Wednesday, 15 August 2012

આખરી કશુંજ નથી.....................


આખરી કશુંજ નથી.....................
માણસના અકારણ અભિમાન  અહંકારનું એક રમૂજી દ્રષ્ટાંત વોલ્ટેરે પોતાના પુસ્તક ‘ફિલોસોફિકલ ડિક્શનરી’માં આપ્યું છે.
એક મોટા મહેલની બહાર બે વાંદા બેઠા છે અને એક વાંદો બીજા વાંદાને કહે છે ઃ ‘આ ઇમારતની બાંધણી તો જુઓ! હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું આ મકાનનો આર્કિટેક્ટ નથી! સાહેબ, હું જે ઇમારતનો સ્થપતિ હોઉં તેમાં આવી ખામીઓ હોય જ નહીં!’ બીજા વાંદાએ કહ્યું: ‘આ ઇમારત બનાવનારે મને પણ કંઈ પૂછ્યું નથી! આપણને કોઈ પૂછે જ નહીં ત્યારે આપણે શું કરીએ?’
આ પૃથ્વી વિશે, આ સંસાર વિશે, આ બ્રહ્માંડ વિશે કેટલાક માણસો પણ પેલા વાંદાઓની જેવા જ સંવાદ ચલાવ્યા કરતા હોય છે! તેમનું અભિમાન એટલું બધું છે કે પોતાની અલ્પતા અને પોતાની આંખ સામેની જ આ અવર્ણનીય ભવ્યતાને ઓળખી જ શકતા નથી.
મોન્ટેનનું પોતાનું એક સૂત્ર હતું:  ‘હું શું જાણું છું? હું કંઈ જ જાણતો નથી.’ સાચી વાત આ જ છે. માણસ ખરેખર કંઈ જ જાણતો નથી અને છતાં તે ઘણું બધું જાણે છે તેના ભ્રમમાં જ જીવ્યા કરે છે. જેઓ ખરેખર કંઈ પણ જાણે છે તેમનું પોતાનું ‘મર્યાદિત’ જ્ઞાન પોતે જે નથી જાણતા અને જાણી શકે તેમ નથી તેવા વિરાટ અજ્ઞાનને માપવાના માપદંડ તરીકે પણ ચાલી શકે તેવું નથી તેનું તેમને બરાબર ભાન હોય છે. એટલે જ્યારે વિજ્ઞાની આઇઝેક ન્યૂટનની શોધોની વાહવાહ થાય છે ત્યારે ન્યૂટન પોતે તો પૂરી નમ્રતાથી કહે છે કે, ‘મારું જ્ઞાન અનંત મહાસાગરના કિનારા ઉપર વીણેલાં શંખછીપલાં કરતાં જરાય વધારે નથી!’
ઈશ્વરે મનુષ્યને ‘ભાન’ આપ્યું છે, ‘શુદ્ધિ’ આપી છે અને અબૂઝ જિજ્ઞાસા પણ આપી છે. એટલે સોક્રેટિસ કહે છે કે મૃત્યુ મારી નજીક આવીને ઊભું હોવા છતાં કંઈ ને કંઈ નવું જાણવાની મારી જિજ્ઞાસા જરાય ઓછી થઈ નથી એટલે મને લાગે છે કે મૃત્યુ પછી પણ જીવન હોવું જોઈએ. વૈજ્ઞાનિકો માને છે કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી પોતાના મૃત્યુની નિશ્ચિતતા અને અનિવાર્યતા વિશે સજાગ નથી! પ્રાણીઓ વિશે આપણે ઘણું બધું જાણવાનો દાવો વાજબી રીતે કરી શકીએ તેમ છીએ અને છતાં આ બાબતમાં પણ સાચી હકીકત શું છે તે તો કોઈ દાવા સાથે કહી ન શકે, કેમ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે માણસને પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનના ભરોસે જ્યારે તેણે એવો દાવો કર્યો કે બસ, છેવટની વાત આ જ છે ત્યારે જ વળી કોઈક નવી શોધ લઈને આગળ આવીને કહે છે કે ના, વાત કંઈક બીજી જ છે! આપણે જોઈએ છીએ કે ગઈ કાલે આપણે જેને પાકી સાચી વૈજ્ઞાનિક હકીકત ગણી હતી તે આજે ગલત ખ્યાલ ગણાઈને અસ્વીકાર્ય બની જાય છે. માણસ અનુભવે સમજી ગયો કે વિજ્ઞાનમાં પણ કશું આખરી નથી! વૈજ્ઞાનિક જ નહીં, ધાર્મિક માન્યતાઓ પણ સમય જતાં બદલાતી રહી છે.
સમગ્ર બ્રહ્માંડમાં એટલાં બધાં રહસ્યો પડેલાં છે કે તેને કોઈ એક જન્મારામાં પામવાનું માણસ માટે અશક્ય જ છે. જે કંઈ છે તે બધું જ પરમેશ્વરની અભિવ્યક્તિરૂપે, તેના પ્રાગટ્યરૂપે, તેની લીલારૂપે જોઈને જ તેનો આછોપાતળો પાર પામવાનું શક્ય છે. ખુદ વૈજ્ઞાનિકોએ પણ કબૂલ કર્યું છે કે ઘણી બધી શોધોની ચાવીઓ તેમને બુદ્ધિતર્કના રસ્તે મળી નથી  કાં તો તે અંતઃપ્રેરણાથી મળી છે કે સ્વપ્નસંકેતરૂપે હાંસલ થઈ છે. વૈજ્ઞાનિક રીતે ખુલાસા શક્ય છે, પ્રતીતિકર પણ લાગે, પણ બધી જ દલીલો સમજી ગયા પછી એવી લાગણી થાય છે કે કાંઈક રહસ્ય ખૂલ્યા વગરનું રહી ગયું છે! માંસના એક લોચામાંથી આંખો શેની બને છે, મગજ શેનું બને છે, હૃદય શેનું બને છે, ફેફસાં શેનાં બને છે, નાકની વિશેષતા અને કાનનું ધ્વનિતંત્ર શેમાંથી બને છે તેનો ખુલાસો વૈજ્ઞાનિક રીતે જે હોય તે  એવા ખુલાસા પછી ચમત્કૃતિનું એક તત્ત્વ બાકી બચી જાય છે. વધુ કંઈ નહીં તો આ સાવ સાચો વિસ્મય જે ઈશ્વરે બાળકને તેના જન્મ સાથે આપ્યો છે તેને અદૂષિત જીવંત રાખવાનું કામ માણસ કરે તો તેને ઈશ્વરની સાચી ઝાંખી પણ થાય અને તે માણસ તરીકે વધુ સાચી રીતે, વધુ સારી રીતે જીવી શકે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.......

