Monday, 24 September 2012

માણસે મિજાજની અમીરી જરાય ઝાંખી પડવા દેવી ન જોઇએ.......................

માણસે મિજાજની અમીરી જરાય ઝાંખી પડવા દેવી ન જોઇએ.......................

પોતાના ભાગમાં આવેલી વાડી એ વર્ષો સુધી વેચી શક્યો નહીં, કેમ કે તેને વાજબી કિંમત મળતી નહોતી. વાડી ખરીદવા કોઈ આગળ આવતું નહોતું. બીજી મિલકતમાં એક નાનકડું કારખાનું હતું જાહેરમાર્ગ પર એ મોકાની જગ્યા હતી. કારખાનું પેટગુજારા જેટલી કમાણી આપતું હતું એટલે તે જગ્યાની કિંમત પ્રમાણમાં સારી મળે તેમ હતું તે છતાં તે વેચવાની ઇચ્છા થતી નહોતી. માથે ઠીકઠીક કરજ હતું. ગાડું ગબડતું હતું.

થોડાંક વર્ષો પછી વાડીની સારી કિંમત ઊપજી અને કારખાનાની જગ્યા ઉપર એક ઊંચી ઇમારત ઊભી કરવાની યોજના ભાગીદારીમાં સફળ થઈ. હવે કોઈ દુખ ન રહ્યું. સંજોગો બદલાઈ ગયા અને બધું જ સુગમ બની ગયું. આખી જિંદગી આવકજાવકના બે છેડા મેળવવાની મથામણ રહી  હવે જિંદગીની ઢળતી સાંજે બધું જ સુખદાયક લાગતું હતું. પણ હવે શરીર જાણે તોફાને ચઢતું હતું. શરીર તો આ જ હતું  દુખના દિવસો હતા ત્યારે તેણે બરાબર સાથ આપ્યો પણ સુખના દિવસો આવ્યા ત્યારે શરીર જાણે હવે સાથ આપવાની ના પાડતું હતું! આવા સંજોગોમાં મુકાયેલા માણસને દુખ થાય કે ઈશ્વરનો કે કિસ્મતનો આ કેવો ન્યાય કે દુખમાં શરીરે કોઈ ફરિયાદ કરી નહીં  ચૂપચાપ મૂંગામૂંગા સાથ આપતું રહ્યું અને હવે જ્યારે સુખની ઘડી આવી ત્યારે શરીર સમજાય ન સમજાય તેવી જાતજાતની ફરિયાદો આગળ કરવા માંડ્યું હતું!

આમાં કોઈને ‘અન્યાય’ જેવું લાગે, પણ માણસ શાંતિથી વિચારે તો એને જરૂર લાગે કે આમાં ખાસ ‘અન્યાય’ જેવું કાંઈ નથી. શરીરના સંપૂર્ણ સાથની જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે શરીરે બરોબર સાથ આપ્યો. આજે તો હવે આરામ લેવાનું  ગમે તેવી મોંઘી દવા અને સારવાર લેવાનું પરવડે તેમ હતું! પત્નીની જેમ તમારી તબિયત પણ સુખના દિવસોમાં નવી માગણીઓ અને નવા દાવા આગળ કરે તો નારાજ થવા જેવું નથી. માણસની જિંદગી આવી મજાકમશ્કરી કરતી જ રહે છે  તેનાથી માઠું લગાડવાનું ન હોય. સૌ કોઈ જાણે છે કે જ્યારે બદામ ખરીદવાના પૈસા ન હોય ત્યારે દાંત મજબૂત હોય છે અને જ્યારે બદામકાજુ ખરીદવાની ત્રેવડ હોય ત્યારે દાંત ચાલ્યા ગયા હોય છે. દાંત ન હોય અને બદામકાજુનો સ્વાદ માણવો હોય તો તેને ખાંડીને ખાવાં પડે! એમાં દુખી થવાની જરૂર નથી.

