Thursday, 16 August 2012

આપણી નિંદાના કારણે આપણને હતાશા પેદા થાય તો આત્મ પરિક્ષણ કરવું................

અમેરિકન લેખક માર્ક ટ્વેઇને વિનોદી શૈલીમાં એવું કહ્યું છે કે, આ દુનિયામાં કોઈ પણ માણસને દુખી થવા માટે દુશ્મન કે ખરાબ બોલનાર પૂરતો થઈ પડતો નથી. તમારી સાથે દુશ્મની કરનાર કે તમારા વિશે નિંદા કરનારની એ ચેષ્ટા અને વાણી તમારા કાન સુધી પહોંચાડનારો કોઈ મિત્ર પણ જોઈને ને? તમારો આ મિત્ર કોઈ ત્રીજી વ્યક્તિએ કરેલી તમારી નિંદાનો ઝડપી સંદેશાવાહક બને છે.
માર્ક ટ્વેઇન માનવસ્વભાવના કાબેલ પરીક્ષક હતા ને તેમણે માનવસંબંધોમાં પ્રેમધિક્કાર, ઈર્ષા, અણગમા વગેરેના સૂક્ષ્મ તારની ગૂંથણી જોઈસમજીને પછી તેને પોતાની વિનોદી શૈલીમાં વાર્તા કે પ્રસંગકથારૂપે ઠેર ઠેર રજૂ કરી છે.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને તેમના એક સંબંધીએ કહ્યુઃ ‘તમે જેને ખૂબ મદદ કરી છે તેવો અમુક માણસ તમારા વિશે આવું આવું બોલે છે! તમે એની સાથે શું કામ સંબંધ રાખો છો?’
લિંકને એવો જવાબ આપ્યો હતો કે એ માણસ મારી રૂબરૂ આવું કશું કહે નહીં ત્યાં સુધી મારે તેને ધ્યાન પર લેવાની જરૂર હું જોતો નથી. કેટલીક વાર માણસો આવેશ કે મિજાજની અમુક પળોમાં કેટલુંક બોલી જતા હોય છે, પછી મનમાં ને મનમાં પસ્તાતા પણ હોય છે. આપણે સારા હોઈએ કે બૂરા હોઈએ  આપણા મિત્રો, સંબંધીઓ, પરિચિતોના મનમાં ખરેખર આપણી શી છાપ હશે તે આપણે જાણી શકતા નથી. આને માટે કોઈનું હૃદય ચીરી શકાતું નથી અને આપણે પોતે પણ આપણું હૃદય ચીરીને કોઈને બતાવી શકતા નથી.
આપણે જાણીએ છીએ કે આ વાત સાચી છે. માણસોના અંતરમાં પડેલી આપણી આવી જુદી જુદી છબીઓ આપણે ભેગી કરવા જઈએ તો આપણે પોતે જ એક દુખદાયક ભુલભુલામણીમાં પડી જઈએ. માણસોના મન પર પડતી આવી છબીઓ પડછાયા જેવી હોય છે, કોઈ સુરેખ સંગીન ચિત્ર નથી હોતું, તેની કોઈ સ્થિર રેખાઓ નથી હોતી, તે વખતોવખત બદલાયા કરે છે. અમુક વ્યક્તિનો આ પડછાયો છે તેટલી બાબત ચોક્કસ અને આવા ઝાંખા તો ઝાંખા પડછાયાની એક વિશિષ્ટ મુદ્રા પણ ચોક્કસ, બાકી તેની અંદરની રંગરેખાઓ સુધારાવધારાને પાત્ર જ હોય છે.
