Saturday 23 May 2015

અજાણ્યો આરંભ ને અજાણ્યો અંત આ કેવી કથા? - ભૂપત વડોદરિયા

આપણે નાના હોઇએ છીએ ત્યારે થાય છે કે જલદી જલદી મોટા થઇ જઇએ અે મોટા થઇએ પછી થાય છે કે ફરી પાછા નાના બની જઇએ! એક અમેરિકન વાર્તાકારે આ શબ્દોમાં એક પાત્રના મુખે જિંદગીની અબૂઝ પ્યાસને જાહેર કરી છે. કોઇ પણ માણસ પોતાનો અનુભવ તપાસવા બેસે તો તેને આ વિધાનનું તથ્ય મનમાં વસ્યા વગર ના રહે. એક બાળકને જલદી જલદી મોટા થઇ જવાની તાલાવેલી હોય છે. એક બાળકના ઉછળતા હાથ પગમાં સતત આ ઝંખના પ્રગટતી રહે છે. એક બાળક પોતાના જન્મદિવસની આગલી રાતે માતાને કહે છે. 'મા, કાલે હું સાત વર્ષનો થઇ જઇશ, મારા કપડાં મને ટૂંકા નહીં પડે? આવતી કાલે મારા જન્મદિવસે મારે દરજીને ફરી માપ આપવું છે અને નવાં કપડાં કરાવવા છે!' બાળક સતત વધે છે અને છતાં તેની આવી વૃદ્ધિ વહેતાં નીરની જેમ આગળ ધપતી હોય છે. તેમાં કોઇ છલાંગ મારવા જેવું હોતું નથી અને પગથિયાં નથી. એક સળંગ પ્રવાહ છે. બાળક કિશોર બને ત્યારે જુવાન થવા ઝંખે છે. પુખ્ત થવા ઇચ્છે છે અને પછી તે પાછો વળવા માગે છે - તે જાણે છે કે પાછા વળી શકાય તેવું નથી. આ તો એકમાર્ગી પ્રવેશ છે. પાછા જઇ શકાય જ નહીં છતાં તેને થાય છે કે ફરી બાળક બની શકું તો કેટલું સારું! એ બાળક તો બની શકતો નથી પણ બાળપણની અને કિશોરકાળની પળોને ફરી ફરી યાદ કરે છે. વાગોળે છે અને શૈશવ અને કૈશોર્યને એ રીતે ફરી ફરીને જીવે છે.

એક માણસ ચાલીસી વટાવી દે પછી કિશોરકાળના, યૌવનકાળના ખંડો ફરી સંભારવા લાગે છે. પોતાની સાથે અમુક ગામની શાળામાં ભણતો હતો તે બાળક અત્યારે ક્યાં હશે? એનું શું થયું હશે? પોતાની સાથે અમુક શહેરની શાળામાં સાથે ભણતો હતો તે કિશોર ક્યાં ગયો? કોલેજમાં જે સાથે હતો તે યુવાનનું શું થયું? કોઇ પણ માણસ પોતાના બાળપણના - કિશોરકાળના અને યૌવનકાળના સમવયસ્કોની જિંદગીની વાત જાણે ત્યારે વિચારમાં પડી ગયા વગર રહેતો નથી.

દરેક માણસ જિંદગીની કોઇને કોઇ પળે એવા સવાલ કરે છે - મારી સાથે ભણતા હતા કે કારકિર્દીની શરૂઆતમાં મારી સાથે નોકરી કરતા હતા તે ભાઇનું શું થયું? આપણને ઘણીવાર આવો સવાલ થાય છે - એ માણસનું શું થયું? આવી દરેક પૃચ્છામાં જે અધૂરી જીવનકથા સાંભળવા મળે છે તે સાંભળીને આપણને એવી લાગણી થાય છે કે આ તો તદ્દન ઢંગધડા વગરની વાર્તા જ છે! આમાં બહુ જ થોડી કથાઓમાં કાવ્યનો કે નાટકનો ન્યાય નજરે પડે છે. બાકીની કથાઓમાં તો કોઇ પ્રતીતિકર અંત પણ હોતો નથી.