૭૫ વર્ષની ઉંમરના એક સંબંધી મળ્યા. પચાસ વર્ષ પહેલાં એમને ઘરે દોમદોમ સાહ્યબી હતી. મુંબઈના એક શ્રીમંત પરામાં બગીચાની પાસે જ એમનો બંગલો હતો. કીમતી જમીનો હતી. શહેરની મધ્યમાં કારોબારી કચેરીઓ હતી. ઔદ્યોગિક વિસ્તારમાં કરોડોની કિંમતનું એક કારખાનું હતું. એ બધું જ ચાલ્યું ગયું હતું. એક આખું કુટુંબ જે એક વાર સમૃદ્ધિની ટોચ પર હતું તે આજે તદ્દન સામાન્ય સ્થિતિમાં આવી પડ્યું હતું. પણ પંચોતેર વર્ષના આ ગૃહસ્થના મિજાજની અમીરી જરાય ઝાંખી પડી ગઈ નહોતી. ચહેરા પર એ જ હાસ્ય અને વાતચીતમાં ક્યાંય કડવાશ કે વસવસો નહીં. તબિયતના પ્રશ્નો પણ હતા. પરિવારના પણ પ્રશ્નો હતા પણ ગૃહસ્થ તેના કારણે ઢીલા પડી ગયા નહોતા.

એમણે કહ્યું ઃ ‘નેપોલિયને કહ્યું છે કે માણસો પોતાના સંજોગોના પૂરેપૂરા બરોબરિયા તો કદી પુરવાર થતા નથી પણ દરેક માણસ એક કોશિશ કરે છે. સંજોગો સામે લડવાની ઉંમરે માણસ જરૂર લડે, પણ એવી ઉંમર પણ આવે છે જ્યારે લડી લેવાની એટલી શક્તિ જ હોતી નથી. હારી ગયાની લાગણીથી બચી જઈને પણ માણસ એક સમાધાન જરૂર કરી શકે છે.’ 

એક ડોક્ટરમિત્રે કહ્યું કે કોઈનું શરીર સંપૂર્ણ નીરોગી હોતું નથી. રોગ અને પીડા આવે છે અને જાય છે. કેટલીક વાર અંત સુધી સાથે રહે છે. તોફાની અશ્વ ઉપર કાબેલ ઘોડેસવાર જે રીતે સવારી કરે તે રીતે ઘણી વાર તો માણસે પોતાની તબિયત પર કાબૂ મેળવવો પડે છે. હિંમત રાખીને લગામને હાથમાં રાખવી પડે છે. માણસ ઢીલો પડે કે ગભરાઈ જાય તો ગબડી પડવાની શક્યતા વિશેષ રહે છે.
માત્ર તબિયત માટે જીવવાનું નથી  જીવવા માટે તબિયતની અલબત્ત, જરૂર પડે છે. છતાં ઘણા બધા માણસોએ તો નબળી તબિયત પાસેથી પણ ઘણું સારું કામ લીધું હોય તેવું બન્યું છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી...............

Saturday, 22 September 2012

આપણા સ્વજનો આપણી પાસે જ હોય છે ત્યારે આપણે તેમને પૂરા ચાહતા નથી...........

આપણા સ્વજનો આપણી પાસે જ હોય છે ત્યારે આપણે તેમને પૂરા ચાહતા નથી...........

માણસની જિંદગીમાં કોઈ કોઈ એવી ક્ષણ આવે છે કે એ કોઈને આશ્વાસનના બે શબ્દો કહેવા જઈ રહ્યો હોય છે અને તેને આશ્વાસનના સાચા બે શબ્દો  માત્ર બે જ શબ્દો  સૂઝતા નથી. અને બે શબ્દો જીભ પર ચડે છે તો તે શબ્દો ખુદ બોલનારને પોતાને જ રણકા વગરના લાગે છે.

