Sunday 14 June 2015

અપેક્ષા વગરની મિત્રતા જ્વલ્લે જ મળે

























કોઈ વાર કોઈ માણસ જે રીતે બીજા માણસ સાથે વર્તે છે તે જોઈને હૃદયમાં ચુંથારાની લાગણી થાય છે. એક માણસ તરીકે માણસમાં આપણી શ્રદ્ધા ડગી જવા માંડે છે, પણ કેટલીયે વાર આપણે એવું અનુભવીએ છીએ કે, જ્યારે આપણી શ્રદ્ધા ડગમગવા માંડે છે ત્યારે જ આપણા મનના આકાશમાં કેટલાક ચહેરા ઝગમગી ઊઠે છે. 

એક માણસની આ વાત છે. તેનો એક મિત્ર. બંને શાળામાં સાથે ભણતા હતા. કોલેજમાં પણ બંને સાથે હતા. જોકે બંનેના અભ્યાસક્રમ જુદા હતા. જે માણસની આ વાત છે તેની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હતી. એના મિત્રની સ્થિતિ તદ્દન સાધારણ, પણ આર્થિક રીતે જેની સ્થિતિ સારી હતી તેને જ મિત્રની મદદની જરૂર પડતી અને સાધારણ સ્થિતિના એ મિત્રે તેને આવી મદદ અનેક પ્રસંગોએ કરી હતી. સાધારણ સ્થિતિનો આ મિત્ર, પણ તેને કોઈની પાસેથી કશું જ લેવાની મુદ્દલ તૃષ્ણા જ નહીં. તેને બસ આપવું જ ગમે. આપે પણ કોઈ અહેસાન ચઢાવીને નહીં, પોતે કોઈની ઉપર કોઈ નાનો કે મોટો ઉપકાર કરી રહ્યો છે તેવું તેના મનમાં પણ નહીં. જે માણસની આર્થિક સ્થિતિ એકંદરે સારી હતી તેની શરૂઆતની કારકિર્દીમાં તેને કંઈ ને કંઈ સમસ્યાઓ અને મૂંઝવણોનો સામનો કરવો પડેલો. દરેક વખતે તેના ગરીબ મિત્રે જ તેને મદદ કરેલી! તે માણસ પછી તો ખૂબ જ શ્રીમંત બન્યો, પણ પોતાના જૂના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે, મને હંમેશાં એક વાતની ધરપત રહેતી કે, મારે એક એવો મિત્ર છે જે ભલે ગરીબ છે, પણ ગમે તેવી મંૂઝવણ વખતે તેનું નામ ભગવાનની જેમ લઈ શકાય તેમ છે. તેને ખબર પડે કે, હું કાંઈક તકલીફમાં મુકાયો છું એટલે તરત દોડી આવે! તમે તેની સહાય માગો તે પહેલાં તે તમારી સમક્ષ હાજર થઈ જાય! સૌથી મોટી વાત તો એ છે કે, એ વાતમાં મોણ ન નાખે. 

એક પ્રસંગને યાદ કરતાં એ માણસ આજે પણ આટલાં બધાં વર્ષો પછી ગળગળો થઈ જાય છે. એ માણસની વિધવા બહેનની પુત્રીનાં લગ્ન હતાં. એ માણસના પિતાએ સટ્ટામાં પૈસા ગુમાવ્યા અને વિધવા પુત્રીના દાગીના ગીરો મૂકી દીધા. વિધવા પુત્રીએ તો પિતાને સાચવવા આપેલા. ભાઈની સ્થિતિ કફોડી થઈ. પિતા કંઈ ને કંઈ બહાનાં બનાવતા. માણસ સમજી ગયો કે કંઈ ગરબડ છે અને હવે વિધવા બહેનને તેની પુત્રી માટે થોડું સોનું તો મેળવી આપવું જ પડશે. આ માણસ તો આવી કોઈ મૂંઝવણ વખતે પોતાના સાધારણ સ્થિતિના મિત્ર ઉપર જ મીટ માંડતો. એ માણસે મિત્રને પેટછૂટી વાત કરી ત્યારે મિત્રે આખી વાત જાણી. પેલા માણસના પિતાને પોતાને ઘેર લઈ ગયો અને પ્રેમથી-કુનેહથી સમજાવ્યા. મિત્રે પોતાની પત્નીને પણ વિશ્વાસમાં લીધી. એના પિયરના દાગીના ગીરો મૂકીને પોતાના મિત્રની વિધવા બહેનના દાગીના છોડાવી આપ્યા. મિત્રતાની ખરી કિંમત તો કટોકટીની ચોક્કસ ક્ષણે મળતી મદદની જ હોય છે.

આ મિત્રની આટલી સાધારણ સ્થિતિ અને છતાં તેની ત્રેવડ આટલી મોટી તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેને કોઈ તૃષ્ણા નહોતી. પેલા માણસે એક વાર એમના મિત્રને પૂછ્યું હતું, ‘તને કદી તને મહત્ત્વાકાંક્ષા જેવું થયું જ નથી? તને કદી વધુ સારી સગવડવાળી જિંદગી જીવવાનું મન થયું જ નથી?’ મિત્રે કહ્યુંઃ ‘મને બીજાની દેખાદેખી કરીને જીવવાનું ગમતું નથી.

મેં કોઈ કોઈ વાર મહત્ત્વાકાંક્ષાનો, વધુ સગવડ ભરેલી જિંદગીનો વિચાર કર્યો છે. બહુ વિચાર કરતાં લાગ્યું છે કે, તમે જ્યારે બીજા લોકોની સાથે મહત્ત્વાકાંક્ષાની બાબતમાં કે કીર્તિની બાબતમાં કે વધુ સારા જીવનધોરણની બાબતમાં હરીફાઈમાં ઊતરો છોે ત્યારે તમારે એ બધું કરવા માટે તમારાં સુખ-શાંતિનો ઘણો બધો ભોગ આપવો પડે છે. જીવનમાં આપણે જેમ સુખ-સગવડો વધારવા માટે જ દોડાદોડી વધારીએ છીએ તેમ આપણાં પોતાનાં ઉધામા અને અશાંતિ એટલાં વધી પડે છે કે આપણને પછી ખરેખર જીવવાની ફુરસદ જ રહેતી નથી. આપણી સફર એક સફર માણવા માટે નથી, પણ આપણે એકઠા કરેલા માલસામાનના માત્ર ચોકીદાર તરીકે જ આપણે મુસાફરી કરી રહ્યા છીએ! જાણે સાચા મુસાફરો આપણા આ માલસામાનના દાગીના છે અને આપણે તો માત્ર તેના ચોકીદારો જ છીએ!’

 ભૂપત વડોદરિયાના પ્રકાશિત પુસ્તકોમાંથી પસંદ કરેલા લેખોનો સંગ્રહ

No comments:

Post a Comment