માણસ ક્યારેક બસ પાછળ દોડે અને છતાં બસ દોડી જાય ત્યારે તેને પોતાના હડહડતા અપમાનના પ્રસંગ તરીકે નહીં ઝીલે કે દાંત કચકચાવી નહીં બેસે. તે જાણે છે કે મોટા ભાગે કોઈ માણસો જાણી જોઈને કોઈનું અપમાન કરતા નથી અને તેની અવગણના પણ કરતા નથી હોતા. મોટા ભાગે અજાણપણે જ તેઓ આવું કરી બેસે છે. અજાણપણે આપણે બધા કોઈ ને કોઈ પ્રસંગે આવું કરી બેસતા હોઈએ છીએ. દરેક માણસ દિવસમાં આવી વર્તણૂક અજાણપણે કરી બેસે છે. તેનો અફસોસ બેમાંથી એક પણ પક્ષે કરવાનો જ ન હોય. સ્વામી વિવેકાનંદે અમેરિકાની મુલાકાતમાં આવા અનેક પ્રસંગોને રમૂજના પ્રસંગોમાં કે બોધપાઠનાં દ્રષ્ટાંતોમાં પલટાવી નાખ્યા હતા.

ચીનનો એક ચિંતક કહે છે કે કેટલાક માણસો પોતાના માનમોટાઈની છત્રી માથે લઈને ફરે છે. છત્રીની ખાસ જરૂર ન હોય છતાં પોતાના માથે તેનું એક નાનકડું સ્વતંત્ર આકાશ બનાવીને ફરે છેતમે છત્રી બંધ રાખીને બગલમાં રાખો કે હાથ પર લટકાવો ત્યાં સુધી તો બરાબર છેપણ તમે જ્યાં ને ત્યાં માથે ખુલ્લી છત્રી સાથે ફર્યા કરો તે ખોટું છે. તમારી છત્રીનો સળિયો કોઈ ને કોઈના ખભા પર વાગ્યા વગર નહીં રહે અને છતાં તમને તો એમ જ લાગે બધા જાણી જોઈને તમારી છત્રીનો સિળયો ખેંચે છે. તમે ખુલ્લી છત્રી લઈને આગળ વધશો ત્યારે તમારી છત્રી જ દૂર હટોદૂર હટો,મને આગળ વધવા દોએવી ગર્જના કર્યા જ કરશે! તમે ચાલવા માટે પણ વધુ ને વધુ જગ્યા માગ્યા કરશો.

તલવાર મ્યાનમાં જ રાખીને નીકળી શકાય અને કેટલાક માણસોનો માનમોટાઈનો ખ્યાલ છત્રી કરતાં વધુ તો તલવાર જેવો હોય છે. આવા લોકો ખુલ્લી તલવાર લઈને નીકળી પડે છેપણ તલવારની એકંદર શોભા મ્યાનમાં જ છે.

તમે જ્યારે તમારી પોતાની જાત માટે જ્યાં ને ત્યાં માનના તકાદા કરવાનું બંધ કરશો અને તમારા પોતાના હૃદયમાં પડેલા પટારામાંથી માનનાં દાગીના અને શાલરૂમાલ બીજાઓને વહેંચવા માંડશો ત્યારે આ રીતે તમારા દ્વારા અકારણ અને નિઃસ્વાર્થ રીતે સન્માનિત બનેલી વ્યક્તિઓ તમને પોતાના માથા ઉપર ઊંચકી લેશે. માન માગવાથી મળતું નથી. ભગવાન બુદ્ધે પોતાના જીવનમાં અપમાનના પ્રસંગો જોયા હતા પણ ભગવાન બુદ્ધે તો બધાને માન જ આપ્યું હતું અને પોતે કોઈની પાસેથી રોકડ અપમાનનો સિક્કો સ્વીકાર્યો નહોતો. બુદ્ધનો જવાબ હંમેશાં કંઈક આવો જ રહ્યો છે કે ભાઈભૂલથી તમે ખોટો સિક્કો આપી રહ્યા છો.