૬૮ વર્ષના પિતાનો ત્રીસબત્રીસ વર્ષનો પુત્ર અચાનક મૃત્યુ પામ્યો. કશી જ માંદગી નહીં, કશી જ ચેતવણી નહીં. ખુદ મોત આવીને જિંદગીનું અપહરણ કરી ગયું! ત્યારે માણસે હૃદયના ગમે તે ખૂણેથી શોધીને કાઢેલા આશ્વાસનના શબ્દો એકદમ લુખ્ખા લાગવા માંડે છે. એ ગૃહસ્થ પોતે જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે પિતાનું મોં મુદ્દલ જોયું નહોતું. માતાએ પારકાં કામ કરીને દીકરાને મોટો કર્યો હતો. એ દીકરો આખી જિંદગી કાળી મજૂરી કરીને જ્યારે હવે જિંદગીનાં અંતિમ વર્ષોમાં કાંઈક સુગમતા અને કાંઈક શાંતિની આશા રાખી રહ્યો હતો ત્યાં જ તેની ઉપર આ કારમો પ્રહાર થયો. જુવાનજોધ દીકરો જતો રહ્યો. ગૃહસ્થે કહ્યું ઃ ‘એક જ દિવસમાં હું તો સિંહમાંથી શિયાળ થઈ ગયો! મોતને મારા ઘરેથી જ એક માથું જોઈતું તો હતું મેં મારું માથું આપવાની ક્યાં આનાકાની કરી હતી! હું તો તૈયાર જ બેઠો હતો, પણ આવું કેમ બને છે! મોતને ભૂખરાધોળા વાળ ઓછા ગમે છે અને કાળાભમ્મર વાળ જ તેને વધુ ગમે છે! તમે જ કહોજનારો તો જતો રહ્યો. તેના નાનકડા છોકરાને હું શો જવાબ આપું! એ એની કાલીકાલી બોલીમાં મને પૂછે કે દાદાજી, તમે મારા  પપ્પાને શું કામ જવા દીધા? તેમને બદલે તમે જ કેમ ન ગયા, દાદાજી? આ બાળકને હું કઈ રીતે સમજાવું કે તારા પપ્પાને બદલે ભગવાને મને જ ઉપાડી લીધો હોત તો કેટલું સારું હતું! પણ હું શું કરું? મારા હાથની વાત જ નથી.’ આ કોઈના હાથની વાત નથી. જિંદગી અને મોત અંગે તો ન સમજાય તેવા ચુકાદા ગળે ન ઊતરે એવા ચુકાદા સ્વીકારી જ લેવા પડે છે, ગરદન ઝુકાવીને ચુકાદાને માથે ચઢાવવા પડે છે.

એક ગૃહસ્થનાં પત્ની મૃત્યુ પામ્યાં પછી તેમનું દુખ જોઈને કોઈ મિત્રે કહ્યુઃ ‘તમે તમારી પત્નીને ખૂબ ચાહતા હતા તેથી તમને આટલું બધું દુખ થાય છે, નહીં?’ ગૃહસ્થે પૂરી પ્રામાણિકતાથી કહ્યું ઃ ‘એ વાત સાચી હોય તો કેટલું સારું હતું! મને આટલી બધી પીડા થવાનું સાચું કારણ એ છે કે એ ચાલી ગઈ ત્યારે જ મને ભાન થયું કે મારે તેને જેટલી ચાહવી જોઈતી હતી એટલી મેં એને ચાહી નહીં! મને ખરેખર પસ્તાવો થાય છે કે એ જીવતી હતી ત્યારે મેં તેને વિશેષ ચાહી હોત તો એ કેટલું બધું પામી હોતહું કેટલું પામ્યો હોત!’ આપણા સ્વજનો આપણી પાસે જ હોય છે ત્યારે આપણે તેમને પૂરા ચાહતા નથી, તેમને સમજતા નથી! પછી કોઈ સ્વજન ચાલ્યું જાય છે ત્યારે આપણે એક મિલકત ગુમાવી બેઠાનું દુખ વેઠીએ છીએ અને છાતીફાટ રુદન કરીએ છીએ?

દરેક જાણે છે કે કોઈ કશું સાથે લઈ જઈ શકતું નથી. બધું અહીંનું અહીં જ મૂકીને જવાનું છે અને છતાં તે આપ્તજનો સાથે અને અજાણ્યાઓ સાથે પણ સરાસર અન્યાયનો વહેવાર કરે છે. એક માણસે મૃત્યુશય્યા ઉપર એવી કબૂલાત કરી હતી કે મેં ઘણા બધાને નિર્દયતાથી લૂંટ્યા અને પછી મારા કપૂતોએ મને લૂંટી લીધો! બીજા એક માણસે એવી વાત અંતિમ ક્ષણે અફસોસ સાથે કરી હતી કે જ્યારે આપવાની સ્થિતિમાં હતો ત્યારે મેં કોઈને કશું આપ્યું નહીં અને હવે આપવાનું મન થાય છે પણ આપવાનું કશું મારી પાસે જ રહ્યું નથી!