Tuesday, 14 August 2012

પુરૂષાર્થ વડે ભાગ્ય બદલી શકાય.....................


પુરૂષાર્થ વડે ભાગ્ય બદલી શકાય.....................
દુનિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ.
એક બાળક રૂપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે તેને રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.
હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી  સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો  આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો  આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.
પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય, અને સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો  જીવનનો અર્થ શું? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને ‘યાંત્રિક’ હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે ‘સારા’ બનવું જોઈએ? ગયા જન્મનાં કુકર્મોનું જ ફળ મારે ભોગવવાનું છે. હું સારું કરું કે ખરાબ કરું તો તેની કોઈ અસર મારા વર્તમાન જીવન પર તો પડવાની નથી. કંઈ પણ પરિણામ મારા આ જિંદગીના કોઈક પુરુષાર્થનું આવવાનું હોય તો તે આવતા જન્મમાં જ આવવાનું!
એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખદુઃખ આવી પડે છે તે આપણા ઇરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી. ‘જિંદગી અને મૃત્યુનું ચક્ર’ નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દ્રષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. આમાં એ માણસનો દોષ શું? કોઈ કહે કે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળ જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે. પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મના કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૂર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક અને માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.
ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૂપે જોવાની જરૂર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથેસાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે અને ખરાબ ફળને ઓછું કરી શકે છે.
ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી..........

Monday, 13 August 2012

રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બને...........


રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બને............

