Monday 13 July 2015

બીજાનાં દુઃખ અને આપણાં સુખ જોતાં શીખવું જરૂરી છે


વર્ષોના સંઘર્ષ પછી પૈસેટકે સુખી થયેલા એક મિત્રએ કહ્યુંઃ ‘હું તમને ખૂબ સુખી લાગતો હોઈશ, પણ મને એવું લાગે છે કે મારા જેવું કોઈ દુઃખી નહીં હોય. તેજસ્વી બાળકો કિશોરાવસ્થા પાર કરતાં પહેલાં જ હંમેશ માટે પોઢી ગયાં અને જે બે બાળકો જીવિત છે તેમાં એક મંદ બુદ્ધિનો છે અને જે એક તેજ બુદ્ધિનો છે તેની ગાડી આડા પાટા પર દેખાય છે. પૈસાટકા તો ઠીક છે, પણ જે કંઈ વાવ્યું છે તે દુઃખનું જ વાવેતર લાગે છે. મારા કરતાં તારા જેવા મારા ઘણા મિત્રો મને વધુ સુખી લાગે છે. ક્યારેક મને તમારા લોકોની ઈર્ષા પણ થાય છે. ક્યારેક એવું પણ લાગે છે કે, ભૂતકાળમાં દુઃખ હતું, જે આજે સુખ જેવું દીસે છે અને ત્યારે સુખની જે કલ્પના કરેલી તે આજે મૂર્તિમંત થઈ છે ત્યારે તે દુઃખની જ બહુરૂપી માયા લાગે છે. આમ કેમ?’

માણસના જીવનની આ જ કરુણતા છે. તેને પોતાનું દુઃખ જ દેખાય છે અને બીજાનાં સુખ જ નજરે પડે છે. બીજાનું દુઃખ આપણને દેખાતું નથી. આપણું સુખ પણ આપણને દેખાતું નથી. બીજાનાં સુખ અને આપણાં દુઃખની આપણે જાણ્યે-અજાણ્યે સરખામણી કર્યા કરીએ છીએ અને દિલમાં અજંપો ભરી બેસીએ છીએ.
જિંદગીના કોઈ ને કોઈ બજારમાં પસ્તી લઈને રોકડા દામ પકડાવી ગયેલા પેલા ફેરિયા તેને શોધ્યા જડતા નથી. માણસ પછી માથું કૂટે છે. પસ્તી ગણીને વેચેલા કાગળમાં વિધવા માએ ગરબડિયા અક્ષરમાં લખેલો સ્નેહપત્ર હતો- વિદ્વાન પિતાએ છપાવવાના મોહ વગર લખેલો નાનકડો ગ્રંથ હતો- એ બધી મૂડી પસ્તીના ભાવે ગઈ. લોકો સુખ ખરીદવા ગમે તે વેચવા તૈયાર થઈ જાય છે, પણ સોદો થઈ ગયા પછી તેને ખોટના આ ધંધાની ખબર પડે છે, પણ ખબર પડે છે ત્યારે પાછા વળી શકાય તેવું હોતું નથી, કેમ કે સમય પાછો ફરતો નથી.

જિંદગીના પંથ પર જે કાંઈ મળે તેને માણવું-અપનાવવું અને આગળ જવું- આગળ વધવા જ ન દે તેવી આસક્તિનું લંગર ન નાખવું એમાં જ મજા છે. સુખનું ચલણ સાચું અને દુઃખનું ચલણ ખોટું છે, તેવા ખ્યાલમાં ક્યાંક ભૂલ છે. દુઃખનો સિક્કો મૂલ્ય વગરનો અને નાનો લાગે, પણ એ નક્કર છે. તેમાંથી કાંઈક મળે છે. સુખના ચલણમાં મોટા આંકડા, પણ સાથે ફુગાવાની માયા હોઈ શકે છે. પકવાનની ઝંખના કરનારા માણસને બત્રીસ ભાતનાં ભોજન મળે, પણ તેને ખબર પડે કે ભાણામાં જ્યારે રોટલો અને ખાટું મરચું હતું ત્યારે જે ભૂખ હતી તે ભૂખ બત્રીસ જાતની વાનગીઓનો થાળ સામે પડ્યો છે ત્યારે ભાંગી ગઈ છે. તો પછી આ થાળ શા કામનો? ભૂખ અને તરસ એ બંને જીવતાં રહે તો તે સૌથી મોટી મિલકત- ભૂખ મરી ગઈ હોય પછી મીઠાઈની બધી જ દુકાનોનો માલિક હું હોઉં તોય શું અને ન હોઉં તો પણ શું ફરક પડે છે? મારી તબિયત તૂટેલાફૂટેલા કાથીના ખાટલા જેવી હોય અને તાજું પાણી લિજ્જતથી પી શકું, માણી શકું એટલાં અમી મોંમાં ન હોય તો પછી હું દસ કૂવા, પાંચ આઈસ પ્લાન્ટ અને પચીસ રેફ્રિજરેટરનો માલિક હોઉં તોય શું?
દુઃખથી છુટકારો મેળવવાનું બરાબર છે, પણ સુખ એવું ન ખરીદવું જેમાં દુઃખની જ ભૂતાવળ હોય. સુખ અને દુઃખ જિંદગીના એક જ ચલણના બે પ્રકાર છે- બે અલગ ચલણ નથી.

સુખ મોટી નોટ છે અને દુઃખ નાની નોટ છે તેવો આપણો હિસાબ ખોટો છે. શ્રીમંત બહેન આવે એટલે ભાઈને સુખ લાગે અને ગરીબ બહેન આવે  તો દુઃખ લાગે! શ્રીમંત બહેન ગરીબ થઈ જાય તો સુખ એ દુઃખ થઈ ગયું અને ગરીબ બહેન શ્રીમંત બની ગઈ તો દુઃખ એ સુખમાં પલટાઈ ગયું! કોઈ વાર નિરાંતે દરેક માણસે પોતાની જિંદગીનાં સુખ-દુઃખનાં પોટલાંનો ‘સ્ટોક’ પણ લેવા જેવો હોય છે. સંભવ છે કે, કેટલાંક ‘રોકાણો’ ઘંટીનાં પડ જેવાં જ હોય અને કેટલોક ડેડસ્ટોક મધુર સંભારણાનો મધપૂડો હોય.

(-ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી ચૂંટેલા લેખસંગ્રહ)

No comments:

Post a Comment