Sunday 9 March 2014

આ યુગનો અભિશાપ - ઉતાવળ





યુગનો કોઈ સૌથી મોટો શાપ હોય તો તે 'ઉતાવળ' છે. માણસ ઉતાવળને ઉદ્યમનું અનિવાર્ય લક્ષણ ગણે છે. જૂની કહેવત એવી હતી કે ઉતાવળા સહુ બહાવરા, ધીરા સહુ ગંભીર. પણ નવી કહેવત છે ઉતાવળા સો કામગરા. ધીરા સો ઠોઠ! આમ જુઓ તો કાળ પુરુષની બેઅદબી છે. કેટલુંક કામ સમય પોતે જ કરે છે પણ આપણને હવે સમયમાં શ્રધ્ધા રહી નથી. આપણે તો બધું તાબડતોબ કરવું છે. આપણે ઉતાવળે આંબા પકવવા છે. અત્યારે 'ઈન્સ્ટન્ટ કૉફી'ની બોલબાલા છે. ધીરા તાપે ચઢેલી ખીચડી મીઠી હોય કે ધીમા તાપે રોટલો સારો થાય તેવું માનવા આપણે તૈયાર નથી. ઉતાવળ એ હકીકતે આપણા ગુપ્ત અહંકારનો જ વલવલાટ છે. એક દિવસમાં આપણે ભૂગોળ કે ઈતિહાસ શીખી લેવાં છે.  

એક અઠવાડિયામાં આપણે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હાંસલ કરી લેવું છે. આપણે ત્રણ-ચાર દિવસમાં ગણિતનો પાર પામવા ઉત્સુક છીએ. કોઈ પણ વિષયની જાણકારીની વાતમાં 'કેટલી વાર લાગે?' એ આપણો સવાલ છે. પળવારમાં માથાનો દુઃખાવો હરી લેનારી દવાની ગોળી આપણે માગીએ છીએ. માથું દુઃખે છે? એક ગોળી ખાઓ અને માથાનો દુઃખાવો ગાયબ! તાવ ચઢ્યો છે? એક કે બે ગોળી ગળી જાઓ અને ટેમ્પરેચર એકદમ ડાઉન! આપણને સહેજ પણ ઢીલ ગમતી નથી! બસ પકડવી હોય કે માથું યા તાવ ઉતારવો હોય, આપણે તો ઝડપ જ કરવી છે. ઉતાવળ કરવી છે! આપણે છેવટે આવી ઉતાવળ કરીને ક્યાં પહોંચવું છે? આપણે છેવટે આટલો બધો સમય બચાવીને શું કરવું છે? આવો પ્રશ્ન પૂછો તો તેનો જવાબ કોઈ નહીં આપે. ઘણા લોકો કામકાજમાં ખૂબ સમય બચાવે છે. અને પછી બચેલા સમયનો બગાડ કરે છે! લિજ્જતથી એ નહીં જમે, શાંતિથી, સ્વસ્થતાથી એ કપડાં નહીં પહેરે, અદબથી એ નહીં ચાલે, નિરાંતથી એ નહીં બેસે, એ દોડશે અને છેવટે કહેશે કે આ સમય પસાર જ થતો નથી. કરવું શું? ટાઈમ જતો નથી. એ ગંજીફાની પાનાં ચીપશે, ક્લબમાં જશે કે સિનેમાની ટિકિટની લાઈનમાં ગોઠવાઈ જશે. જીવવાની પણ એક કળા છે, એ તેમણે જાણી નથી. એ દોડી દોડીને હાંફી જાય છે. દસ મિનિટ ખૂબ દોડે છે પછી પચાસ મિનિટ થાક ઉતારે છે, વળી પચાસ મિનિટ દોડે છે અને કલાક સુધી થાક ઉતારે છે. સમયને સારી રીતે વાપરતાં આવડતું નથી. જેવું પૈસાનું થયું છે તેવું જ સમયનું થયું છે. બે નંબરના પૈસા અને બે નંબરનો ટાઈમ - ખૂબ કમાઓ અને પછી આડાઅવળા રસ્તે વાપરો !  

તમને થશે કે બે નંબરની કમાણી સમયની બાબતમાં શી રીતે થઈ શકે? થઈ શકે શુું, થાય જ છે? માણસ નહાવામાં, ખાવામાં, કપડાં પહેરવામાં, નોકરી કે ધંધામાં પૂરો સમય વાપરતો નથી. ઓછો સમય વાપરે છે અને સમય બચાવે છે. આ કામ એવી સિફતથી કરે છે કે તમને તેની આ સમયની ચોરી તેની કુશળતાનો પરચો લાગે. માણસ આપણને ગર્વથી કહે છે કે યાર, આપણને 'ઠંડાપણું' ગમતું જ નથી. પાંચ મિનિટમાં નાહી લેવાનું, સાત મિનિટમાં જમી લેવાનું - બધું ફટાફટ પતાવી દેવાનું! આપણને જરા પણ ઢીલ ના ગમે! આ રીતે માણસ સમય મેળવે છે અને પછી ગમે તે માર્ગે ઉડાઉપણે ખર્ચે છે!