એક તેજસ્વી જુવાન હમણાં અચાનક બીમાર પડ્યો. હૃદયરોગનો હુમલો હતો. દાક્તરોએ ઝડપથી તેને ઇસ્પિતાલમાં ખસેડ્યો. પખવાડિયાની સારવાર પછી તે ઘેર પાછો ફર્યો. તેની ખબર કાઢવા ગયેલા મિત્રોએ જોયું તો આ જિજ્ઞાસુ અભ્યાસી જુવાન હૃદયરોગ વિશેનો તબીબી ગ્રંથ વાંચી રહ્યો હતો.
એક વકીલે ટકોર કરીઃ ‘તમારી પેઢીનો પુસ્તકો સાથેનો આ પ્રેમસંબંધ અમને માન ઉપજાવે છે. કોઈ રોગ, કોઈ સામાજિક સમસ્યા, કાયદાની કોઈ ઠોકર તમને વાગે છે અને તમે તેને વિશેના ગ્રંથો ઉપાડી લાવો છો અને તેના અભ્યાસમાં પરોવાઈ જાઓ છો. બીજી બાબતોની મને ઝાઝી ખબર નથી પણ રોગની બાબતમાં એક વાત કહું તો ખોટું લગાડશો નહીં. તમે જેટલા રોગમાં ઊંડા ઊતરશો એટલો રોગ તમારામાં ઊંડો ઊતરશે. રોગ આવે ત્યારે તેને બુદ્ધિના સૂક્ષ્મદર્શક કાચમાંથી બહુ જોવાની કોશિશ ન કરવી. દવા જરૂર લેવી, સારવાર જરૂર કરાવવી, પણ રોગમાં બહુ રસ લેવો નહીં. તમારી જાણ બહાર રોગ તમારા મનમાં કીડાની જેમ ઘર કરે છે. રોગની દવા જરૂર લેવી, પણ રોગની પાછળ પડવું નહીં. રોગ સામાન્ય હોય કે ગંભીર હોય, તેની ઊંડી પિછાણ કેળવવાની જરૂર જ નહીં. માણસનું શરીર અટપટું યંત્ર છે અને છતા તે યંત્ર જ નથી. યંત્રના ભાગોની ખરાબી, તેની ભૂમિકા, તેનું સંયોજન  બધાં વિશે જરૂર જ્ઞાન મેળવી શકાય અને તે જ્ઞાન યંત્રને બરોબર ચલાવવામાં કે તેના બગાડની દુરસ્તી કરવામાં ઉપયોગી બને, પણ શરીરની બાબતમાં આ વાત શક્ય કે વહેવારુ નથી. કેટલીક વાર શરીરમાં જ આપણું ધ્યાન ખોવાઈ જાય, રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બની બેસે છે.’
હમણાં એક તબીબી સામયિકે એક માણસનો કેસ આપ્યો હતો. એણે જાહેર ઇસ્પિતાલોમાં સરકારના ખર્ચે, સમાજના ખર્ચે વર્ષો સુધી સારવાર લીધી, કેટલીયે શસ્ત્રક્રિયાઓ કરાવી, પરીક્ષાઓ કરાવી, દવાઓ લીધી, પણ આ માણસને ખરેખર કોઈ રોગ નહોતો. તેનું કલ્પનાશીલ મન જે અનેક ચિત્રો દોરતું રહેલું તે ચિત્રો જ દાક્તરો પાસે આવતાં રહ્યાં. એ માણસ આ કે તે રોગનાં લક્ષણો વર્ણવે, દવા લે અને આ રીતે તરેહતરેહની સારવારનાં સલામત કોચલાં શોધ્યા કરે છે. તબીબી સામયિકનો સૂર એવો હતો કે આવા દર્દીઓ સરકાર અને સમાજને માથે એક બોજો બનતા હોય છે. તેમને કંઈ હોતું નથી પણ તેઓ આ રીતે જાહેર આરોગ્ય સેવાઓનો ગેરલાભ ઉઠાવે છે.
અલબત્ત, આવા કિસ્સા અપવાદરૂપ જ હોય છે, પણ બધાને માટે આ એક જોખમના નિર્દેશરૂપ છે, અને દરેક માણસે આ જોખમ સમજવાની જરૂર છે. માણસ પ્રેમભૂખ્યો છે, તેને લાલનપાલન, ચાકરી, વિશેષ ધ્યાન, વિશેષ મહત્ત્વ બહુ જ ગમે છે. નાનકડા બાળકને વહાલ જોઈએ છે ત્યારે એ માને કહે છે કે, ‘મા, એવું માથું દુઃખે છે! તું જરા દબાવ ને!’ માત્ર બાળકો જ આવું કહે છે તેમ માનવા જેવું નથી. પુખ્ત વયના માણસો લાગણીની ભૂખની બાબતમાં બાળકની જેમ જ વર્તતા ઘણી વાર જોવા મળે છે. કહેવાનો આશય એવો નથી કે મોટા ભાગે માણસો સાચા રોગ કરતાં કલ્પિત રોગમાં સપડાયા હોય છે. આ દુનિયામાં નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના અસંખ્ય લોકોની શારીરિક યાતનાઓથી આપણે અજાણ હોઈ ન શકીએ. માણસોની એક પોચી માટી છે તેમ એક કઠણ માટી પણ છે. ગમે તેવી પીડા છતાં આવા માનવી મોંમાંથી હરફ નથી ઉચ્ચારતા અને ચહેરા પરનું સ્મિત ભૂંસાવા નથી દેતા.
અહીં મુદ્દો એ છે કે રોગ સાચો હોય તો પણ તેમાં મનને પરોવવા જેવું નથી. રોગને રજા આપવી હોય તો તેને ભૂલી જાઓ. દવાસારવારનો વિરોધ નથી. રોગને ભૂલી જવાની જરૂર એટલા માટે છે કે તેની સતત યાદ આપણા મનને રંગે છે અને શરીરમાં જાતજાતના સ્ત્રાવો પર પ્રતિકૂળ અસર પાડે છે. ગોલ્ડા મીર કેન્સરને ભૂલી ન હોત તો ઇઝરાયલ માટે તે કાંઈ કરી શકી ન હોત. ગાંધીજી લોહીના અત્યંત નીચા દબાણને ભૂલ્યા ન હોત તો તેઓ હિંદુસ્તાનની રજભાર ચિંતા કરી શક્યા ન હોત. રામકૃષ્ણ પરમહંસ પોતાના ગંભીર રોગને ભૂલ્યા ન હોત તો ભગવાનમાં આટલા ઓતપ્રોત થઈ શક્યા ન હોત. લેનિન તેમના રોજ દુઃખતા માથાને પકડીને બેઠા હોત તો રશિયામાં ક્રાંતિ કે બીજું કાંઈ તે કરી શક્યા ન હોત. સામાન્ય માનવીઓમાંય એવા અનેક મળી આવશે, જેઓ રોગને ભૂલીને જીવે છે, બરાબર જીવે છે અને કાંઈક ઉપયોગી કામ કરે છે. તેઓ દવાખાને જરૂર જાય છે, દવા જરૂર લે છે, પણ રોગને કંઠીની જેમ ગળામાં પહેરતા નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.............

Sunday, 12 August 2012

જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે, થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના.....


જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે,  થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના.....