એક માણસ દારુણ ગરીબી વચ્ચે જન્મ્યો. માંડ માંડ ભણ્યો, અજાણ્યા માણસોની મદદથી અને મહેનત કરીને કોલેજમાં ગયો. ભણતર પૂરું કરીને નોકરીએ લાગ્યો. પાંચ વર્ષ કાળી મજૂરી કરીને પાંચ પૈસા પામ્યો. પછી પરણ્યો. પછી તેણે રાત દિવસ એક કરીને દશ વર્ષ સુધી નાનકડા પાયા પર સ્વતંત્ર કામકાજ કર્યું. તેણે છેવટે એક નાનકડું કારખાનું કર્યું. પાંચ વર્ષ સુધી આ કારખાના પાછળ લોહીપાણી એક કર્યાં. કારખાનું એક માંદા આશ્ચિત જેવી જવાબદારી મટીને કમાઉ દીકરા જેવું બને તે પહેલાં તે માણસ કેન્સરનો ભોગ બન્યો, બેત્રણ મહિનામાં તો તે મૃત્યુ પામ્યો. પુત્ર માંડ દશ વર્ષનો છે. પુત્રી માંડ સોળ વર્ષની છે. ૫૦ વર્ષની ઉંમરે પણ નહીં પહોંચેલો માણસ જ્યારે આમ ઓચિંતા ચાલ્યો જાય છે ત્યારે તેનું જીવન અધૂરી વાર્તા જેવું લાગે છે. એ માણસનું શું થયું? એવો પ્રશ્ન બદલાઇ જાય છે. અમુક માણસની પત્નીનું કે તેના બાળકોને શું થયું? એવો સવાલ આગળ આવે છે? જિંદગીની સાંભળવી ગમે તેવી વાર્તામાં તો ઉપાડ, મધ્ય અને અંત વ્યવસ્થિત હોવાની ધારણા જ આપણે રાખીએ છીએ. એક માણસ ગરીબીમાંથી આગળ આવે, કંઇક નામ કાઢે બે પૈસા પામે, કુટુંબનું સુખ પામે અને તેના સંતાનો ઘર કે ધંધાની જવાબદારી ઉઠાવી શકે તેમ હોય ત્યારે જ તે માણસ તખ્તા પરથી દૂર થાય. એથી યે વધુ સારી વાત એ કે તે નિવૃત્તિના શાંત નિરુપદ્રવી જીવનના ઓશિકે તેના સફેદ વાળનું માથું ગોઠવી શકે. સમરસેટ મોમે કહેલું છે કે, પંચાવન સાઠ વર્ષની ઉંમરે જ્યારે જ્યારે કોઇ મિત્ર કે સંબંધી કે ઓળખીતાનાં મૃત્યુના ખબર મળતા ત્યારે જાણે એ વ્યક્તિના મને ભણકારા વાગવા માંડતા. જાણે એ વ્યક્તિ મને કાનમાં કહેતી હતી.  'હું તો તૈયારી વગર જાઉં છું! તમે તૈયારી રાખજો!' વિદાય થતી દરેક વ્યક્તિના મોમાં આવા જ શબ્દો આપણે વાંચી શકીએ છીએ અને હકીકત એ છે કે, દરેકને તૈયારી વગર જ ઉપડી જવાની સ્થિતિમાં મુકાઇ જવું પડે છે. આ દુનિયામાંથી હંમેશ માટે ચાલ્યા જતાં પહેલાં તૈયારી કરવાની હોય તો પણ કેવી તૈયારી કરવી? કોઇ એનો નિર્ણય કરી શક્યું નથી. 

કોઇક આવતા જન્મની તૈયારી કરવાનું કહે છે. કોઇ મૃત્યુ પછીનાં જીવનની તૈયારીમાં કંઇ કચાશ નહીં રાખવાનું કહે છે. મોટા ભાગના માણસો પોતાની સાંસારિક જવાબદારીઓ અને લાગણીના કરજની પતાવટની દૃષ્ટિએ જ આવી તૈયારીનો વિચાર કરે છે. પૈસે ટકે સુધી અને લાઇનસર સંતાનો મૂકીને જનારા માણસને અંજલિ રૂપે એવું કહેવામાં આવે છે કે, એ માણસ તો લીલી વાડી મૂકીને ગયો. દીકરા લાઇનસર છે, દીકરીઓ સાસરે સુખી છે. દીકરા અને દીકરીનાં બાળકો પણ જોયાં. બધું જ સુખ જોયું - એ તો સુખની વચ્ચે ગયો એટલે ઓર સુખી થઇ ગયા - એમ જ સમજવાનું! આવા 'સદ્ભાગી' માણસોની સંખ્યા ઓછી જ હોય છે. મોટા ભાગના માણસો તો સુખ-દુઃખનું એક જ પોટલું મૂકીને અને એક જ પોટલું લઇને જાય છે! કોઇ પોતાનાં કુટુંબીજનો સ્વજનોના જીવનમાં એકલાં સુખ કે એકલાં દુઃખ મૂકીને જઇ શકતું નથી કેપોતે પણ આવું કોઇ ચોખ્ખું સુખ કે નિર્ભેળ દુઃખ લઇને જતું નથી! થોડીક જ જિંદગી એક સ્વતંત્ર વાર્તા તરીકે ચાલે તેવી હોય છે - મોટા ભાગની જિંદગીઓ તો એક સળંગ અનંત વાર્તાના પ્રકરણથી વધુ કાંઇ હોતી નથી.