એ વાત સાચી છે કે માણસો એકબીજા વિશે તેમની ગેરહાજરીમાં નિંદા કરતા હોય છે, ટીકા કરતા હોય છે, ફરિયાદ કરતા હોય છે અને ઘણી વાર તો ગંભીર તહોમતનામાં પણ જાહેર કરતા હોય છે. મુશ્કેલી એ છે કે તેઓ આ બધી નિંદા કે આક્ષેપને પુરવાર કરવા કે નાસાબિત કરવા ઇચ્છતા નથી. આવા રીતસરના મુકાબલામાં તે ઊતરવા માગતા નથી. તેઓ ક્યારેય સાચજૂઠ કરાવવાની ઘડી આવી પહોંચે તો નામક્કર જતા હોય છે. તે કહેશે કે મેં આમ નહીં પણ જરા તેમ કહ્યું હતું. અગર તે બોલતો હતો અને મેં પહેલા તમારો બચાવ કર્યો પણ પછી એક બે મુદ્દા પર મારાથી તેની વાતમાં સૂર પુરાવાઈ ગયો!
આપણા કાન સુધી જેઓ આ નિંદાવચનો લઈ આવે છે, તેમના ઇરાદા વિશે શંકા કરવા જેવું હોય છે, છતાં મુદ્દલ શંકા ન કરીએ તો પણ સમજવા જેવું એ છે કે તેને બહુ ગંભીર રીતે મન પર લઈને દુખી થવાની પણ જરૂર હોતી નથી અને તેના જવાબમાં કોઈ બચાવનામાં રજૂ કરવાની પણ જરૂર હોતી નથી. આવી નિંદાટીકાનો સામનો કરવાની લિંકનની શૈલી સર્વાંશે સાચી છે. અબ્રાહમ લિંકનની સામે જાહેર રીતે મલિન પ્રહારો થયા ત્યારે પણ તેમણે તેના વાદવિવાદમાં પડવા કરતાં વધુ શાંત અને સાત્ત્વિક ઉપચાર અજમાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બધી નિંદાટીકાને હું મારી વર્તનશુદ્ધિથી જૂઠી પુરવાર કરી આપીશ તો કોઈ નિંદા ટકી શકવાની નથી અને મારા વર્તનમાં જો આ નિંદાને સમર્થન આપનારી કશીક ચેષ્ટા થશે તો મારો કોઈ ખુલાસો બીજાઓને ગળે ઊતરવાનો નથી!
આપણી નિંદાના કારણે બેચેની કે હતાશા પેદા ન થાય તેવું કરવું હોય તો તેનો રસ્તો એ છે કે તેમાંથી આપણી પોતાની આત્મનિંદા તરીકે જે વિચારવા-તપાસવા જેવું લાગે તે જોવું, તપાસવું અને બાકીનું ફેંકી દેવું. છતાં ધ્યાન રાખવું કે આજ સુધીની તવારીખમાં નિષ્કલંકમાં નિષ્કલંક માણસો પારાવાર નિંદા અને જાહેર શૂળીથી બચી શક્યા નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

પ્રેમ એ જ માણસ-માણસ વચ્ચેની સાર્થક ભાગીદારીનો વણલખ્યો કરાર છે....................


પ્રેમ એ જ માણસ-માણસ વચ્ચેની સાર્થક ભાગીદારીનો વણલખ્યો કરાર છે....................

જવાહરલાલ નહેરુએ એમનાં પત્ની કમલા નહેરુના અકાળ અવસાન પછી એવી લાગણી અનુભવી હતી કે, ‘હું એને સમજી શક્યો નહીં. આજે તો એ નથી ત્યારે તેને સમજવા મથું છું. પણ એ હયાત હતી ત્યારે તેને સમજવાની પૂરતી કોશિશ કરી નહીં. કમલા અત્યંત સ્વમાની અને અત્યંત સંવેદનશીલ હતી. હું મારી જાતને બહુ જ બુદ્ધિશાળી ગણતો અને તે ઓછું ભણેલી છે તેમ માનતો. એટલે કદી સંવાદ રચાયો નહીં.’