સાડત્રીસ વર્ષની ઉંમરે કેન્સરના વ્યાધિથી મૃત્યુ પામેલા આઇરિશ નાટ્યકાર જે. એમ. સીંજનું એક નાટક છે ‘ધી વેલ ઓફ સેઇન્ટ્સ.’ આ નાટકમાં એક ભિખારી અને તેની પત્ની છે. બંને અંધ છે. એક સંતપુરુષ તેમને થોડા સમય માટે દ્રષ્ટિ આપે છે. પણ કમનસીબે આ અંધ દંપતીને આંખનું તેજ મળતાં જ એ દુઃખી દુઃખી થઈ જાય છે. આ અંધ દંપતીને આંખો નહોતી ત્યાં સુધી બંને સુખી હતાં. અંધ પતિ માનતો હતો કે પોતાની પત્ની ખૂબ રૂપાળી છે. અંધ પત્ની માનતી હતી કે પોતાનો પતિ ખૂબ દેખાવડો છે. દ્રષ્ટિ મળી ત્યારે બંનેને ખબર પડી કે હવે તેઓ એકબીજાને મુદ્દલ રૂપાળાં લાગતાં નથી. કુરૂપતાનો વાસ્તવિક ચહેરો જ આંખ સામે તરવરી ઊઠે છે. પેલો સંત આ અંધ દંપતીને હંમેશ માટે આંખોનું તેજ મળે તેવું પવિત્ર જળ આપે છે, પણ પતિ જાણીબૂજીને  એ પાણી ઢોળી નાખે છે. આંખોનું તેજ પાછું આપનારું એ જળ એને જોઈતું નથી, કેમ કે એ તેજને કારણે જિંદગીની રૂપાળી માનેલી છબી કદરૂપી બની જાય છે.
જે. એમ. સીંજનું આ નાટક પોણોસોસો વર્ષ પહેલાં તખ્તા પર રજૂ થયું ત્યારે નિષ્ફળ ગયું હતું. પણ આજે વિવેચકો આ નાટકને સીંજની એક ઉત્તમ કૃતિ ગણે છે. જે. એમ. સીંજનું સૌથી વધુ જાણીતું અને સફળ નાટક તો ‘રાઇડર્સ ટુ ધી સી’ છે. આ પણ એક કરુણાંત નાટક છે. આ નાટકમાં એક વૃદ્ધ નારી પોતાનો પતિ અને પાંચ પુત્રીને દરિયાલાલના ખોળે ખોઈ બેઠેલી છે. છઠ્ઠો પુત્ર પણ એ ગુમાવી બેસે છે ત્યારે એ કહે છે ઃ ‘કોઈ પણ માણસ હંમેશ માટે જીવતો રહી શકે નહીં. જેટલું જિવાય એટલું ઘણું!’
પોતાની જિંદગીને નક્કર ધરતી ઉપર દોડવનારા કોઈક ક્ષણે એવું કબૂલ કરે છે કે જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે, થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પનાનું એ મિશ્રણ છે. થોડીક આશા અને થોડીક ભ્રમણાનું એ અદ્ભુત મિશ્રણ છે. માણસ ગમે તે દાવો કરે, કોઈ માણસ કદી નરી વાસ્તવિકતાનો તેજાબ પી શક્યો જ નથી. ગઈ કાલે એક માણસ હટ્ટોકટ્ટો, હસતોકૂદતો આપણી આંખ સામે હતો, એક નહીં, અનેક આંખોએ તેને નક્કર રૂપમાં જોયો હતો. આજે એ માણસ નથી! ક્યાં ગયો એ માણસ? કોઈને કશી ખબર નથી. આપણે જિંદગીના તખ્તા ઉપર ભાતભાતનાં દ્રશ્યો નિહાળીએ છીએ, હરખાઈએ છીએ, રડીએ પણ છીએ અને ‘એકદમ વાસ્તવિક’, ‘ખૂબ સુંદર’ એવી દાદ પણ આપીએ છીએ, પણ આ બધાં દ્રશ્યો આપણે હજુ પળબે પળ માટે જોયાં ત્યાં તો એક અનંત શૂન્યતામાં વિલીન થઈ જાય છે. માણસની જિંદગીનો પહેલો અંક એનાં માબાપ લખતાં હશે, જિંદગીનો બીજો અંક તે પોતે જાતે લખવાનો દાવો કરી શકે તેમ હશે. પણ જિંદગીનો ત્રીજો અંક? જિંદગીનો ત્રીજો અંક તો કોઈક અદ્રશ્ય હાથ લખે છે એમ ચોક્કસ માનવું પડે. ક્યારેક આ અંક કશા ઢંગધડા વગરનો, કશા જ અર્થ વગરનો લાગે છે. ‘વેઇટિંગ ફોર ગોદો’ના નાટ્યકાર સેમ્યુઅલ બેકેટ જેવો જ કોઈ નાટ્યકાર આકાશના કોઈક ઓઝલ ઝરૂખામાં બેઠો બેઠો અધૂરી ઘટનાઓ ઉપર પડદા પાડી દેતો હોય એવું પણ લાગે. જે તખ્તા પર અજવાળું અજવાળું આપણે જોઈ રહ્યા હોઈએ ત્યાં એકદમ અંધારું અને કાં તો ખાલીખમ તખ્તો જ્યારે જોવા મળે ત્યારે પળવાર શ્વાસ થંભી જાય! આ કઈ જાતનું નાટક? પડદો તો પાડી દીધો, પણ પેલા વેશ ભજવનારા ક્યાં ગયા? ખરેખર કશું હતા જ નહીં? એ કોઈની જાદુગરી કલ્પનાના ફરજંદ હતા કે પછી એ આપણા પ્રેક્ષકોનાં દિવાસ્વપ્નો માત્ર હતાં? માણસના મોતને આખરી અંત માનવા આજે કોઈ તૈયાર નથી. કેટલાક વિજ્ઞાનીઓ જાતજાતની ધારણાઓ, દલીલો અને કેટલાક પુરાવા આગળ કરીને કહે છે કે મૃત્યુ એ અંત નથી. આત્માનો એકમ શું છે તેની અમને ખબર નથી, પણ તેનું એક સારરૂપ તત્ત્વ મરતું નથી, કોઈક બીજી અવસ્થામાં મોજૂદ રહે છે. તે ફરી વાર જન્મે છે કે કેમ તેની અમને ખબર નથી પણ ‘આત્મતત્ત્વ’ જેવું કાંઈક છે તે નક્કી અને તે માણસની કાયાનો માટીકૂબો ભાંગી જતાં જ ત્યાં ને ત્યાં કચડાઈ કે ઓલવાઈ જતું નથી. જિંદગી જેવી છે તેવી જ તેને ચાહવી અને માણવી જોઈએ. ફેફસાં અને હૃદય હાંકનારી હવા અને એકંદર ચાલકબળ ક્યાંક બહારથી મળે છે. જિંદગીની વૃદ્ધિ અને વિલયમાં કોઈ ચોક્કસ ગણિત કે ગણતરીઓ ચાલતી નથી. કેટલાક તેની ઉપર એક આકૃતિ ઊભી કરવા મથે છે, કેટલાક એમાં જાતજાતના રંગોની ભાત ઊભી કરવા મથે છે. કોઈક વળી જાતજાતનાં રક્ષણોની કાંટાળી વાડ ઊભી કરે છે. પણ સરવાળે તો આ આકાર અને આ રંગોળીની બહાર નીકળી જઈને જિંદગી પોતાનો મનસ્વી મિજાજ બતાવે જ છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી.........