તેયાર સુખ વારસામાં નથી જોઇતું....


સંતાનોના વહેવારથી દુઃખી થયેલા એક શ્રીમંત વૃદ્ધે હમણાં કહ્યુઃ ‘સંતાનોને સુખી કરવા માટે હું તો વધુ ને વધુ ધન મેળવવાની જંજાળ વધારતો ગયો. છેવટે એ ધન સંતાનોની નજરે જાતે નહીં કમાયેલી ઓચિંતી હાથ લાગેલી મિલકતની જેમ આવી ચડ્યું! પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું! એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં! કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેનું સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે! હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય! હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે!’
આ ગૃહસ્થની વેદનાનો પાર નહોતો. એક વધુ અગત્યનો મુદ્દો કદાચ તેમના ખ્યાલ બહાર ગયો હશે. તેમણે પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને જે ધનનો વારસો તૈયાર કર્યો, તેના કારણે તેમણે પોતાનાં સંતાનોને જ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આડકતરી રીતે નાલાયક જાહેર કર્યા- તેમની શક્તિમાં જાણે કે તેમને કોઈ વિશ્વાસ જ નહોતો. પુત્રોના પરાક્રમની ધગશ મરી જ પરવારે તો તેમાં નવાઈ શી?
અમેરિકાના એક અતિ શ્રીમંત ઉદ્યોગપતિએ પોતાનાં ધન-ધંધાનો વારસો પુત્રને આપવા આગ્રહ કર્યો, પણ પિતાની લાગણીને માન આપવા ખાતર પણ એ વારસો સ્વીકારવા પુત્ર તૈયાર ન થયો. પછી આ ઉદ્યોગપતિએ પોતાના પૌત્ર ઉપર મીટ માંડી. પૌત્ર સગીર મટીને પુખ્ત થયો, ત્યારે દાદાએ પોતાની સંપત્તિ તેને સોંપવા માંડી, ત્યારે પૌત્રે કહ્યું કે, ‘દાદા, મારે મારી પોતાની રીતે જીવવું છે!’
‘મારે સ્વતંત્ર રીતે જીવવું છે! મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે! તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી! મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની? તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં! મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી! મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે! હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી! હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું! તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી! મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે! તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું! જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને! તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું! કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી!’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી! એટલે જ એક પ્રાચીન ઉક્તિ એવું કહે છે કે પુત્ર સપૂત થવાનો છે, એવું માનતા હો તો પછી ધનનો સંચય શું કામ કરો છો?
અને તમને શંકા હોય કે પુત્ર કપૂત થશે તો તો પછી ધનનો સંચય કરવાનો કંઈ અર્થ જ નથી. કેમ કે તે તમારું ધન વેડફી નાખે એટલું જ જોખમ નથી- વધુ મોટું જોખમ એ છે કે તમારું જીવન વેડફી નાખવા જતાં પોતાનું જીવન પણ વેડફી નાખે!
ખરેખર જિંદગીમાં સુખી થવા માટે માણસે જરૂરિયાતોની કે સુખસગવડોની યાદીમાં ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું જ પડે છે અને પૂર્ણવિરામ વહેલામાં વહેલી તકે મૂકવાને બદલે જે પોતાની યાદીને લાંબી ને લાંબી કર્યા કરે છે, તે માત્ર વધુ ને વધુ દુઃખને વહોર્યા વગર રહેતો નથી!

ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!


