Monday 22 June 2015

માનવીની દૃષ્ટિ - તેની મર્યાદા અને શોભા


મશહૂર અંગ્રેજ વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા છે. એમાં એક નવોદિત લેખક પોતાની એક કહાની એક પ્રતિષ્ઠા લેખકને માર્ગદર્શન મેળવવા માટે બતાવવા જાય છે. પીઢ લેખક એ કહાની વાંચીને નવોદિત લેખકને કહે છે કે બીજાંુ બધું તો ઠીક પણ તમે તમારી વાર્તામાં રાજકુમારીનું જે પાત્ર આલેખ્યું છે તે તદ્દન બનાવટી લાગે છે. સાચી રાજકુમારી તમે જોઈ છે? તમે સાચી રાજકુમારી જુઓ. વાસ્તવિકતાનું અવલોકન અને અભ્યાસ કર્યા પછી જ તમે કલ્પિત પણ જીવંત પાત્રો સર્જી શકો.

નવોદિત લેખકે કહ્યું - "મેં જે રાજકુમારી મારી વાર્તામાં બતાવી છે તે બરાબર જ છે. સાચી રાજકુમારી આવી જ હોય. તમને મારી રાજકુમારી કેમ અપ્રતિતીકર લાગે છે તે જ મને સમજાતું નથી.!"
પીઢ લેખકે કહ્યું - 'આજે રાત્રે મારે ત્યાં એક રાજકુમારી ભોજન માટે આવવાની છે. તમે પણ ભોજન લેવા આવો, તમે સગી આંખે રાજકુમારીને જોશો એટલે તમને તરત જ સમજણ પડી જશે કે તમે વાર્તામાં બતાવેલી રાજકુમારી ખોટી છે.'

નવોદિત લેખક કોઈ પણ પડકાર માટે તૈયાર હતા. રાત્રે પીઠ લેખકના નિવાસસ્થાને નવોદિત લેખક આવી પહોંચ્યા. ભોજનના એક જ ટેબલ પર રાજકુમારી સાથે પીઢ અને નવીન લેખક બેઠા. ડાઈનિંગ ટેબલ ઉપર ચાલે તેવી હસીખુશીની વાતો ચાલી. દોઢ કલાક પછી રાજકુમારી વિદાય થયાં અને પીઢ લેખક તેમજ નવોદિત લેખક એકબીજાની સામે જોઈ રહ્યા.

પીઢ લેખકે કહ્યું - "સાચી રાજકુમારી તમે જોઈ લીધી ને? ખ્યાલ આવ્યો જ હશે કે તે કેવો પોશાક પહેરે, કેવા અલંકારો ધારણ કરે, તેની રીતભાત કેવી હોય, તેની ચાલ કેવી હોય, તેના હાથની છટા કેવી હોય! હવે તમારી વાર્તાની બનાવટી રાજકુમારીની સરખામણી આ સાચી રાજકુમારી જોડે કરી જુઓ! તમને તમારી ભૂલ તરત જ સમજાઈ જશે!" પીઢ લેખકે માનેલું કે નવોદિત લેખક હવે પોતાની ભૂલ કબૂલ કરશે અને સાચું માર્ગદર્શન આપવા માટે પોતાનો આભાર માનશે.

પણ નવોદિત લેખકે તો જાણે પીઢ લેખકની બેવકૂફી ઉપર હસતો હોય તેમ હસીને કહ્યું - "અરે મારા સાહેબ! મને સમજાતું નથી કે હું તમને શું કહું! આંધળો પણ જોઈ શકે તેમ છે કે અહીં ભોજન માટે આવેલી સાચી રાજકુમારી મેં મારી કહાનીમાં બતાવેલી મારી રાજકુમારી જેવી જ છે! મને તો મારી વાર્તાની રાજકુમારીની આબેહૂબ નકલ જેવી જ આ જીવતી સાચી રાજકુમારી લાગી તમે મારી વાર્તા બરાબર વાંચી નથી! તમે મારું પાત્રાલેખન બરાબર સમજ્યા નથી!"