એક બાજુ ક્ષુલ્લક પ્રવૃત્તિઓ વધી છે અને તેની સાથે કંટાળો પણ વધ્યો છે..........


એક બાજુ ક્ષુલ્લક પ્રવૃત્તિઓ વધી છે અને તેની સાથે કંટાળો પણ વધ્યો છે..........
 
મુંબઈથી અમદાવાદની ઊડતી મુલાકાતે આવેલી એક બહેને કહ્યુઃ ‘મારી પુત્રી દસ વર્ષની છે, શાળાએ જાય છે, હોશિયાર છે, પણ એ અવારનવાર ફરિયાદ કર્યા કરે છે કે મમ્મી, મને કંટાળો આવે છે! હું એને હસીને પૂછું છું કે બેટા, કંટાળો ક્યાંથી આવે? કંટાળો કેમ આવે છે? એ કંઈ જવાબ આપતી નથી પણ કંટાળાની ફરિયાદ કર્યા જ કરે છે! હું એને કહું છું કે તું કંઈક કામ કર  તારી બહેનપણીઓમાં વધુ હળવામળવાનું રાખ  તું તારા મનને કોઈક કામકાજમાં પરોવીશ તો પછી કંટાળો નહીં જ આવે!’
મને મનમાં ને મનમાં સવાલ ઊઠે છે કે આટલી નાની છોકરી કંટાળાની ફરિયાદ કરે છે! મારા એક મિત્રની જુવાન પુત્રી પણ આવી જ ફરિયાદ કરે છે. એ મેડિકલનું ભણે છે! એનો પ્રશ્ન કંઈક જુદો લાગે છે. તે પોતાની અંદર ને અંદર ખોવાયેલી રહે છે અને વખતોવખત ફરિયાદ કરે છે કે મને સખત કંટાળો આવે છે. કોઈ કોઈ વાર રડ્યા કરે છે! એક વાર તો તેણે એની માતાને કહ્યું કે, મમ્મી, મને એટલો બધો કંટાળો આવે છે કે મને એમ થાય છે કે હું મરી જ જાઉં! મને સમજાતું નથી કે નાની ઉંમરનાં છોકરાછોકરીઓનાં મોંએ આવી ફરિયાદ ઊઠવાનું કારણ શું હશે?
નાની ઉંમરના કિશોરજુવાનોને કંટાળો આવે કે પ્રૌઢ વયની વ્યક્તિઓને કંટાળો આવે  કંટાળો આવવાની ફરિયાદ કરનાર દરેક જણને કદાચ ખબર નથી હોતી કે કંટાળો ક્યાંય બહારથી નથી આવતો  કંટાળો આપણી અંદરથી આવે છે. જેમ મોટરમાં પેટ્રોલ એકદમ ઓછું થઈ જાય ત્યારે લાલબત્તી થાય છે  રિઝર્વ બતાવે છે  એ ચેતવણી છે કે માંડ ઘેર પહોંચો કે પેટ્રોલપંપ ઉપર પહોંચો એટલું પેટ્રોલ છે! પેટ્રોલ ભરાવવાની જરૂર છે! રખે ધ્યાનબહાર જાય!
એવી જ રીતે ‘કંટાળો’ એ ક્ષીણ થઈ રહેલા એકદમ નીચી સપાટીએ ચાલ્યા ગયેલા જીવનરસ અંગેની લાલબત્તી છે. જીવનમાં રસ એ બળતણ છે. એ બળતણ ઓછું થઈ જાય ત્યારે કંટાળાની લાગણી પેદા થાય છે. જેમને કંટાળો આવતો હોય તેમણે જીવનમાં નવો રસ પેદા કરવો જોઈએ. માણસ જ્યારે પોતાનામાં કંઈ રસ લેતો નથી ત્યારે તેને આસપાસની દુનિયામાં પણ રસ પડતો નથી, કેમ કે આપણને દુનિયામાં જે રસ પડે છે