ઝડપથી ઝાઝું કામ કરવામાં ખોટું નથી. પણ 'દળી દળીને ઢાંકણીમાં'ની જેમ હાથ ઉપરનાં કામો ઝડપથી આટોપી લઈને, સમયની ખોટી બચત કરી પછી વેડફી નાખવાનું ખોટું છે. આમાં એક તો સમયચોરી છે અને ખાસ તો કાળ પુરુષની બેઅદબી છે. બીજી બાબત વધુ ગંભીર છે. સમય સમયનું કામ કરે છે. તેના ટૂંકા રસ્તા કાઢવાના પ્રયાસોમાંથી આપણા જીવનમાં પારાવાર કૃત્રિમતા જન્મી છે. પછી તે બીમારી દૂર કરવાની વાત હોય કે સિધ્ધિ મેળવવાની વાત હોય. કોઈ મોટું કામ તપ વિના સિધ્ધ થતું નથી અને તપમાં અમુક સમય અને એકાગ્રતા જોઈએ છે. આપણે સમય પણ આપવા માગતા નથી અને એકાગ્રતા પણ આપી શકીએ તેમ નથી.

ધીરજનાં ફળ મીઠાં હોય છે તેમ કહેનારા બેવકૂફ નહોતા. તેમાં કાળ પુરુષની અદબ હતી. આપણાથી મોટી શક્તિના, આપણાથી જુદી શક્તિઓના પ્રભાવનો સ્વીકાર હતો. આવો સ્વીકાર સહિષ્ણુતા અને નમ્રતા માગી લે છે, પણ આપણે તો 'અહમ્ - બ્રહ્માસ્મિ'ના ઉપાસકો! આપણે કદી વિચારવા થોભતા નથી કે શું આપણે દોડીએ એટલે બીજું બધું દોડવા માંડે છે? તમે દોડીને વાળંદની દુકાને પહોંચો કે બેન્કના કાઉન્ટર ઉપર, સંભવ છે કે તમારી આગળ આવીને બીજા કેટલાક બેઠા હોય ત્યારે ગમે તેટલી ઉતાવળ હશે છતાં લાઈનમાં ગોઠવાવું પડશે. તમારી ઉતાવળથી કાંઈ પણ થઈ જવાનું નથી. તમારી જાતને જ કેન્દ્રમાં રાખીને આખી દુનિયાની વ્યવસ્થા તમે કરો છો તે ખોટું છે. મિથ્યાભિમાન છે, અજ્ઞાન છે, અને તેથી સરવાળે નિષ્ફળતા જ છે. તમારું કામ કરો, પણ યાદ રાખો કે પરિણામ કે ફળ સુધી પહોંચતાં સુધીમાં બીજાં ઘણાં પરિબળો ભાગ ભજવતાં જોવા મળશે

તમને તે દેખાય કે ના દેખાય, ઘણાં પરિબળો, વ્યક્તિઓ અને પરમશક્તિ પોતપોતાનો ભાગ ભજવતાં હશે. ક્યારેક એ પરિબળો તમારી સામે કામ કરતાં હશે, ક્યારેક તમને મદદ કરતાં હશે. તમે મિથ્યાભિમાનમાં રાચતા હશો તો તમને લાગશે કે આ ચમત્કાર તમારી આવડતનો જ છે. કેટલાક ક્યારેક ઉતાવળમાં ફાવી જતા હશે. મોટા ભાગે માણસો શાંતિ અને ધીરજથી ફાવતા હોય છે. તમે દોડાદોડી કરો છતાં તમને બસમાં રિઝર્વેશન ના મળે અને તમે છેલ્લી મિનિટે પહોંચ્યા હો તો પણ કોઈક તમને સારી બેઠક કરી આપે તેવું બને છે કે નહીં?

આપણે ચોકસાઈ શીખીએ, સમયસર કામ કરવાની આદત કેળવીએ તે સારી વાત છે. પણ ઉતાવળ કોઈ સમયપાલનની કે ઉદ્યમની નિશાની નથી હોતી. ઘણી વાર એવો આભાસ થાય છે, પણ હકીકતે ઉતાવળ અનિયમિતતા અને અધીરતાનું આવરણ જ હોય છે. નવ મહિને બાળક જન્મે તેવું ચોક્કસ સમય-માપ બધી ઘટના નિમિત્તે નહીં હોય પણ સમયનું કાંઈક ગૂઢ ગણિત કામ કરે જ છે. તેને પિછાનવાનો ઈન્કાર કરીને આપણે ઉતાવળે જ દોડધામ કરીએ છીએ તે શક્તિનો વ્યય જ હોય છે. આવી ઉતાવળ કેટલીક વાર જાતે જ નજીવાં સ્થૂળ પરિણામો આપતી હશે, સરવાળે તો ઉતાવળ કોઈ કામ સુધારતી કે સફળ કરતી નથી.

