Sunday 9 March 2014

નક્ષત્રના ગ્રહ નહીં, આપણા આગ્રહ ને પૂર્વગ્રહ જ નડે!




એક પતિ-પત્નીની વાત છે. લગ્નજીવનને પૂરાં વીસ વર્ષ થયાં છે. બે બાળકો છે. બંનેએ એકબીજાને જોઈને લગ્ન કર્યાં હતાં. છેલ્લા થોડા દહાડામાં પતિ-પત્ની વચ્ચે કલેશ-કંકાસની સ્થિતિ સર્જાઈ છે. પતિ ઘેરથી સવારે સાડા આઠ કે નવ વાગ્યે નીકળે છે. બપોરે ઘેરથી ટિફિન મગાવે છે. રાત્રે મોડો ઘેર પાછો ફરે છે. આથી પત્નીને લાગે છે કે, પતિ પોતાનાથી દૂર જઈ રહ્યો છે. તેની ઓફિસમાં બહુ કામ રહે છે. તેથી મોડું થાય છે તે કદાચ એક બહાનું જ હશે. ચોક્કસ તેનો પ્રેમ કાં તો ઓછો થઈ ગયો છે અને કાં તો પછી તેની લાગણીનું વહેણ બદલાઈ ગયું છે. પતિનો જવાબ એ છે કે, અત્યારે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તેમાં ઘર કરતાંય દુકાન પર ધ્યાન વધુ આપવું પડે એવી સ્થિતિ છે. ધંધામાં જ્યાં ઊભા હોઈએ ત્યાં જ ટકી રહેવા માટે પણ માણસને સમયની સાથે દોડવું પડે છે!

પતિ-પત્ની વચ્ચે આવી રીતે અંતર વધી પડ્યું છે ત્યાં જ કોઈ મિત્ર અમુક જ્યોતિષી તરફ આંગળી ચીંધે છે! બહુ જ જાણકાર માણસ છે. તરત કુંડળી જોઈને નિદાન કરી આપશે. કુંડળી નહીં હોય તો પણ ચાલશે. હાથની રેખા જોઈને કે ચહેરો જોઈને પણ કહી આપશે!

પતિ-પત્ની જ્યોતિષી પાસે જાય છે. સાથે પોતાની કુંડળી લઈને જાય છે. બંનેની કુંડળી સરખાવીને જ્યોતિષી કહે છે કે, તમારા બંનેના ગ્રહો મળતા નથી! ગ્રહોમાં મેળ ઊભો થાય- ગ્રહદોષનું નિવારણ થાય એવો રસ્તો છે- કહો તો બતાવું! ઝાઝો ખર્ચ નથી! કોઈ પણ જ્યોતિષી ગમે તે સમજણથી કે ગમે તે ઇરાદાથી આવું નિદાન કરે ત્યારે સવાલ થાય કે, જો એ સ્ત્રી-પુરુષના ગ્રહો મળતા જ નહોતા તો તેમનાં લગ્ન શી રીતે થયાં? બે બાળકો કઈ રીતે થયાં? વીસ વર્ષ લગ્ન ચાલ્યું કેમ? ખરેખર ગ્રહોના મેળની જ વાત હોત તો તો આ સંબંધ બંધાયો જ ન હોત. હવે અમુક વિધિથી ગ્રહો વચ્ચે મેળ થઈ જશે એમ માનવું એ કેટલે અંશે સાચું?

સાચી વાત એ છે કે, આપણે આપણી પોતાની જાતને સુધારવા તૈયાર નથી અને આપણા ગ્રહો સુધરવાની રાહ જોઈએ છીએ કે કોઈક રીતે ગ્રહોને સુધારવાની તજવીજ કરીએ છીએ! આમાં ગ્રહોનો કંઈ દોષ નથી. તમે તમારા પોતાના પૂર્વગ્રહો કે અનુગ્રહોનો ખુલાસો ગ્રહોમાં શોધો તો તે તદ્દન ખોટું છે. તમે તમારા માથે લીધેલી જવાબદારીમાંથી છૂટી પડવા માટે હવે દોષનો ટોપલો ગ્રહોના ખોળામાં નાખી દો છો. માણસો પોતાની જવાબદારીઓ આ રીતે ખંખેરી નાખે છે.

આપણે જ્યોતિષશાસ્ત્રની સચ્ચાઈ કે તેની મર્યાદાઓમાં પડવાની કોઈ જરૃર નથી. ગ્રહોની વાત બાજુએ રાખીને પણ આપણે સમજી શકીએ છીએ કે, સમય બદલાયા કરે છે. ક્યારેક સમય સારો હોય છે, ક્યારેક તે ખરાબ હોય છે. સમયને સાચવવો પડે છે. સમય તમને સાથ આપે કે ન આપે, તમે તમારી જાતને સાથ આપી શકો છો. બે જ મુદ્દા મહત્ત્વના છે. આપણે કરેલા નિર્ણયો અને માથે લીધેલી જવાબદારીને આપણે વળગી રહેવું જોઈએ. તેમાંથી છૂટી પડવા માટે ગ્રહોને કે બીજા કોઈને દોષ દેવો એ કાયરતા છે. ગ્રહોને દોષ દઈને તેને રીઝવવાની કોશિશ કરવા કરતાં તમને જે વ્યક્તિનો દોષ દેખાતો હોય તેને જ રાજી કરવાની કોશિશ કરો તો તે વધુ વહેવારુ માર્ગ છે.

ગ્રહોની ઝાઝી પિછાન તમને નહીં હોય- તમારી સાથે સંકળાયેલી વ્યક્તિઓની આછીપાતળી પિછાન તો તમને હશે જ. છેવટે જિંદગી એક સાહસ છે અને તે સાહસને સફળતાથી પૂર્ણ કરવાનો માર્ગ સ્નેહ અને સમાધાનનો છે. જિંદગી એક વ્યાપક ભાગીદારી છે અને એ એક સંયુક્ત જવાબદારી પણ છે. ગ્રહોની વાત તો ઠીક છે. બાકી માણસનો આજ સુધીનો અનુભવ એ છે કે, જીવનમાં સુખ અને શાંતિ તૈયાર દાગીનારૃપે કોઈને હાંસલ થયાં નથી હોતાં- દરેક વ્યક્તિએ તેને કમાવા પડે છે. સુખશાંતિ પણ માણસની એક સાચી મહેનતની કમાણી હોય છે.

No comments:

Post a Comment