તે હકીકતમાં આપણી જાતમાં આપણને જે રસ હોય છે તેનો જ ઉછાળો છલકાઈને બહાર ફેલાય છે. દરેક વ્યક્તિ કેન્દ્રમાં તો હંમેશાં પોતાની જાતને જ રાખે છે. માણસ જે કંઈ પ્રવૃત્તિ કરે છે, જે કંઈ મનોરંજન કરે છે તે બધામાં પ્રગટ લક્ષ્ય ગમે તે બતાવે  અંતિમ લક્ષ્ય તો તેની પોતાની જાત જ હોય છે. પણ તેને જો પોતાની જાતમાં કંઈ જ રસ ન હોય તો તેને પોતાની સાથે નિકટમાં નિકટ રીતે સંકળાયેલી વ્યક્તિઓ કે બાબતોમાં પણ કંઈ રસ પડતો નથી!
વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુંગે હતાશાને આ યુગના એક સૌથી મોટા વ્યાધિ તરીકે ઓળખાવી હતી. આપણે આજે ‘કંટાળા’ને પણ આ યુગના એવા જ મોટા વ્યાધિ તરીકે ઓળખાવી શકીએ તેમ છીએ. અગાઉ કદી નહોતો એટલો ‘કંટાળો’ આજે આપણે જોઈએ છીએ. ઘણા બધા માણસો તેની ફરિયાદ કરે છે આનું કારણ શું?
એનાં કેટલાંક કારણો કલ્પી શકાય છે. એક તો એ કે અગાઉની ઊંડી ધાર્મિકતા ક્ષીણ થતી જાય છે એટલે હું ઈશ્વરનો જ અંશ છું, હું ‘ક્ષુદ્ર’ નથી, હું કોઈક મહાન શક્તિનો જ એક તણખો છું એવી શ્રદ્ધા રહી નથી અને તેથી માણસ કશી ‘નમ્રતા’ વગર નિર્ભેળ ‘પામરતા’ની લાગણી અનુભવે છે અને તેને મનુષ્યનું જીવન જ કશા હેતુ કે અર્થ વગરનું લાગે છે! તે પૃથ્વીથી માંડીને બ્રહ્માંડ સુધીનું એક અનંત ચિત્ર જોઈ શકતો નથી અને તે જેમ જેમ તેનો વિચાર કરે છે તેમ તેમ પોતાનું સ્થાન આમાં ક્યાં? એવી એની મૂંઝવણ વધે છે. બીજંુ, જૂના જમાનામાં માત્ર જીવતા રહેવા માટેનો જ જે જીવનસંઘર્ષ માણસને કરવો પડતો હતો એવો જીવનસંઘર્ષ આજે રહ્યો નથી. પુરુષ ગમે તેટલી આકરી નોકરી કરે કે ધંધાનો ભાર ઉપાડે  તેના એકંદર કામના કલાકો ઓછા થયા છે.
સ્ત્રીઓને અગાઉ જે વૈતરું કરવું પડતું હતું તેમાંથી તેનો છુટકારો થયો  તેને પણ લાગે છે કે તેની પાસે ફુરસદના કલાકો વધ્યા છે. હવે આ બધા સમયને માણસ કાં તો ક્ષુલ્લક બાબતોમાં કે પછી માત્ર સમય પસાર કરવા માટે જ હાથ ધરેલી રમતોમાં ખર્ચી નાખે છે. એમાંથી એને થોડીક ‘મજા’ પડી એવું એ પોતાની જાતને મનાવે છે, પણ તેમાંથી કોઈ ઉમંગનું બળ તેને મળતું નથી. આથી એક બાજુ ક્ષુલ્લક પ્રવૃત્તિઓ વધી છે અને તેની સાથે કંટાળો પણ વધ્યો છે.
ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી......

અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકાય.... !


અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકાય.... !

મહાત્મા ગાંધીના જીવન પર પ્રબળ પ્રભાવ પાડનારા પુસ્તક ‘અનટુ ધી લાસ્ટ’ના લેખક જોન રસ્કિને પોતાની જિંદગીની સ્મરણકથા લખી છે. તેમાં તેણે બાળપણનો એક પ્રસંગ વર્ણવ્યો છે. પિતાની સાથે તે એક મહેલ જોવા જાય છે. મહેલની ભવ્યતા જોઈને બાળક રસ્કિન તો ઝૂમી ઊઠે છે. એક ક્ષણ થાય છે કે હું આવા મહેલમાં રહેતો હોત તો કેટલું સારું હોત! પછી ઈંગ્લેન્ડના બીજા એક લેખક કાર્લાઇલનું એક વાક્ય યાદ આવ્યું ઃ ‘મહેલમાં રહીને આંખ સામે ઝૂંપડીઓ જોવા કરતાં ઝૂંપડીમાં રહીને મહેલ જોવામાં વધુ મજા છે!’
થોડીક ભવ્યતાના કે થોડાક સૌંદર્યના માલિક બનવા કરતાં આંખ સામે પડેલી અનંત ભવ્યતા અને અનંત સૌંદર્યને જોવામાં વિશેષ આનંદ રહેલો છે. કોઈ માણસ વસાવી વસાવીને કેટલા મહેલો વસાવી શકે? કેટલા બગીચા બનાવી શકે? ગમે તેવા મોટા બંગલામાં કે મહેલમાં કે કિલ્લામાં રહો, છેવટે જિંદગીમાં ખરી મજા ખુલ્લા મને અને ખુલ્લા પગે ગમે ત્યાં જઈ પહોંચવાની અને પ્રકૃતિનાં રૂપઅરૂપ જોવાની સ્વતંત્રતામાં રહેલી છે. કેટલીક વાર માણસો મોટા મહેલ પોતાના જ માટે બનાવે છે જે છેવટે તેમને પોતાને માટે જ જેલ બની જાય છે.
કેટલાક માણસો તરેહતરેહના માલિકીહક્કો મેળવવાની અને ભેગા કરવાની એક માથાફોડ જિંદગીભર કર્યા કરે છે, પણ ભૂલ ત્યાં છે કે કોઈ પણ બાબતમાં માલિકી એ તેને ભોગવવાની, સારી રીતે માણી શકવાની ખાતરીબંધ બાંયધરી તમારા માટે બની શકતી નથી. માણસનો આજ સુધીનો આ જ અનુભવ છે, પણ આપણે અનુભવ પરથી કશું શીખવા તૈયાર હોતા નથી એટલે માણસ આ અનુભવની બાબતમાં પણ ખાસ કંઈ શીખ્યો નથી. માણસ માને છે કે માલિકી એ ભોગવટાનું તામ્રપત્ર છે, પણ આપણે જાણીએ છીએ કે અનેક લોકો મોટી મિલકતના અને લાંબી આવરદાના માલિક હતા છતાં જીવનને માણવાની બાબતમાં તેમને પાસમાર્ક પણ મળ્યા નહોતા! ઇટાલીની ખ્યાતનામ અભિનેત્રી સોફિયા લોરેને એક વાર એવું કહ્યું હતું કે જિંદગીમાં મને જે સૌથી કીમતી બોધપાઠ મળ્યો તે એ છે કે ખરી મજા જિંદગીમાં સૌંદર્યને જોવામાણવામાં છે, તેના માલિક થવામાં નથી.
હું જે દિવસે તાજમહાલ ખરીદી લઉં તે ક્ષણે તાજમહાલનું બધું સૌંદર્ય, તેની બધી જ ભવ્યતા મારા માટે અલોપ! માણસની કમનસીબી જુઓ  જિંદગીના ઘૂઘવતા દરિયાના કિનારેકિનારે કે દરિયાનાં ઊછળતાં મોજાં ઉપર ઊભેલા માણસોના જીવનમાં ભાગીદાર બનીને મહેફિલની મજા વધારવાને બદલે માણસો એકબીજા સાથે ઝઘડતા જ રહે છે! હકના નામે, અહંકારના નામે, મિલકતના નામે  ગમે તે બહાનું આગળ કરીને માણસ લડે છે. લડવા માટે કંઈ ને કંઈ સાચુંખોટું કારણ આગળ કરવું પડે છે. ચાહવા માટે, દોસ્તી માટે કોઈ બહાનાની જરૂર નથી! માણસને સાચાં કે ખોટાં કારણ વગર ચાલતું જ નથી. સ્વાર્થમાં ભરપૂર કારણ મળે છે. નિઃસ્વાર્થીપણામાં કે પ્રેમમાં ખાસ કારણો જોઈતાં નથી.
અનેક માણસો અનુભવ કરી ચૂક્યા છે કે સુખ કોઈ સાધનમાં નથી, એ સાધન વડે સુખ નિષ્પન્ન કરવાની તમારી પોતાની ગુંજાશમાં છે. માણસને તમે સંગીતનું શ્રેષ્ઠ વાજિંત્ર આપો, પણ તેને વગાડતાં ન આવડતું હોય અને બીજું કોઈ વગાડે ત્યારે તેનું સંગીત સાંભળવા માટેના કાન જ તેની પાસે નથી કે તેને માણવા માટેની ત્રેવડ જ નથી તો તે કીમતી વાજિંત્રના માલિક હોવું કે ન હોવું તેમાં શો ફેર પડે છે? તે માત્ર તમારી મિલકતની એક જણસ બની શકે  તે કંઈ તમારા વ્યક્તિત્વનો શણગાર બની ન શકે. જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી  તમે એ પુસ્તકમાંથી શું વાંચો છો, શું સમજો છો, તેનો શો નિષ્કર્ષ કાઢો છો તે માટેની તમારી ગુંજાશમાં રહેલું છે.
કેટલાક માણસો સગવડનાં સાધનોમાંથી પણ કશી સગવડનું સાચું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે તે સગવડનું સાધન ખોટવાય ત્યારે જ તેમને ‘અગવડ’ પડે છે તેનું જ દુખ તેમને સાચું લાગે છે. સાધન ખોટવાય કે છીનવાય ત્યારે તેમને સાધનની ખોટ સાલે છે! પણ એવા પણ ઘણા માણસો છે જે સગવડ હોય તો તેને માણી શકે છે અને અગવડ આવી પડે ત્યારે અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકે છે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી......