બહુ જ ઓછા માણસો આ પ્રકારના અફસોસથી બચી શક્યા છે. આવો અફસોસ કોઈએ પત્ની સંબંધે, કોઈએ માતા સંબંધે, કોઈએ બહેન સંબંધે, કોઈએ પોતાના ભાઈ સંબંધે અને કોઈએ પોતાના મિત્ર સંબંધે વ્યક્ત કર્યો છે. દરેક વ્યક્તિ કહે છે  એટલું બધું કામ માથા ઉપર હતું કે આને માટે સમય જ રહ્યો નહીં! માણસની કરુણતા એ છે કે એ પ્રવૃત્તિની પોતાની ભૂખને જ જીવન સમજે છે અને ખરેખર જે કરવાનું કામ છે  જીવવાનું  એને કામ જ ગણતો નથી. જે જીવવાનું ખરંુ કામ છે તેને ‘યાંત્રિક’ બનાવી દે છે અને આજીવિકાની, વિશેષ ધન મેળવવાની, મિલકત ઊભી કરવાની મહત્ત્વાકાંક્ષાને આગળ વધારવાની અને સત્તા કે નામ મેળવવાની પ્રવૃત્તિને જ ખરંુ જીવન સમજી બેસે છે. આવી પ્રવૃત્તિઓનો એ એવો પહાડ ખડો કરી દે છે કે તેની નીચે તે સંપૂર્ણપણે દબાઈ જાય છે, ઢંકાઈ જાય છે અને તેની જાણ બહાર જ એ એક ‘જંતુ’ બની જાય છે.
માણસો કહે છે કે અમે જીવનનો આનંદ મેળવવા માટે જ ઘણાં બધાં કામો કરીએ છીએ. એ બધાં કામો ભલે બીજા લોકોની નજરે નકામાં કે સમયની ફિઝૂલખર્ચી જેવાં લાગે! પણ આ રીતે આનંદ મેળવવા કરતાં આનંદ મેળવવાનો બીજો પણ માર્ગ છે. માણસને અણગમતાં લાગતાં હોય, પણ જે ખરેખર કરવા જેવાં કામ હોય તેવાં કામમાંથી પણ માણસ ધારે તો આનંદ મેળવી શકે છે. તમે કોઈ પણ વ્યક્તિને ચાહશો, તમે કોઈ પણ પ્રવૃત્તિને ચાહશો તો વ્યક્તિ કે તે પ્રવૃત્તિ તમારા માટે આનંદની પાતાળગંગા બની જશે. એક મિત્રે હમણાં એક ‘સફળ’ માણસની વાત કરી. એણે સમાજમાં મોટું નામ મેળવ્યું. પૈસા પણ એ મોટા નામમાંથી જ નિપજાવ્યા. એમની પત્નીનું અવસાન થયું. પત્નીને ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે ત્યાં હાજર નહોતા. એવું નહોતું કે હાજર થઈ શકે તેમ નહોતા,  પણ તેમણે જેમ પત્નીને કદી ગંભીરતાથી ગણતરીમાં લીધી નહોતી તેમ તેનાં રોગ કે પીડાને પણ ગંભીર ગણી શક્યા નહીં. પત્નીને શો રોગ હતો તેની પણ તેમને ખબર નહોતી. કામમાં ગળાડૂબ માણસ  પોતાનું ડૂબતું ઘર જ એને દેખાતું નહોતું. પત્ની તો ગઈ એક પ્રશ્નના મોટા પ્રશ્નાર્થ મૂકીને ચાલી ગઈ. જેમને માટે પત્ની એક પ્રશ્ન જ રહે છે તેમને માટે સંતાનો પણ એ પ્રશ્નના મોટા ગુણાકારમાં પલટાઈ જાય છે.
આ સંસારમાં નિવારી ન શકાય તેવાં દુખો અને પીડાનો કોઈ પાર નથી. પણ માણસ પોતાના હૃદયની ક્ષિતિજો લંબાવીને તેની ઉપર કાબૂ મેળવવા સતત મથતો જ રહે છે. કરુણાની અમીનજરમાં એ પીડાનો ડંખ ધોવાની કંઈક શક્તિ પડેલી છે. પ્રેમ એ જ માણસમાણસ વચ્ચેની સાર્થક ભાગીદારીનો વણલખ્યો કરાર છે. આપણી એ કમનસીબી કહેવાય કે એ કરાર આપણને દેખાતો નથી. પ્રેમને ઈશ્વરસ્વરૂપ ગણ્યો છે, કેમ કે તે એ નથી તો પછી કશું જ નથી.