માણસે પોતાની બુધ્ધિ અને સાધનો ખૂબ વિકસાવ્યાં છે. તેણે બળદગાડું છોડીને વિમાનમાં ઊડતાં શીખીને ઘણું હાંસલ કર્યું છે. સમય અને સ્થળનાં મોટાં અંતર કાપી નાખ્યાં છે. તેની આ સિધ્ધિ ધન્યવાદને પાત્ર છે. પણ ગતિનું તત્ત્વ બધામાં દાખલ થઈ ના શકે. માણસનું જીવન એની આવરદાનું ઓશિયાળું છે અને રહેવાનું. તેમાં કુદરતે પોતે ગતિનું એકમાત્ર યંત્ર ગોઠવ્યું છે. માણસ વિજ્ઞાનને તમાશો બનાવીને આવતીકાલે એમ કહેશે કે મેં બાળપણ એક વર્ષમાં માણી લીધું, કિશોરાવસ્થા એક મહિનામાં માણી લીધી, યૌવન છ માસમાં ભોગવી નાખ્યું, પ્રૌઢાવસ્થા એક સપ્તાહની રાખી અને વૃધ્ધાવસ્થા તો મેં અઢી કલાક જ વેઠી છે. તો બાકી પછી લાંબી સોડ તાણીને મોત જ સૂતું છે. ઉતાવળે જીવીને છેલ્લે નિરાંતે મરવાનું જ છે. આ પરમ વાસ્તવિકતા છે. જીવનનાં વર્ષોમાં ખૂબ ખૂબ ઉતાવળ ભરીને બાકીનાં બધાં વર્ષો ખાલીખમ બનાવી દેવાથી શું? વરસને દિવસ જેવું કરી નાખીને તમારું આયુષ્ય જ તમે કાપી નાખો છો. જિંદગીમાં ઝડપ ભરી ભરીને તમે તેની મીઠાશને ખતમ કર્યા કરો તેથી ફાયદો શું? ઉતાવળ તમને ગુણાકાર જેવી લાગતી હશે, કુદરતના ક્રમમાં તમે તેનો વિચાર કરશો તો બાદબાકી જેવી જ લાગશે. આપણે વેદનાને ટૂંકાવવા મથીએ છીએ અને આનંદને તાણી તાણીને લાંબો કરવા મથીએ છીએ, સરવાળે બન્નેની પોતીકી મીઠાશનો નાશ કરીએ છીએ. માથાનો દુઃખાવો પૂરો વેઠ્યો નથી, જેથી શિરદર્દના છુટકારાની રાહત પૂરેપૂરી માણવાની તક પણ આપણે મેળવી નથી. તરસને ટકવા દેતા નથી. પછી ઠંડા પાણીના પ્યાલાની શીતળ મધુરતાનો આનંદ આવે જ ક્યાંથી

બકરીની જેમ આપણે આખો દિવસ કંઈ ને કંઈ ચાવ્યા જ કરીએ પછી આપણને ક્ષુધા-શાંતિનો સંતોષ ક્યાંથી સાંપડવાનો હતો? ફ્રેન્ચ નવલકથાકાર આન્દ્ર જીદને કોઈએ પૂછ્યું હતું કે તમારા જીવનની પરમ આનંદની ક્ષણ કઈ? નવલકથા માટે નોબેલ ઈનામ મેળવનારા લેખક જીદે કહ્યું કે 'સહારાના રણમાં એક વાર મળેલા ઠંડા પાણીનો ચંબુ.' પ્રખર સહરાની તરસ વિના ઠંડા પાણીનું અમૃત ક્યાંથી પારખી શકાય? મીઠાશ તો આપણે ઝંખીએ છીએ, પણ મીઠાશને 'મીઠાશ' બનાવનારાં તત્ત્વો આપણે કાઢી નાખવાં છે. વિરહ વિના મિલનની મીઠાશ શું, તરસ વિના પાણીની મીઠાશ શું, ભૂખ વિના ભોજનની મીઠાશ શું? વેદના વિના દર્દમુક્તિની મીઠાશ શું? થાક વિના આરામની મીઠાશ શું?