જિંદગીમાં સફળ થયેલાને પૂછીએ તો એ કહેશે કે ડિગ્રીનું કંઇ મહત્ત્વ નથી. યુનિર્વિસટીની ડિગ્રી હોય કે ના હોય, તેનાથી કંઇ ફરક પડતો નથી. માણસમાં આવડત હોય, જ્ઞાન હોય, ગ્રહણશક્તિ હોય તો તે ગમે ત્યાં સફળ થઇ જાય છે. જિંદગી જેમની ઉપર ઝાઝી મહેરબાન બની નથી હોતી તેઓ કહેશે કે ડિગ્રીની કિંમત આમ તો કંઇ નથી પણ ડિગ્રી ના હોય ત્યારે તે એક ખોડ બની જાય છે. ડગલે ને પગલે આ અશક્તિ માણસને નડે છે. ડિગ્રીના વાંકે આગળ વધી નહીં શકેલા માણસો ભાગ્યને દોષ દેતાં દેતાં કહે છે કે, એક નામની પણ ડિગ્રી હોત તો હું મારી નોકરીમાં ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત! નોકરીમાં મેં એટલી મહેનત કરી, એટલી સાધના કરી કે મારા સાહેબો હંમેશાં મને બઢતી અપાવવા આતુર રહ્યા પણ અમુક હદ પછી એક સીમા આવી જાય છે. તમારું માથું તરત ભટકાય! તમે વધુ ઊંચા થઇ ના શકો!
કેટલાકને ડિગ્રીનો રીતસર એક મોહ હોય છે. આમાંના ઘણામાં સંભવતઃ આત્મવિશ્વાસની કંઇક ખામી હોય છે. બીજા કેટલાકને ડિગ્રી પ્રત્યે એવો મોહ નથી હોતો પણ તેમને આ અણગમતી છતાં જરૂરિયાતની ચીજ લાગે છે. એમની દલીલ એવી હોય છે ક માણસની હોશિયારી સાથે ડિગ્રીને કોઇ અતૂટ સંબંધ નથી જ નથી. પણ ડિગ્રી ચલણના એક સિક્કા જેવી છે. તેના અંતર્ગત મૂલ્યનો સવાલ જ નથી. નોકરી - વ્યવસાયના બજારમાં તેની એક માન્ય કિંમત છે એટલે તેના ટેકા વિના ચાલતું નથી.
અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોષ તૈયાર કરનાર ડો. સેમ્યુઅલ જોન્સન પાસે કોઇ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વતા તેમ જ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં. પચીસ - છવીસ વર્ષની ઉંમરે પરચૂરણ લેખોના મહેનતાણા ઉપર પેટગુજારો કરતા, પણ હકીકતે ભૂખે મરતા જોન્સનને મિત્રોએ કહ્યું કે અંગ્રેજી ભાષાની અને અંગ્રેજી સાહિત્યની સેવા કરવાની તમારી ધગશ દાદ માગે તેવી છે પણ તમે એક નોકરી લઇ લ્યો! કોઇક શાળામાં શિક્ષકની નોકરી લઇ લ્યો! શિક્ષકને મહિને બાંધેલો પગાર મળે! તેમાં બે ટંકનું ખાવાનું અને ભાડાનું ઘર તો મળે! પછી તો સેમ્યુઅલ જોન્સન નોકરીની શોધમાં લાગી ગયા. શિક્ષકની નોકરી શોધવા નીકળ્યા એટલે ખબર પડી કે તે માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજયુએટની ડિગ્રી ગણાય!
ડો. જોન્સનના મિત્રોને તેમના ભાષાજ્ઞાન, તેમના સાહિત્યજ્ઞાન, તેમની વિદ્વતા માટે ઘણો ઊંચો મત હતો. વળી મિત્ર માટે પ્રેમ પણ હતો. તેમણે નિરાશ થઇ રહેલા જોન્સનને આશ્વાસન આપ્યું કે, વાત માત્ર ડિગ્રીની જ છે ને? એક યુનિર્વિસટીના કુલપતિને અમે ઓળખીએ છીએ. એ પણ વિદ્યાનુરાગી માણસ છે. એને કહીશું કે ભાઇ, તમે અમારા દોસ્તની જે પરીક્ષા લેવી હોય તે લઇ લો, તે કોઇ પણ પરીક્ષામાં બેસવા તૈયાર છે! તમારી પરીક્ષા સારા માર્કે તે પાસ કરી આપે પછી તો વાંધો નથી ને? તમે તેને પછી તો એક ડિગ્રી આપી શકો ને?