 પોતાના ઘરના કોઈ રૂપાળા આરસપહાણની સગાઈ માણસ કબૂલે છે. પોતાનું નામ વધુ ને વધુ મોટા અક્ષરોમાં ચીતરીને તેને જ તે તરણોપાય ગણીને વળગી પડે છે. કારોબારીની વધુ ને વધુ વિશાળ જાળ પાથરીને માછલી જેવું ચંચળ ધન ભેગું કરવા મથે છે, પણ મોટો બંગલો માણસની મંજિલ નથી, મોટો કારોબાર પણ એની મંજિલ નથી અને મોટું ધન એ પણ એની મંજિલ નથી. આ રીતે એ દોડીદોડીને જ્યાં પહોંચે છે તે તો મૃતદેહની મંજિલ જ હોય છે.
પોતાના નાનકડા દરની અંદર ‘સુખ’ના પાંચ દાણા ખેંચી લાવીને, સંઘરીને કે તેને હજમ કરીને જીવવું એ કંઈ જીવન નથી. પોતાના હૃદયને સંતાડીને, સંકોચીને, સાચવીને સલામતીથી જીવવું એ જીવન નથી. પોતાના હૃદયને જ સંગ્રહસ્થાન બનાવીને જીવનારા છેવટે અસહ્ય ગૂંગળામણ અનુભવે છે. ઈશ્વરે માણસને માણસની બંધ મુઠ્ઠી જેવું હૃદય આપ્યું છે. માણસ એ બંધ મુઠ્ઠી પૂરેપૂરી નિઃસંકોચ ખોલીને જીવે તો ઈશ્વર સહિતનું બધું જ તેને માટે હસ્તગત બની જાય છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

આપણે આપણી ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાની છે.......................


આપણે આપણી ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાની છે.......................

એક સુખી ગૃહસ્થને એક વાર ખબર પડી કે તેમના સંબંધી તેમને સમાજમાં હલકા પાડવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ કરતા રહે છે. થોડાક દિવસ તો એ ગૃહસ્થ એક પ્રકારની માનસિક ઉત્તેજનામાં રહ્યા અને પોતાને સમાજમાં હલકા પાડવાની પ્રવૃત્તિ કરનારી વ્યક્તિની હિલચાલ ઉપર સતત નજર રાખતા રહ્યા. તેમની આવી પ્રવૃત્તિના પુરાવાઓ પણ શોધતા રહ્યા. પછી એક દિવસ તેમણે આ બાબતને મનમાંથી દૂર કરી નાખી. તેમના એક મિત્રે પૂછ્યુઃ ‘તમે કેમ એકદમ પાછા હટી ગયા? તમને બદનામ કરવાની પ્રવૃત્તિ કરી રહેલા તમારા સંબંધીનો બરાબર સામનો કરવાનો ખ્યાલ તમે કેમ છોડી દીધો? બે માણસો વચ્ચે લડાઈ થાય અને કડવાશ વધે તે જોવામાં મને રસ છે તેમ તમે માનશો નહીં. પણ આ જાતની પ્રવૃત્તિ અંગે મારી માન્યતા એવી છે કે આવા માણસો પ્રત્યે આંખ આડા કાન કરવાથી સરવાળે એવું બને છે કે આવા માણસો ફાવી જાય છે. તેમની આ પ્રવૃત્તિ વધુ ફાલેફૂલે છે અને આવા માણસો બેધડક અને કશા વળતા પ્રતિકારની ભડક વગર આગળ વધતા રહે છે, ત્યારે સારા માણસને સમાજમાં નુકસાન થાય છે. શરૂઆતમાં તમે આ પ્રવૃત્તિને ગંભીર ગણી હતી, પણ પછી તમે એ પ્રવૃત્તિ પ્રત્યે બેધ્યાન બની ગયા. આ તમે ઠીક ન કર્યું, તમે આવું કેમ કર્યું? શું તમે તેનાથી ડરી ગયા?’