આપવા માટે ધન તો ઘણા બધા માણસો પાસે નથી હોતું, પણ તેમની પાસે ધન સિવાય પણ આપવા જેવું ઘણું બધું હોય છે  પ્રેમ, આદરના બે શબ્દો, શુભેચ્છાનું એક વચન  પણ માણસ એ પણ આપતો નથી.

એક વ્યક્તિના પોતાના જીવનનો આ અનુભવ છે. તેણે કહ્યું કે, ‘મારી પુત્રીએ આત્મહત્યા તો કરી પણ  તે પહેલાં મેં તેની ‘હત્યા’ એક અર્થમાં કરી નાખી હતી. મેં એને સવારે જ ન કહેવાના શબ્દો કહ્યા હતા! હું જાણતો હતો કે હું જે કહી રહ્યો છું તેમાં કશું જ તથ્ય નથી! તે મારી જીભનું ઝેર છે અને છતાં હું ચૂપ રહ્યો નહીં. મેં એને ન કહેવાના શબ્દ કહ્યા! એમ કરીને મેં એની જીવવાની ઇચ્છાને જ મારી નાખી! પછી જે કાંઈ બન્યું તે તો માત્ર સંજોગોએ સર્જેલો એક અકસ્માત જ હશે.’

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.............

Friday, 21 September 2012

મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે.................................

મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે.................................

નોર્વેના નોબેલ પારિતોષિકવિજેતા લેખક નટ હેમસનની ‘અલગારી’ કથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા ‘હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબ, રોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગે, જૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે. 

અક્ષરશઃ યાત્રિક! જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી! એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.’ શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોય, પોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.

અંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતી, પણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે. 

તબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આર્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભાર, પોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા! લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે! અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ‘ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે! માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ  કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથી, તે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે. 

ઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાં, તે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીને, ચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને ‘હસતાં હસતાં!’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા! એમની વિનોદવૃત્તિ, ધારદાર કટાક્ષો, વક્રોક્તિઓ આજે પણ આપણને જરાય ‘વાસી’ લાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી....

Monday, 17 September 2012

માણસ એક વાર મનથી હારી જાય પછી તે ખરેખરી જીત પણ પિછાની શકતો નથી.

માણસ એક વાર મનથી હારી જાય પછી તે ખરેખરી જીત પણ પિછાની શકતો નથી........... 

માણસો મોટી ઉંમરે પણ સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા થઈને પથારીમાં ન પડે અને નીરોગી જીવન જીવે તેનું કાંઈ રહસ્ય છે ખરું? એનું રહસ્ય એટલું જ છે કે ઉંમરની સાથે જીવનશક્તિનાં પૂર ઓસરવા ન દેવાં હોય તો કોઈ પણ સંજોગોમાં માણસે મનથી ટટ્ટાર રહેવું જોઈએ. આપણે મોટા ભાગે મનથી જ હારી જતાં હોઈએ છીએ. માણસ એક વાર મનથી હારી જાય પછી તે ખરેખરી જીત પણ પિછાની શકતો નથી. 