જોન્સનના મિત્રોએ કુલપતિને પત્રો લખ્યા, રૂબરૂ મળ્યા પણ વિદ્યાનુરાગી કુલપતિએ કહ્યું કે, જોન્સનની વિદ્વતા માટે મને માન છે. પણ આ રીતે ડિગ્રી અપાતી નથી! યુનિર્વિસટી અલબત્ત માનદ ડિગ્રીઓ આપે છે પણ તે તો એવી કાળજી સાથે આપે છે કે આવી ડિગ્રી મેળવનાર માણસને એ ડિગ્રી વટાવવાની જરૂર જ ના હોય; માનદ ડિગ્રી મેળવનારને માટે તે માનનું એક પ્રતીક હોય છે! યુનિર્વિસટી આ કાગળનાં ફૂલ આપીને વધુ તો જાતે જ ધન્યતા અનુભવે છે. બાકી માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તે હજુ જુવાન હોય, ગરીબ હોય, ડિગ્રીને નોકરીના બજારમાં વટાવવાની ગરજવાળો હોય તો તેને ડિગ્રી ના અપાય!
જોન્સનને ડિગ્રી ના મળી. તે દુઃખી થયો. થોડો વધુ વખત ભૂખે મર્યો પણ સરવાળે તેને ફાયદો થયો. ડિગ્રીના વાંકે શિક્ષકની નોકરી ના મળી એટલે તેણે બમણા જોશથી સરસ્વતીની આરાધના શરૂ કરી. તે વધુ સારો સર્જક બન્યો. વધુ ખ્યાતિ પામ્યો અને આગળ ઉપર માનદ ડિગ્રીનો અધિકારી પણ બન્યો.
વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાળા - કોલેજના ભણતરમાં બહુ હોશિયાર નહોતા. તેમણે શિક્ષણપદ્ધતિની અને પરીક્ષાની પદ્ધતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ વિદ્યાર્થીને અનેક નકામા વિષયો અને નકામી માહિતી મગજમાં ઠાંસવા પડે છે. જ્ઞાનની જિજ્ઞાસા આનાથી મરી જાય છે. આઇન્સ્ટાઇન ૨૧ વર્ષની ઉંમરે માંડ માંડ ગણિતના ખાસ શિક્ષક થવા માટેની ડિગ્રી મેળવી શક્યા. પણ નોકરી ના મળી. આઇન્સ્ટાઇનના પિતાએ ગરીબ બેકાર પુત્રની પીડાથી દ્રવિત થઇને પોતાના પુત્રને નોકરી આપવા માટે એક ઓળખીતા નામાંકિત પ્રાધ્યાપક પર લખેલો પત્ર હૃદયદ્રાવક છે! આઇન્સ્ટાઇન ખૂબ જ સ્વમાની હતા તેથી દીકરાની જાણ બહાર જ પિતાએ આવો પત્ર લખેલો. પિતા મૃત્યુ પામ્યા અને ઘણાબધા વર્ષો પછી આ હકીકત બહાર આવી - પણ હકીકત બહાર એટલે આવી કે આઇન્સ્ટાઇન ક્રાંતિકારી વિજ્ઞાની તરીકે બહાર આવ્યા હતા અને હવે તેમની સફળતા - નિષ્ફળતાની નાનીમોટી વાતોમાં સૌને રસ પડ્યો હતો.