થોડીક વાર ચૂપ રહીને ગૃહસ્થે જવાબ આપ્યોઃ ‘તમારા દ્રષ્ટિબિંદુની કદર કરું છું. ખરેખર અગાઉ મારું દ્રષ્ટિબિંદુ પણ તમારા જેવું જ હતું. પણ થોડાક અનુભવને અને વધુ તો આ બાબતનો પૂરેપૂરો વિચાર કરતાં મને એવું લાગ્યું છે કે આવી બાબતોમાં પુરાવાઓ ભેગા કરવા કરતાં આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનું વધુ ડહાપણભર્યું હોય છે.’ ઈર્ષાથી પ્રેરાઈને અગર અણગમાથી એક માણસ બીજા માણસ સામે કાદવ ઉછાળતો હોય તેવા કિસ્સામાં બદનામીનો ભોગ બનેલો માણસ જ્યારે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટેની હકીકતો આગળ કરે છે અગર ખરાબ બોલનાર વ્યક્તિ પોતે જ ખરાબ છે તેવું સિદ્ધ કરવા મથે છે ત્યારે તે પોતે જ સૌથી વધુ દુખી થાય છે. એક માણસની બદનામી કરવાની પ્રવૃત્તિ બીજો માણસ કરે ત્યારે એ બીજા માણસની પ્રવૃત્તિ ચોક્કસ નિંદાપાત્ર છે. પણ હાથ ધરે ત્યારે તેની એ પ્રવૃત્તિ પણ એટલી જ અનિચ્છનીય બની રહે છે. છેવટે તમારા વિશે અમુક માણસ શું માને છે અગર શું કહે છે તે તમારા માટે એટલું મહત્ત્વનું નથી. સૌથી વધુ મહત્ત્વનું તો એ છે કે તમે તમારા વિશે શું માનો છો? તમારી સામેના આક્ષેપો તમે તદ્દન જૂઠા માનતા હોય તો તમારે એટલા બેચેન બનવાની જરૂર નથી. તમારી સામેના આક્ષેપોમાં તમને કંઈ પણ તથ્ય લાગતું હોય તો તમારા માટે વધુ સારો રસ્તો તમારી એ ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાનો છે. એક અગર બીજા પ્રકારની નિંદા કરનારાઓ પ્રત્યે આપણે અસહિષ્ણુ બનીએ છીએ તેનું કારણ એ જ હોય છે કે આપણી ખામીઓ અને મર્યાદાઓ સ્વીકારી શકતા નથી.
રખે કોઈ માને કે આવા આક્ષેપો જાહેર જીવનમાં પડેલાઓની સામે જ થાય છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સહિત અનેક ધર્માત્મામહાત્માઓ વિશે આવા આક્ષેપો થયા છે. મોટા ભાગે આવા ધર્માત્માઓ સામે એવો આક્ષેપ બહુ જ પ્રચલિત છે કે તેમનું મગજ ચસકેલું હતું! તેઓ મનોરોગી હતા!
એક સામાન્ય માણસ જરૂર કહી શકે કે આવા મોટા માણસોની નાની કે મોટી બદનામીની વાત સમજાય તેવી છે. તેમનાં જપ, તેજ, તેમની બુદ્ધિપ્રતિભા કે પ્રભાવકીર્તિ જોઈ  સાંખી નહીં શકનારા કોઈ ને કોઈ માણસો તેમની બદનામી કરવા મેદાને પડે તે બરાબર છે. પણ મારા જેવો સામાન્ય માણસ શું કોઈની ઈર્ષા નોતરતો હોય છે? સામાન્ય માણસ તો બિચારો બાંધી મુઠ્ઠી લાખની ગણીને બેઠો હોય છે. આજીવિકા કમાવા માટે પરસેવો પાડતો હોય છે. આબરૂભેર પોતાનો વહેવાર ચલાવવા સતત તાણીતાણીને છેડા બાંધતો હોય છે. આવા માણસની સામે જીભનું ઝેર ફેલાવવામાં આવે ત્યારે તેની દશા શું થાય? તેણે પોતાના મનની શાંતિ શી રીતે ટકાવી રાખવી? તેણે પોતાનું મોં બીજાઓને બતાવવાની હિંમત શામાંથી ઊભી કરવી?