પશ્ચિમ જર્મનીના એક વારના ચાન્સેલર એડોનેરનું જીવન જ ૬૦ વર્ષ પછી શરૂ થયું હતું. ચર્ચિલનું સાચું રાજકીય જીવન પણ ૬૦ વર્ષ પછી શરૂ થયું. ચર્ચિલના એક ચરિત્રકારે નોંધ્યું છે કે ચર્ચિલનું મૃત્યુ ૬૦ વર્ષે થયું હોત તો બ્રિટનના ઇતિહાસમાં તેનું નામ કોઈ નાના પ્રકરણની ફૂટનોટમાં જ દટાઈ ગયું હોત. ચંગેઝ ખાનની જિંદગી ખરેખર ૫૬મા વર્ષે શરૂ થઈ હતી. બ્રિટનના જાજરમાન વડા પ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીના સંધ્યાટાણે સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર ૫૫ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદ્ભાગી બન્યા. દુુનિયામાં લાખો લોકો આજે પણ જે કથા રસપૂર્વક વાંચે છે, તેનાં હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન કિહોટ’નો લેખક સર્વાન્ટિસ દારુણ ગરીબીમાં ૫૮ વર્ષની ઉંમરે એ વાર્તા લખવા બેઠો હતો. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઈએ, નક્કી કરી નાખવું જોઈએ અને પછી તેમાં ગૂંથાઈ જવું જોઈએ. માણસ ધારે તો ઘણાં બધાં કામ સાથે પણ કરી શકે છે. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માણસની પ્રવૃત્તિ માત્ર રોજીરોટી કમાવાની આવશ્યકતાના ખાબોચિયામાં ડૂબી જવી નહીં જોઈએ. જેમના જીવનમાં કાર્યપ્રવૃત્તિનો ગુંજારવ ચાલુ જ રહે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક પણ મધ નીપજ્યા વગર રહેતું નથી. જેઓ કાંઈ કરતા નથી, વહેલા થાકીને બેસી જાય છે, તેમને કાંઈ સિદ્ધિ મળતી નથી, તે તો ઠીક, પણ તે સાચા અર્થમાં જીવંત પણ રહેતા નથી.

ઘણા બધા માણસો પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, ‘સાહેબ, આવડત તો એટલી બધી છે, કામ કરવું પણ એટલું બધું ગમે છે  ફલાણાને પૂછી જોજો ને, એ તમને કહેશે કે હું તો કામનો રાક્ષસ હતો. એટલું કામ કરતો, એટલું કામ કરતો... પણ અત્યારે કાંઈ કરી શકતો નથી,  કેમ કે પત્ની બીમાર જ રહે છે. આજકાલ કરતાં પાંચસાત વર્ષ થઈ ગયાં. દવાદારૂ ચિંતા  કામ શું સૂઝે! આવા માણસોને તમે પૂછો કે ખરેખર પત્ની બીમાર છે, તો તમે રસોઈ શીખી ગયા? શું તમે બધાંને રસોઈ કરીને જમાડો છો? શું તમે ઘર સંભાળો છો? શું તમે પત્નીની ચાકરી કરો છો? આ બધાંનો જવાબ કાં તો ના હશે અને કાં હાના જેવો હશે. કોઈ પત્ની કે પુત્રની માંદગીની વાત કરશે, કોઈ પોતાના પક્ષાઘાત કે લોહીના દબાણની વાત કરશે, કોઈ એક યા બીજા પ્રકારની મુશ્કેલી આગળ કરશે. કેટલાક કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ મોટા ભાગના કિસ્સામાં આવાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવી રાખેલાં હોય છે.

૫૫થી ૬૦ વર્ષની ઉંમરના માણસોને તમે ‘પેન્શનર્સ પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટા મારતાં જુઓ ત્યારે થાય કે, આ બધા કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર, સરકારી અમલદાર કે દુકાનદાર હોય તો સારી વાત છે. પણ તેથી તો તેમણે બેસી જવાને બદલે પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઈએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડ્યું છે. સમાજને ઉપયોગી થવાનાં નાનાંમોટાં લાખ કામ રાહ જોઈને પડ્યાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે નવરા પડવું ન પડે એટલું કામ છે.

પણ તેમાં પ્રવૃત્ત થવાને બદવે માણસ અત્યારે કાં તો મોટાં પાટિયાં મારીને આળસને લાડ લડાવતી ક્લબપ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે, અને કાં પોતાની નિષ્ક્રિયતાને ધાર્મિકતાનો કેસરી સાફો બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાનીમોટી વેદનામાં પિલાતા હોય, કોઈની મદદનો હાથ આવી મળવાની રાહ જોઈ રહ્યા હોય, ત્યારે કોઈને પણ ઈશ્વરના નામે રિટાયરિંગ રૂમમાં પગ પહોળા કરીને બેસી જવાનો અધિકાર નથી.

ભૂપત વડોદરિયાના પંચામૃત પુસ્તકમાંથી..............