ઉત્ક્રાંતિના સિદ્ધાંતની ખાસ સમજણ ના હોય તેવો કોઇ પણ સામાન્ય માણસ એટલું જાણે છે કે કોઇક એવો વિજ્ઞાની હતો - ચાર્લ્સ ર્ડાિવન એનું નામ હતું, જેણે કાંઇક એવું સંશોધન કર્યું છે કે માણસ વાંદરામાંથી ઊતરી આવેલો છે; ચાર્લ્સ ર્ડાિવનના આ સિદ્ધાંતનો ગ્રંથ ‘ધી ઓરિજીન ઓફ સ્પેસીઝ’ના પ્રકાશનથી ખિ્રસ્તી જગતમાં ખળભળાટ થઇ ગયો હતો. ચાર્લ્સ ર્ડાિવન વિજ્ઞાની તરીકે ખ્યાતનામ બન્યા. ચાર્લ્સ ર્ડાિવનના સિદ્ધાંતની આપણે અહીં ચર્ચા નહીં કરીએ - તેમાં કેટલીક નબળી કડીઓ છે તે હવે સ્વીકારાઇ ચૂક્યું છે - ર્ડાિવનને પણ શાળા - કાૅલેજમાં ખાસ કંઇ મળ્યું નહોતું. શાળામાં તે બરાબર ભણી ના શક્યા એટલે પિતાએ તેને ઇડીનબર્ગ યુનિર્વિસટીમાં મોકલ્યા. દીકરો અહીં કંઇક વાઢકાપ-વિજ્ઞાન સર્જરીની તાલીમ લે અને દાક્તર થાય તો! ચાર્લ્સ ર્ડાર્વિનને આ કાપાકાપી ગમી નહીં એટલે છેવટે પિતાએ વિચાર્યું કે દીકરો ભણીને-ઘણીને બાહોશ થાય તેમ લાગતું નથી. તેને કેમ્બિ્રજમાં ક્રાઇસ્ટ્સ કોલેજમાં મોકલીએ. ર્ધાિમક ઉપદેશકનું કામ સહેલું છે! ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે અને કલેર્જીમેન થાય એટલે પત્યું! આ લાઇન પણ ચાર્લ્સ ર્ડાિવનને માફક આવે તેવી નહોતી! ચાર્લ્સ ર્ડાર્વિનને નાનાં મોટાં જીવજંતુ - પ્રાણીઓ, પંખીઓમાં ઊંડો રસ હતો. આ પૃથ્વી ઉપર જીવન જે અનેક આકાર-પ્રકાર ધારણ કરે છે તેની કોઇ સળંગ સીડી છે કે પછી આ બધી વિચિત્ર રમકડાંની વખાર છે? એક અદમ્ય ઝંખના એના હૈયામાં હતી - તેણે જીવજંતુ, પંખી, પ્રાણી, માનવી, ઘણોબધો અભ્યાસ કર્યો. તેના સારરૂપે તેણે જે સિદ્ધાંત તારવ્યો તેમાં ખરેખરું સત્ય કેટલું? તેમાં ખરેખર ચતુરાઇપૂર્ણ અનુમાનોની આળપંપાળથી વધુ કંઇ છે કે નહીં - આ બધા સવાલો અહીં પ્રસ્તુત નથી પણ અહીં મુદ્દો એ છે કે જેમની વિજ્ઞાનબુદ્ધિ માટે બે મત નથી તેવા માણસને કોઇ આછીપાતળી ડિગ્રી મળી શકે તેમ નહોતું. આમાં આ કે તે યુનિર્વિસટીનો કે તેના પ્રાધ્યાપકોનો દોષ નથી. દરેક સૈકામાં અને લગભગ દરેક દેશમાં શિક્ષણની આની આ જ સમસ્યાઓ રહી છે.