આવા સામાન્ય માણસની વાત એક રીતે સાચી છે. પણ તેની વાતમાં અમુક તથ્ય હોવા છતાં તેણે લાચાર બનીને આ બાબતમાં વિચારવાની જરૂર નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

Wednesday, 15 August 2012

માતા-પિતાનું પ્રતિબિંબ સંતાનોમાં દેખાય...............................


માતા-પિતાનું પ્રતિબિંબ સંતાનોમાં દેખાય...............................

જર્મનીના મહાકવિ ગેટે અને શીલર પોતપોતાની માતાને ખૂબ ચાહતા હતા અને પોતાને મળેલી બુદ્ધિ અને સંવેદનશીલતાને ‘માતા તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસો’ ગણતા. ગેટે એક વાર ફ્રેંક્ફર્ટ ગયા ત્યારે પોતાની માતા પ્રત્યે જે જે વ્યક્તિએ માયાળુ વર્તન દાખવ્યું હતું તે દરેકને રૂબરૂ મળીને તેમનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. અંગ્રેજી ભાષાનો પ્રથમ શબ્દકોશ આપનારા સેમ્યુઅલ જોન્સન આમ તો બરછટ માણસ હતા, પણ પોતાની માતાની વાત નીકળે ત્યારે એકદમ નરમમધુર બની જતા. વર્ષો સુધી જોન્સન પોતે જ ખૂબ ગરીબ હતા છતાં માતાની જરૂરિયાતો અંગે તે સતત કાળજી રાખતા. માતા મૃત્યુ પામી ત્યારે તેની અંતિમવિધિના ખર્ચને પહોંચી વળવા તથા માતાના શિરે જે પરચૂરણ દેવું હતું તે ભરપાઈ કરવા તેમણે તાબડતોબ ‘રસેલાસ’ વાર્તા લખી કાઢી હતી અને માતૃઙ્ગણ અદા કર્યું હતું.
અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન અગિયાર વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. માતા વિધવા બની. તેનાં પાંચ સંતાનોમાં સૌથી મોટા જ્યોર્જ વોશિંગ્ટન. વોશિંગ્ટને નોંધ્યું છે કે પાંચપાંચ બાળકોનું ભરણપોષણ અને શિક્ષણ તથા ઘડતરનું કામ જે રીતે માતાએ કર્યું તે કદી મારા મન ઉપરથી ભૂંસાયું નથી. જિંદગીમાં તકલીફોઅડચણો આવે ત્યારે નાહિંમત થયા વિના તેને કઈ રીતે પહોંચી વળવું તેની સૂઝસમજ મને મારી માતાના જીવનમાંથી મળી.
આપણે ત્યાં મહાત્મા ગાંધી પોતાની સત્યનિષ્ઠા અને ધૈર્ય તેમજ હિંમત માટે પોતાની માતા પૂતળીબાઈને યશ આપે છે. સ્વ. જવાહરલાલ નહેરુ ઉપર માતા કરતાં પિતાનો વધુ પ્રભાવ દેખાય છે, પણ જવાહરલાલ માતાને કેટલી બધી ચાહે છે તે તો માતા સ્વરૂપરાનીદેવીને ગોરા સૈનિકોએ ઘોડાની અડફેટે ચઢાવ્યાં ત્યારે જેલ ભોગવી રહેલા જવાહરલાલે ગાંધીજી ઉપરના પત્રમાં વ્યક્ત કરેલી વેદનામાં દેખાય છે.