સમરસેટ મોમે અત્યંત ચોટદાર રીતે માણસ તરીકેની આપણી મર્યાદા અહીં બતાવી આપી છે. ઘણા બધા માણસો પોતે જે ખરેખર સામે છે તે જોતા જ નથી પણ પોતે જે જોવા માગે છે તે જ સામે પડેલા દૃશ્યમાં નિહાળે છે! આપણી કેટલી બધી પીડાઓ આમાંથી જ ઉદ્ભવે છે, આપણી આંખ સામે જે નક્કર વાસ્તવિકતા પડી હોય છે તે આપણે બરાબર નિહાળતા નથી પણ આપણે જે જોવા માગીએ છીએ તેનું જ દૃશ્ય જોઈએ છીએ. માણસની દૃષ્ટિની આ મર્યાદા છે અને છતાં આ મર્યાદામાં કેટલીક શોભા પણ છે. આવી દૃષ્ટિ મર્યાદા માણસોમાં ના હોત તો માણસને પોતાનો કદરૂપો છોકરો કદરૂપો જ દેખાત. માણસને પોતાનો ખુદનો ચહેરો અરીસામાં જોવો ના ગમત! કુદરતે માણસને આ એક આશીર્વાદ આપ્યો છે. માણસે તેને ખરેખરો આશીર્વાદ પૂરવાર કરવો પડે છે તે આશીર્વાદ જ રહે ત્યાં સુધી સારી વાત છે. પણ આપણે જો આ મર્યાદા અંગે સાવધાન ના રહીએ તો તે એક શાપ પણ બની શકે છે. જો આપણે વાસ્તવિકતાને નરી આંખે જોવાની વિવેકટ દૃષ્ટિ ગુમાવી બેસીએ તો ઘણું બધું ગુમાવી બેસવાની સંભાવના રહે છે. આપણે ભ્રમમાં પડીએ, ખોટા રસ્તે આગળ વધીએ, ખોટી ધારણાઓ બાંધીએ અને ખોટા નિર્ણયો કરી બેસીએ તેવા જોખમો એમાંથી ઊભા થાય છે. એકંદરે જિંદગીના સૂકા ઘાસને કંઈક લીલુંછમ જોવાના લીલા રંગના એક અદૃશ્ય કોન્ટેક્ટ લેન્સ આપણને મળ્યાં છે પણ આ લેન્સનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે. કેટલાંક પ્રસંગોએ માણસે આ કોન્ટેક્ટ લેન્સને આંખથી અળગા કરવા પડે છે અને સૂકા ઘાસને સૂકા ઘાસ રૂપે જ જોવું પડે છે.

આપણે જિંદગીને સહી શકીએ, માણી શકીએ, આપણી આંખમાં સૂકા-લુખ્ખા પદાર્થો વાગે નહીં એ માટે આપણને દૃષ્ટિનો આ વધારાનો રંગ મળ્યો છે. આપણી દૃષ્ટિમાં માત્ર આ લીલો રંગ જ અતિશય છવાઈ જાય તો વાસ્તવિકતા સાથે અથડાઈ પડવાની અને મુશ્કેલીમાં મુકાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આપણા ઋષિમુનિઓ આ વાતનો મર્મ જાણતા હતા એટલે એમણે જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ બાબતમાં પણ કેટલીક મનાઈ ફરમાવી છે. સગી દીકરાની કુંડળી બાપ જુએ તો તે તેમાં કયો અમંગળ બનાવ જોઈ શકવાનો? માણસ પોતાના પ્રતિસ્પર્ધી કે શત્રુ માનેલી વ્યક્તિની કુંડળી જુએ તો તેમાં તે કયો સારો યોગ જોઈ શકવાનો?


માણસે વાસ્તવિકતા જોવાની છે અને છતાં માત્ર વાસ્તવિકતા જ જોવાની છે. તમે જે જુઓ છો તે બરાબર સાચું જુઓ, તેથી જરા આગળ પણ દૃષ્ટિ દોડાવીને જુઓ, પણ તમે જે જે જુઓ છો, તેમાં તમે જે જોવા માગો છો તે મુજબનો ફેરફાર કરીને ના જુઓ! સામે વાસ્તવિકતા ઊભી છે, તેનો ચહેરો અણગમતો છે, તમે તે ચહેરાની આગળ બીજા કોઈ અંતરે ઊભેલો વધુ રૂપાળો ચહેરો જરૂર જુઓ પણ તમે જે કદરૂપો ચહેરો જોઈ રહ્યા છો તેને જ રૂપાળા ચહેરાના રૂપમાં ના જુઓ!