દરેક દેશમાં જ્ઞાન-વિજ્ઞાન તેમ જ વેપાર - ઉદ્યોગના એક યા બીજા ક્ષેત્રમાં ડિગ્રી વગરના માણસો સાચા હીરાની જેમ ઝળકી ઊઠ્યા હોય તેવું બન્યું છે. બીજી બાજુ જાતજાતની ડિગ્રીઓના પ્રમાણપત્રો લઇને બેઠેલા માણસો કોઇક સાધારણ નોકરીમાં કે વ્યવસાયમાં દટાયેલા રહ્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દીને ડિગ્રીઓના અજવાળે જુઓ તો પ્રથમ કક્ષાની લાગે પણ તેમનું એ જ્ઞાન કોઇ નાનકડા ખેતરમાં પણ અહીંતહીં પડેલ બીજની જેમ પણ પ્રસરી ના શક્યું અને એમાંથી કોઇ લીલીછમ જ્ઞાન-વાડીનું સર્જન ના થયું. આ અનેક ડિગ્રીધારીઓની પ્રામાણિક્તાને શંકાસ્પદ ગણવાની જરૂર નથી. આવી શંકા કરીએ તો કદાચ ઘણાબધા સદ્ગુણી માણસોને અન્યાય કરી બેસીએ. આમાં થોડાક એવા હશે જેમણે માત્ર જ્ઞાનનો નિર્જીવ ભાર જ ઊંચક્યો હશે અને બટર્રાન્ડ રસેલની રમૂજમાં કહીએ તો તે જ્ઞાન-ગર્દભ (ગધેડાની જેમ જ્ઞાનનો ભાર ઉપાડનારા) હશે પણ આવા થોડાકની સામે બીજા ઘણા માણસો જ્ઞાનના સાચા સાધકો પણ હશે પણ તેમના જે ગુરુએ તેમને મંત્ર આપ્યો હશે એ ગુરુ જ ‘આગે સે ચલી આતી હૈ’ના સંપ્રદાયના હશે એટલે એ સ્થાપિત શિક્ષણ પરંપરાની બહાર નજક કરી નહીં શક્યા હોય અને વાડ કૂદી જ શક્યા નહીં હોય.
ડિગ્રી સારી કે ખરાબ તેનો આ પ્રશ્ન નથી. ડિગ્રીનો મોહ રાખવાની જેમ જરૂર નથી તેમ તેનો તિરસ્કાર કેળવવાની જરૂર નથી. ડિગ્રી મળે તો જરૂર લેવી પણ તેના વિના બધાં વહાણ ડૂબી જવાની ભીતિ રાખવાની જરૂર નથી. ડિગ્રી મળે તો તેને ભવસાગર પાર કરવાની અણડૂબ હોડી ગણી લેવાની જરૂર નથી. તમારા જ્ઞાન અને કૌશલની કક્ષા એવી હોવી જોઇએ કે તેનો પરિચય થતાંવેંત માણસ તમારી ડિગ્રી જાણીને ચકિત થાય - તમે ડિગ્રીના દીકરા નહીં, તેના દાદા લાગો. તમારી પાસે લાંબીલચક ડિગ્રી હોય પણ તમારો જ્ઞાન-વિકાસ નહિવત્ હોય તો માણસને થશે કે આને આવી મોટી ડિગ્રી કોણે આપી? ડિગ્રી જ્ઞાનના દાવાના પુરાવા તરીકે નકામી છે તો અજ્ઞાનની ક્ષમાયાચના તરીકે તો તેથી વધુ નકામી છે. આટલું સમજીને ડિગ્રી ધારણ કરવામાં કે નહીં કરવામાં વાંધો નથી. વિનોબા ભાવેની જેમ દરેક પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર બાળી નાખી ના શકે પણ તેને ભૂલી તો જરૂર શકે છે.