બદામ હોય કે બિસ્કિટ હોય, તેને ચાવીને ખાધા વિના ગળે ઉતારી દેનારને તેની મીઠાશ સમજાવાની નથી. ચાવવામાં મીઠાશ છે અને જોખમ પણ છે! પણ તે મીઠી હોવાનો પણ પૂરો સંભવ છે. આપણને સુખ જોેઈએ છે, પણ દુઃખ આવી પડવાનું જોખમ લેવું નથી. માણસની જિંદગીના એક એક આંસુનો કોઈ વીમો ઉતારનું નથી. નહીંતર એ વીમો પણ લઈ લેત! એક આંસુના વીમા માટે પછી દસ આંસુનું પ્રીમિયમ ખર્ચવું પડત તો એ જુદી વાત હોત. આંસુ અને સ્મિતને જુદાં પાડવાની મથામણ ખોટી છે. એમની સગાઈ એવી પાકી છે કે છૂટાં પાડવાની બધી કોશિશ બેકાર જ પુરવાર થાય છે.
કુદરતે માણસમાં એક ઘડિયાળ ગોઠવી છે. તેના કાંટા સાથે વાત કરવામાં જોખમ છે.  તેને જલદી ફેરવવાની કે થંભાવી દેવાની ચેષ્ટા ખોટી છે. જિંદગીનો આનંદ તેથી વધતો નથી. જિંદગીની વેદના તેથી ટૂંકી થતી નથી. આવી કોશિશ નકામી નીવડે છે. એક ખાલીખમપણું, એક શૂન્યતા, એક મૂર્છા આપણને ઘેરી વળે છે.

જલદી જલદી જીવી નાખવું છે પણ જલદી મરી જવું નથી. પરસ્પર વિરોધી એવા આ પરિણામ માટે આ જિંદગીના ભમરડાને કોઈએ જાળ ચડાવેલી છે. તેની ગતિએ તેને ઘૂમવા દો. તેમાં કૃત્રિમ ગતિ ભરવાની કડાકૂટ છોડો. ઘૂમતો ભમરડો અભિમાન કરે કે હું ઘૂમું છું. ધારું તો ઝડપી ઘૂમી શકું છું. તેના જેવું જ મિથ્યાભિમાન માણસનું છે, માણસ ઘૂમતો દેખાય છે અને છતાં આખી બાજી તેના જ હાથની નથી. માણસ દોડે છે અને એક રાક્ષસી ટ્રક ક્ષણવારમાં તેને માંસનો રોટલો કરી નાખે છે, ક્યાં ગઈ ભાઈ તારી ગતિ, તારી ઉતાવળ? તારું ઘડિયાળ ક્યાં છે? માણસ સલામત ખંડમાં ડનલો-પીલોના ગાદલામાં સૂતો છે અને ઓચિંતું હૃદય બંધ પડી જાય છે. દોડતા હોઈએ કે સૂતા હોઈએ ને આપણી ગતિને કોણ ટકાવી રાખે છે કે કાપી નાખે છે? સંગ્રામના લડવૈયાનેય કોઈકના અદૃશ્ય રક્ષણની જરૃર પડે છે, અને પલંગમાં પોઢેલાને કોઈનો હાથ રક્ષે છે. બધી જ ગતિ અને સલામતી આપણા હાથમાં છે તેવું માનવાની ભૂલ ન કરવી.

જિંદગી જીવવા માટે છે. તેને બરોબર જીવો, માણીને જીવો. વર્ષોની ફૂટપટ્ટીથી તેની મીઠાશનું માપ નથી નીકળવાનું. સાડા પાંચ વારનું જિંદગીનું પાનેતર છે. દોઢડાહ્યા વાણોતરની જેમ તમે તેને સત્તર વાર માપવાની ઝડપ કરશો તે તેથી તેની લંબાઈ કે પોત બદલાઈ જવાનાં નથી.

આંસુની બાદબાકી અને સ્મિતના ગુણાકાર માટે આંકડાની ઘાલ-મેલ છોડી દો. સૂરજ સમયસર ઊગે છે, અને સમયસર આથમે છે. પણ વચ્ચે ક્યાંય ખોટી ઝડપ કરતો નથી. રાતે જાગીને દિવસે ઊંઘવા કરતાં દિવસે જાગીને રાતે ઊંઘવાનું જ ઠીક છે. આમ તો વાત એની એ જ લાગે છે. એની એ જ વાત છે તો ઉલટાવવી શા માટે? રાતની ઊંઘને અને દિવસની જાગૃતિને તેની પોતાની મીઠાશ છે. એ મીઠાશ જેવી છે તેવી જ માણવામાં શો વાંધો છે? સાદા દાખલાને ઉતાવળથી અઘરો બનાવવાની ચેષ્ટા છોડો.  
---------------.

No comments:

Post a Comment