Sunday 24 May 2015

દેખાવ પરથી નહીં, ગુંજાશ પરથી માણસનું માપ નીકળે

એક સીધોસાદો દેખાતો ડૉક્ટર આપણી સામે ઊભો હોય ત્યારે શસ્ત્રક્રિયાના એ નિષ્ણાતની, તેની કાબેલિયતની કોઈ બાહ્ય નિશાની આપણે પકડી શકતાં નથી! અબ્રાહમ લિંકનને જોઈ વિચાર આવે કે, આ ગરીબ અને ગાલ બેસી ગયેલો, બહુ દેખાવડો નહીં તેવો માણસ ગુલામોનો મુક્તિદાતા હતો? આલ્બર્ટ આઇન્ટાઇનનાં અવ્યવસ્થિત વાળ અને કપડાં, એનું ભુલકણાપણું અને તેની રીતભાત જોઈને સવાલ થાય કે આ જ મહાન વૈજ્ઞાનિક?

 માણસનો દેખાવ, તેનું સ્થૂળ વ્યક્તિત્વ, તેનાં બાહ્ય લક્ષણો કે તેના જીવનની ‘હકીકતો’ સાથે તેના આત્મબળનો, તેની સર્જનશક્તિનો, તેનાં કૌશલ અને વિદ્યાનો, તેનાં ખમીર અને હિંમતનો કોઈ તાળો મળતો નથી અને છતાં આપણે સતત તેનો મેળ બેસાડવા મથ્યા કરીએ છીએ! કોઈ રહસ્ય હાથમાં આવતું નથી, કોઈ ચાવી જડતી નથી! આપણને લાગે છે કે, કંઈક ચમત્કાર જેવું બન્યું છે! ટોલ્સ્ટોયને નેપોલિયન સમજાતો નથી. તે બધો ખુલાસો નેપોલિયનના જમાનાના સંજોગો અને ઘટનાઓમાં શોધે છે! માંડ પાંચ ફૂટનો આ માણસ યુરોપને ધ્રુજાવી શકે તે વાત માની શકાતી નથી! આજે પણ જર્મનીના એડોલ્ફ હિટલર અંગે આવી જ લાગણી થાય છે! એક ગરીબ, ધૂની અને રેલવે ગાર્ડ જેવો લાગતો માણસ શી રીતે ‘હિટલર’ બન્યો? પોણા ત્રણ વર્ષ સુધી તેણે આ યુરોપ ઉપર પોતાનો ઝંડો શી રીતે ફરકતો રાખ્યો?

આપણે સવાલો કરતા રહીએ છીએ, પણ આપણે સાથે ભૂલી જઈએ છીએ કે, અણુનાં કદ અને આકૃતિ પરથી તેની અમાપ શક્તિનો અંદાજ આંગળીના વેઢાની સીધી સાદી ગણતરીથી કાઢવાનું શક્ય જ નથી! એક નાનકડું પંખી તેના નાનકડા કદ પરથી સાબિત કરી શકે તેમ જ નથી કે તે આકાશની કેટલી ઊંચાઈ અને કેટલો પંથ સર કરી શકે છે. એક નાનકડા જીવડાની કૂદકો મારવાની શક્તિ જમીન પરના તેના રંગઢંગ જોઈને કલ્પી પણ શકાતી નથી! મહાન શક્તિનું આસન એક રાઈ જેટલું કે એક બિંદુ જેટલું નાનકડું હોઈ શકે છે એટલે વાત માણસની હોય કે ગમે તેની, તેના દેખાવ પરથી નહીં, તેની ગુંજાશ પરથી જ તેનું માપ નીકળી શકે! એક સામાન્ય દેખાવનું, દૂબળું-પાતળું સાધારણ બુદ્ધિનું બાળક આગળ ઉપર એક સમર્થ વ્યક્તિ બની જાય એવું શક્ય છે!

 માણસના ઉપલક દેખાવ અને તેના આંતરિક દૈવતને કોઈ સંબંધ છે કે નહીં, હોય તો શું સંબંધ હશે તે કળવું કે કહેવું મુશ્કેલ છે. દેખાવ પરથી અંદાજ બાંધવો નહીં તે જ ડહાપણભર્યું છે. વધુ આગળ જઈએ તો એમ કહી શકાય કે, માણસે ખુદ પોતાની ‘લઘુતા’ અને ‘લાચારી’ પરથી પોતાનામાં કંઈ જ નહીં હોય તેવું માની લેવાની જરૂર નથી. એવું બને છે કે, કેટલાક માણસો મોરની જેમ ધરતી ઉપર રૂપાળા લાગે છે - તેમનાં રંગીન પીંછાંની શોભા ચિત્ત હરી લે છે, પણ આ મોર આકાશમાં ઊંચે ઊડી ન શકેે! ધરતી ઉપર દમામ વગરનું લાગતું કોઈ પંખી આકાશમાં કોઈ નવું જ વ્યક્તિત્વ પ્રગટ કરી દે તેવું બને છે. આ પૃથ્વી પર સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ ‘જીવન’ની છે અને જીવન એટલું વ્યાપક અને વિસ્મયકારી છે કે તેનાં પરાક્રમોને પામવાનું, તેની ગુંજાશને માપવાનું માણસની તાકાતની બહારનું છે! નરી આંખે નહીં દેખાતાં એક સૂક્ષ્મ જંતુમાં ‘મોત’નો પયગામ હોઈ શકે છે અને એવી જ રીતે એક સૂક્ષ્મ કણમાં પ્રાણ આપવાની શક્તિ પણ હોઈ શકે છે! માણસનો પોતાનો અરીસો પોતાની અંદર જ છે અને એ અરીસામાં તે વધુ ઊંડી નજરે કશુંક શોધી શકે છે અને જાહેર પણ કરી શકે છે. બહારના દેખાવ ઉપર આપણે બહુ વારી જઈએ છીએ એટલે અંદરની સજ્જતાની ઝાઝી સમજ પડતી નથી!

આવી સજ્જતા બહાર પડીને પોતાનો કંઈક ‘રંગ’ દેખાડે ત્યારે આપણું મોં આશ્ચર્યથી ફાટી જાય છે! કાળી માટીનો આ ઘાટઘૂંટ વગરનો એક પિંડ આટલી બધી શક્તિનો પાતાળકૂવો કેવી રીતે હોઈ શકે? મૂળ કોઈક પર્વતમાં છે અને પર્વત ગમે તેટલો ઊંચો હોય તો પણ નદી છેવટે જ્યાં પહોંચે છે તે દરિયાનો પરિચય પર્વત આપી શકે તેમ નથી.

ભૂપત વડોદરિયાના લેખસંગ્રહમાંથી પસંદ કરેલા લેખો.....

No comments:

Post a Comment