સંપતિના સ્વાર્થના ચલણ તરીકે અનિસ્ટ પરમાર્થના ચલણ તરીકે ઇષ્ટ


પ્રુશિયાના રાજા સાઇરસે આર્મેનિયાનાં એ વખતનાં રાજા-રાણીને કેદ કર્યાં. સાઇરસે બંદીવાન રાજાને પૂછ્યું : ‘તમારી રાણીને મુક્ત કરવાની કેટલી કિંમત આપી શકો?’ રાજાએ જવાબ આપ્યો : ‘મારી પાસે આર્મેનિયાનું રાજય હોત તો તો મારી રાણીને છોડાવવા આખું રાજય જ તમને આપી દેત, પણ એ તો નથી એટલે રાણીને છોડાવવા માટે હું મારું જીવન આપી શકીશ.’ પ્રુશિયાના રાજાએ બંદીવાન રાજા-રાણીને તરત જ છોડી મૂક્યાં. રાજાના જવાબથી પ્રુશિયાનો રાજા ખુશ થઈ ગયો હતો. એ વાતને થોડો વખત વીતી ગયો. એક દિવસ આર્મેનિયાના રાજાએ રાણીને પ્રશ્ન કર્યો : ‘રાણી, પ્રુશિયાની જાહોજલાલી, દરબારનો ભપકો અને રાજાની ઉદારતા તમને કેવાં લાગ્યાં?’

રાણીએ કહ્યું : ‘કેદી તરીકે આપણે ત્યાં ગયાં ત્યારથી મારી નજર કે મારા વિચારો બીજા કશામાં રોકાયાં જ નથી. જે માનવી મારી મુક્તિ માટે પોતાનો પ્રાણ આપવા તૈયાર થયો હતો તેની પર જ મારું મન એકાગ્ર થયું હતું.’ કિસ્સો જૂના ઇતિહાસનો છે- ઇતિહાસમાં તેનું જે તથ્ય હોય તે, પણ તેમાં જે મર્મ છે તે જીવનના એક તથ્ય તરીકે કોઈ પણ સમય માટે સ્વીકારવો પડે તેવો છે.
દરેક વ્યક્તિ એક અગર બીજા પ્રસંગે એવું કહે છે- કોઈ મજાકના સૂરે કહે છે, કોઈ પૂરી ગંભીરતાથી કહે છે કે બીજાઓની નજરે મારી કાંઈ કિંમત જ નથી! પિતાની ફરિયાદ એ છે કે દીકરાઓને બાપની કિંમત નથી. જે કંઈ મારી કિંમત છે તેનો આધાર મિલકત છે. પુત્રની ફરિયાદ એ છે કે મારા પિતાની નજરમાં મારી કિંમત આવતી કાલના ‘કમાઉ દીકરા’ તરીકે છે! દીકરો કાલ સવારે રૂપિયા કમાઈને લાવવા માંડશે અને ઘરને લક્ષ્મીથી ભરી દેશે, તેવી ધારણા ગણતરી ઉપર જ દીકરાની કિંમત બાપની નજરમાં હોય છે!
હવે જેઓ આ રીતે વિચારે છે તેઓ કદી એટલું વિચારતા નથી કે તેમણે પોતે કદી ર્આિથક અને વહેવારની ગણતરીઓથી અલગ રીતે તેમની પોતાની કિંમત ઊંચી અંદાજાય એવું કંઈ કર્યું છે? પુત્ર ફરિયાદ કરે છે કે મારા પિતા માત્ર ચલણી નોટોનું જ મૂલ્ય સમજે છે એટલે મને પણ ચલણી નોટોના વજનથી તોળે છે, પણ આવી ફરિયાદ કરનાર પુત્રે વિચારવું રહ્યું કે તેણે પિતાને બીજા કોઈ ચલણનો પરિચય કરાવ્યો છે ખરો? જે કોઈ માણસ આ સંસારમાં સોના-રૂપાના સિક્કામાં થતા માણસના મૂલ્યાંકન વિશે ફરિયાદ કરે છે તે માણસે એથી ચઢિયાતા ચલણનો પરિચય કરાવવો જોઈએ. ઈશ્વરે માણસના હૃદયમાં પણ લક્ષ્મી મૂકી છે- લાગણીની લક્ષ્મી, પ્રેમની લક્ષ્મી, કરુણાની લક્ષ્મી, પણ માણસે તો પોતે કીમતી ધાતુઓને એક મોટી મૂડી ગણી અને તેને જ વધુ ને વધુ મહત્ત્વની ગણી એટલે છેવટે તમે જે હથિયાર બીજાની સામે ઉગામો એ જ હથિયાર તમારી સામે આવે એવું બનવાનો પૂરો સંભવ રહે છે.
કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે માણસ પોતાના હૃદયની લક્ષ્મી ભરપૂર લૂંટાવે અને છતાં દુનિયા તેની સાચી કિંમત કરે જ નહીં- તમે લાગણીનો સિક્કો આપો, પણ સામો માણસ તેની ગરજ ટાણે તમારો સિક્કો સ્વીકારે, પણ તમને તેનો ખપ પડે ત્યારે તે કહેશે કે તમે આપેલો સિક્કો ખાસ કિંમત વગરનો હતો અને તમે આજે મારી પાસે જે સિક્કો માગો છો તે તો સોના-ચાંદીનો છે- હું તમને તે કઈ રીતે આપી શકું? આવું કોઈ કોઈ વાર બને છે, પણ તેથી અસલ વાત ખોટી ઠરતી નથી. વહેવારની દુનિયામાં રૂપિયાનું ચલણ તો સ્વીકારવું જ પડે છે, પણ સોનું કે ચાંદી પોતે કંઈ ખરાબ નથી- તે સારાં કે ખરાબ તેનો નિર્ણય તમે તેનો વિનિમય કઈ રીતે કરો છો તેની પરથી થાય છે. સ્વાર્થ અને સંગ્રહના ચલણ તરીકે તે ‘અનિષ્ટ’ છે. પરમાર્થ-પ્રેમના ચલણ તરીકે તે ‘ઇષ્ટ’ છે. બ્રિટનના મહાન નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સના પિતા દીકરા માટે એક સમસ્યા બની ગયા હતા. ચાર્લ્સ ડિકન્સ બાળક હતા ત્યારે તેના પિતાને દેવું થઈ જતાં જેલમાં જવું પડ્યું હતું. પિતા આમ છતાં પુત્રને આગળ ભણાવવા માગતા હતા. ડિકન્સની માતા પોતાની સ્થિતિનો વિચાર કરીને તેને કામે લગાડવાના મતની હતી. માતાએ બાળક ચાર્લ્સને કારખાનામાં કામે લગાડી દીધો. બાળમજૂર તરીકે ચાર્લ્સને બહુ ઝાઝા દિવસ મજૂરી તો કરવી ન પડી, પણ માતાના વલણને તે કદી માફ કરી શક્યો નહીં! બીજી બાજુ ચાર્લ્સ ડિકન્સ સફળ નવલકથાકાર બનીને ખૂબ ધન કમાયો અને તેના પિતા પુત્ર (ચાર્લ્સ ડિકન્સ)ને કશું કહ્યા વગર તેના પ્રકાશકો પાસેથી પૈસા લઈ આવવા માંડ્યા. ત્યારે કોઈએ ડિકન્સને સલાહ આપી કે ‘તમારા પિતાને કોઈએ પૈસા આપવા નહીં, એવી સૂચના લાગતાવળગતાઓને આપી દો!’ ચાર્લ્સ ડિકન્સે ત્યારે એવું કરવાની સાફ ના પાડી- માયાળુ પિતાનું અપમાન એવી રીતે કઈ રીતે કરી શકાય? ‘સમસ્યા’રૂપી પિતા માત્ર ર્આિથક અર્થમાં ‘સમસ્યા’ હતા- સ્નેહની સમસ્યા નહોતા. માણસે પોતે જ માણસ કરતાં રૂપિયાને મોટો બનાવી દીધો છે અને હવે માણસ પોતે જ ફરિયાદ કરે છે કે રૂપિયો માણસ કરતાં બહુ મોટો થઈ પડ્યો- આવું તે હોય!