માણસ જિંદગીની પ્રત્યેક ક્ષણની અનન્યતાનો વિચાર કરે……


માણસ જિંદગીની પ્રત્યેક ક્ષણની અનન્યતાનો વિચાર કરે……

પોતાની ગદ્યશૈલી માટે ખૂબ જ પ્રશંસા પામેલા ઈંગ્લેન્ડના વિવેચકનિબંધકાર વિલિયમ હેઝિલીટે તેમના એક લેખમાં એવી લાગણી વ્યક્ત કરી છે કે જે રીતે આપણે અગાઉ જોયેલી જૂની જગ્યાઓની મુલાકાત લઈ શકીએ છીએ તેમ આપણે વીતી ગયેલા સમયમાં પાછા ફરી શકતા હોત તો? માણસ એકના એક સ્થળની બીજી મુલાકાત લઈ શકે છે, પણ અમુક ચોક્કસ સમયની ફરી મુલાકાત અશક્ય છે. માણસ સ્મરણયાત્રા કરી શકે.
બાળપણના ઘરમાં વિતાવેલી પળોને  તે પ્રસંગને સ્મૃતિમંત્ર વડે જીવતદાન આપી શકે, પણ તે માત્ર મનોજગતમાં! ભૂતકાળમાં જેની મુલાકાત લીધી હતી તે સ્થળે ગામની નદી, નિશાળ કે કોઈ પણ સ્થળે ફરી પાછો જઈ શકે છે. તે સ્થળના એના એ જ ખંડમાં પ્રવેશી શકે છે. સમયના એના એ જ ખંડમાં પ્રવેશી શકતો નથી. ફરી તે બાળક બનીને ત્યાં જઈ શકતો નથી. માણસ જિંદગીની પ્રત્યેક ક્ષણની આ અનન્યતાનો વિચાર કરે તો તેને એ ક્ષણને બરાબર જીવવાની સાચી તલપ જાગે!
કેટલાક માણસોને પોતે જે સમયમાં જન્મ્યા એ સમય જ ગમતો નથી! હું આ જમાનામાં જન્મ્યો તે કરતાં બીજા કોઈ જમાનામાં જન્મ્યો હોત તો? હું કળિયુગ ને બદલે સતયુગ કે દ્વાપરયુગ કે ત્રેતાયુગમાં જન્મ્યો હોત તો? ચૌદમા સૈકાના ઇટાલીનાં ઊર્મિકાવ્યોના મહાન કવિ પેટ્રાર્ચને આવું જ દુઃખ હતું. પોતાની જિંદગીના એક ટૂંકા બયાનમાં તેણે એવું નોંધ્યું છે કે હું જે સમયમાં જન્મ્યો છું એ સમય મને મુદ્દલ ગમતો નથી. હું બીજા કોઈ યુગમાં જન્મ્યો હોત તો કેવું સારું હતું! મને અગાઉના યુગો ખૂબ ગમે છે. મને ભૂતકાળ ખૂબ ગમે છે. પ્રાચીન સમય મને ખૂબ ગમે છે. હું એટલે જ ઇતિહાસનો ખૂબ શોખીન છું. હું જે સમયમાં જન્મ્યો છું તેને બદલે બીજા કોઈ સમયખંડમાં મને જન્મવાનું વધુ ગમ્યું હોત, પણ મારે આ બાબતમાં મારું મન માંડી વાળવું પડે છે.
કેમ કે મારાં સ્નેહીઓવહાલાંઓનું શું? મતલબ કે મારાં પ્રિયજનોનો વિયોગ હું કલ્પી શકતો જ નથી અને હું બીજા કોઈ સમયમાં જન્મ્યો હોત તો આ પ્રિયજનો મને મળત નહીં. આ માતા, આ પ્રિયતમા, આ બધું  આ મિત્રો. આ ખોટ સહન થઈ શકે તેવી જ નથી.
આખી વાતમાં આ માર્મિક મુદ્દો સમજવા જેવો છે. સમય એ કોઈ કાચની શીશી નથી. માણસ કાચની શીશીમાં પુરાયેલું જીવજંતુ નથી. તે એક છોડ કે વૃક્ષ છે, જે જમીનમાં મૂળ નાખે છે અને આકાશ તરફ મીટ માંડે છે. તેને રક્ષણપોષણ આપતા વાતાવરણ સાથે ગાઢ સગાઈ છે અને તેને બીજા છોડ અને વૃક્ષોની પણ એવી જ માયા છે.
ઇટાલીના મહાન કવિ પેટ્રાર્ચને પોતે બીજા કોઈ યુગમાં જન્મ્યો હોત તો સારું થાત એવી લાગણી થાય છે. પણ પછી પોતાના પ્રિયજનોની માયાની વાત તેને મનનું સમાધાન કરી લેવાની ફરજ પાડે છે. આવી જ રીતે કોઈને થાય છે કે હું ભારતને બદલે અમેરિકામાં જન્મ્યો હોત! આવા લોકો એવું માને છે કે ભારત કરતાં અમેરિકાની ભૂગોળ વધુ ભાગ્યશાળી છે, પણ પછી અનુભવ થાય ત્યારે ખબર પડે છે કે કોઈ પણ દેશમાં જિંદગીની મૂળભૂત સમસ્યાઓ એકસરખી જ છે અને અમેરિકામાં થોડી વધારે સગવડો છે તો બીજી ઘણી એવી મોટી અગવડો પણ છે.
ભારતની આઝાદી પૂર્વના સમયમાં ભાવનગરમાં શામળદાસ કોલેજમાં કોઈ કોઈ એવા મિત્રો હતા જેમને હંમેશાં એવો વસવસો રહ્યા કરતો  ભગવાને ભારતને બદલે પોતાને રશિયામાં જન્મ આપ્યો હોત. તે દિવસોમાં જુવાનોને રશિયા સ્વર્ગભૂમિ જેવી લાગતી. જ્યાં બધા જ માણસો સમાન હોય, કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી. કોઈનું કશું શોષણ થતું નથી અને સૌને કામ મળે છે. રશિયામાં આજે તો એક અકલ્પિત પરિવર્તન આવ્યું છે. જિંદગીની હાડમારીઓની આજની વાતો સાંભળનારાને ઓચિંતું ભાન થાય છે કે આવી જ હાડમારીઓ પચાસ વર્ષ પહેલાં પણ ત્યાં હોવાનો પૂરો સંભવ છે. તમે ગમે તે ભૂમિમાં જન્મ માગો, આવી દરેક ભૂમિની માટીના કેટલાક લાભો હશે, કેટલાક ગેરલાભો પણ હશે. જેઓ માને છે કે અમેરિકામાં જન્મ્યો હોત તો સારું હતું તેમને કદાચ અમેરિકાના સંઘર્ષમય ઇતિહાસની પૂરી ખબર નથી અને કદાચ આજનું જીવન પણ ત્યાં કેટકેટલા પડકારોની વચ્ચે આ ‘સાહ્યબી’ ભોગવી રહ્યું છે તેની પણ પૂરી જાણકારી કદાચ તેમને નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક ‘પંચામૃત’ માંથી