વાત પ્રથમ નજરે વિરોધાભાસી લાગે તેવી છે, પણ ખરેખર વિરોધાભાસી નથી. બે અંતિમ છેડાના દર્શન વચ્ચેના મધ્યમ દર્શનની આ વાત છે. એટલે ઉપર ઉપરથી જે વિરોધાભાસ લાગે છે તે ખરેખર વિરોધાભાસ નથી. બે વિરોધી છેડાનો મેળ બેસાડવા માટેનું આ આપણી દૃષ્ટિનું શુદ્ધિકરણ છે. રાજા જ્યારે નગરનું સૌથી સુંદર બાળક જોવા માગે ત્યારે દરેક માણસને પોતાનું જ બાળક રજૂ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. પણ સમજદાર માણસ પોતાની જાતને અહીં રોકે છે અને એ એટલું સમજે છે કે મારે પોતાની નજરે સૌથી સુંદર બાળક રજૂ કરવાનું નથી. મારે તો કોઈ પણ માણસની નજરે જે સરેરાશ સુંદર લાગે તેવું બાળક રજૂ કરવાનું છે.

જિંદગીમાં આપણને જે નરી નજરે દેખાય તેનો વિવેકપૂર્વક વિચાર આપણે કરવો જોઈએ પણ આપણે જે જોવા માગતા હોઈએ તે જ આપણને દેખાય એવા દૃષ્ટિબંધનથી બચીને ચાલવું જોઈએ.

આપણે 'વાવડી ચસ્કી'ની વાર્તાથી સુમાહિતગાર છીએ. પોતાની પાઘડીનું દોરડું બનાવીને અમુક વ્યક્તિઓ પાણીની આખી વાવ ખસેડવા મથે છે અને તેમાં પાણીની વાવ તો જરા પણ ચસકતી નથી પણ પાઘડીનું કાપડ ફાટે છે. અને તેનો 'ચરરર' અવાજ સાંભળીને પેલા શેખચલ્લીઓને લાગે છે કે વાવ ચસકી લાગે છે. સહેજ ખસી છે. હમણાં ખેંચી જઈએ! અહીં પણ આજ મુદ્દો છે. આપણે જે કરવા માગીએ તેને માટે આવશ્યક બળ અને આવડતનો ખ્યાલ કર્યા વિના કંઈક અપૂરતો અર્થહીન ઈલાજ હાથ ધરીએ અને પછી ક્યાંકથી કશોક ભળતો અવાજ આવે કે કંઈક ભળતું ચિહ્ન દેખાય એટલે માની બેસીએ કે આપણો યત્ન ફળદાયી બનીરહ્યો છે. પેલા વાવડી ઉપાડી જવા માગનારા છેવટે પાઘડી ફાટી જવાથી ભોંય પર પટકાય છે. જે હકીકત છે તેને બરાબર જોવાને બદલે જ્યારે માણસ પોતે જે ઝંખે છે કે જોવા માગે છે તેને જ જોઈ બેસે છે ત્યારે તેને પણ આવો જ અનુભવ થાય છે, તે પણ કઠોર વાસ્તવિકતાની જમીન પર પટકાય છે, ત્યારે તેને ભાન થાય છે કે તે હકીકતની અવગણના કરીને, માત્ર પોતાની ઈચ્છાનું છાયા ચિત્ર નિહાળીને અને તેને નક્કર ગણીને જે પરિણામ મેળવવા ગયો તેવું પરિણામ આ રીતે કદી આવી જ ના શકે.

બ્રિટનના એકવારના અડીખમ વડાપ્રધાન િવન્સ્ટન ચર્ચિલે પોતાની કથામાં એક જગ્યાએ કંઈક આવી મતલબનું નોંધ્યું છે - "સ્વપ્નો મીઠાં લાગે - જિંદગીમાં વાસ્તવિકતાને સ્વપ્નોથી વધુ મીઠી બનાવવી તે માણસનું કામ છે."

નજર સામે જે છે ેને પણ બરાબર નિહાળીએ. જે આપણને જોવાનું મન થાય તેના જ પડછાયાને હકીકત ના સમજીએ.

(ભૂપત વડોદરિયાનાં પુસ્તકમાંથી)

No comments:

Post a Comment