એક માણસ પોતાના પુત્રને ત્રણ કે સાત વર્ષનો મૂકીને મરી જાય છે. પાંત્રીસ-ચાલીસ વર્ષની તેની જિંદગીમાં ખાસ કાંઇ બન્યું જ હોતું નથી. દુનિયાની નજરે તેનું જીવન લગભગ એક અજાણ્યાં માણસના આગમન અને વિદાય જેવું લાગે છે. એ માણસનો પુત્ર કાંઇક એવુ કરે છે. કંઇક એવી સિદ્ધિ મેળવે છે. કંઇક એવી કીર્તિ મેળવે છે કે પેલા અજાણ્યા માણસની કબર કે તેનાં સ્મૃતિચિન્હો પર પ્રકાશનો ધોધ પડે છે - ભૂતકાળના ભોંયરામાં પડેલી મૂર્તિઓને જાણે નવ વાચા અને નવું તેજ મળે છે! આલ્બેર કામુનો પિતા, સમરસેટ મોમની માતા, અબ્રાહમ લિંકનની અપર માતા, લેનિનનો મોટો ભાઇ, મહાકવિ ગેટેની પ્રેયસી, ઇ. એમ. ફોસ્ટરનો મુસ્લિમ દોસ્ત - પાનાનાં પાનાં ભરાય એટલાં અજાણ્યાં નામો તવારીખની નોંધપોથીમાં આદરપૂર્વક પ્રવેશ પામે છે.

માણસ આવે છે અને જાય છે. જીવનનાં નીર તો વહેતાં જ રહે છે. માણસની નજર પાછળ પણ પહોંચતી નથી અને આગળ પણ પહોંચતી નથી. એક સામાન્ય સૈનિકમાંથી સેનાપતિ અને શહેનશાહ બનેલા નેપોલિયને પોતાની વંશાવળીની ખોજ કરેલી. આજે તો કોઇને સાત પેઢીનાં નામ પણ યાદ રહે તેવું નથી. પણ પંદર પેઢીના નામથી વધુ પાછળ માણસ પોતાના વડદાદાઓની ખોજમાં પડે ત્યારે તેને પોતે કેવા પરપોટા પર બેઠો છે તેનો વહેમ તરત જ પડી ગયા વગર રહેતું નથી. માણસ પોતાના મનનો, લાગણીઓનો, બુદ્ધિનો, તબિયતનો, જરાક વધુ વિચાર કરે ત્યારે તેને તાજુબી થાય છે, આખી જિંદગી નેપોલિયનને કબજિયાતની પરેશાની રહી હતી અને હંમેશાં તેને વિચાર આવ્યા જ કરતો કે, આ બધું ક્યાંથી અને કોનું વારસામાં આવે છે? દૂર દૂરના કોણ જાણે કયા હિમાલયમાંથી નીકળેલું જિંદગીનું એક ઝરણું આજે મારું નામ ધારણ કરીને અમુક આંગણામાં ઊતર્યું છે. માણસનું નામ બદલાય છે, પણ જિંદગીનું ઝરણું તો આગળ જાય છે. કોઇ ઝરણાંને યાદ નથી કે તેણે જોયેલા પર્વત અને જંગલનો સારો નકશો શું છે.

હમણાં એક માણસની મુલાકાત થઇ. સ્થાન, માન અને નામના પ્રાપ્ત કરી ચૂકેલી આ વ્યક્તિએ કહ્યું, "આ બધો પ્રતાપ મારા પિતાની મિત્રતાનો છે. એ મિત્રને કોઇ સંતાન નહોતું પણ મારા જેવા કેટલાક સંતાન તેમને હતા. મારા બાળકો જ્યારે જ્યારે પોતાના દાદા વિષે કંઇ પણ પૂછે છે ત્યારે હું કહું છું કે દાદાનું માન તમારે સરખા ભાગે બે વ્યક્તિ વચ્ચે વહેંચવું પડશે. મારા પિતા અને મારા પિતાના મિત્ર."

એક દુઃખી માણસ કહે છે, "મને થોડુંક સુખ આપો! એક દિવસની રાજગાદી જેટલું સુખી આપો! મને આજે થોડીકવાર રાજા બનવા દો! પછી હું રંકનો મારો પોશાક પહેરી લઇશ!"

એક સુખી માણસ કહે છે, "હું તો ભગવાનને કહું છું સુખ બહુ આપ્યું થોડુંક દુઃખ આપ, જેથી તને બરાબર યાદ કરી શકું! પણ થોડુંક જ દુઃખ આપજે - પછી મારી સુખની ચાલુ સ્થિતિમાં પાછો મૂકી દેજે!"

પણ સુખ કે દુઃખ માગવાથી મળતાં નથી. આમાં કોઇની ફરમાયશ ચાલતી નથી. એટલે મહાત્મા થોરો કંઇક આવું કહે છે - માત્ર પોતાનું નાનકડું સુખ કે, દુઃખ ગાંઠે બાંધીને જીવવાનો અર્થ નથી. હળદરના ગાંઠિયે ગાંધી ના થવાય! સમગ્ર રીતે જિંદગીનો શમિયાણો જુઓ - જિંદગીનો સળંગ તાકો તપાસો - જીવવાની મઝા તો જ પડશે!

ભૂપત વડોદરિયાનાં પુસ્તકમાંથી

No comments:

Post a Comment