સુભાષચંદ્ર બોઝ એમનાં માતાપિતાનું નવમું સંતાન હતા. દીકરા તરીકે એમનો છઠ્ઠો નંબર. સુભાષબાબુએ કહ્યંુ છે કે પિતા કંઈક અતડા અને એમને માથે બહારની જવાબદારી ઘણી તેથી મને હંમેશાં દૂરદૂર લાગ્યા કરતા, પણ હું મારી માતાની ઠીકઠીક નજીક હતો અને મારા મનની વાતો તેમને કહેતો. સુભાષબાબુને મન માતા ધર્મગુરુ અને માર્ગદર્શક જેવી હતી. સુભાષબાબુ પર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના પ્રભાવમાં પણ એમની માતાનો હિસ્સો દેખાય છે. ભારતમાતાની મૂર્તિ પણ સંભવતઃ એમને એ રીતે જ દેખાઈ.
કોઈ પણ માણસ તે મહાન હોય કે સામાન્ય, તેનાં જીવન પર તેના માતાપિતાની પ્રબળ અસર પડે જ છે. ઘણા કિસ્સામાં માબાપ બંનેનું સુખ વર્ષોના હિસાબે ઘણું લાબું મળ્યું હોય, પણ ખરેખર માબાપ અને સંતાન વચ્ચે કોઈ ‘જીવંત સંબંધ’ ન સ્થપાયો હોય. આવા કોઈ સંવાદ વગર પણ સંતાનો માતાપિતાના જીવનમાંથી સારાનરસા સંદેશા ઝીલે એવું પણ બને છે.
વિન્સ્ટન ચર્ચિલને માતાનો સ્નેહ ખાસ મળ્યો જ નહીં. માતા પુત્ર અંગે કંઈક નાનપની લાગણી અનુભવતી (પોતે કેટલી સુંદર સ્ત્રી છે અને બાળક કેવું બેડોળ છે!) આના પરિણામે ચર્ચિલ શરૂઆતમાં શરમાળઢીલાબીકણ અને પછી અત્યંત હિંમતવાન અને નીડર બની જાય છે. માતાના બધા હલકા અંદાજોને તે પોતાના જીવનચરિત્ર દ્વારા રદબાતલ ઠરાવવા મેદાને પડે છે. બીજો કિસ્સો ફ્રેન્ચ લેખક વોલ્ટેરનો છે. વોલ્ટેરને જન્મ આપીને તેની માતા એકદમ હતાશ થઈ ગઈ હતી. આવું કદરૂપું બાળક? વોલ્ટેરે પોતાનું નબળું શરીર અને નરમ તબિયત છતાં જાણે માતાના ‘અભિપ્રાય’ને બિલકુલ ખોટો પાડવા કમર કસી હોય તેમ એ જન્મટાણાના તદ્દન ‘ઘાટઘૂટ વગરના પિંડ’માંથી એ જાતે ફ્રેન્ચ ઇતિહાસમાં પોતાની ઊંચી પ્રતિભાશાળી મૂર્તિ ઘડી કાઢે છે.
કેટલાક કિસ્સા એવા જોવા મળે છે કે જેમાં સંતાનો માબાપ સાથે નિર્દય વહેવાર કરે અને તેમનું જીવવું ઝેર કરી દે. ક્યારેક આવાં સંતાનો માબાપના મૃત્યુ બાદ પસ્તાવાની તીવ્ર લાગણી અનુભવીને પછી માબાપની છબીઓને પૂજાખંડમાં ગોઠવી દે છે અને પોતાનું જે ‘ઉદાત્ત ચરિત્ર’ માબાપને તેમની હયાતીમાં બતાવી ન શક્યા તે ચરિત્ર તેમની ગેરહાજરીમાં ઉપસાવવા મથે છે અને એવી આશા કે શ્રદ્ધા સાથે એવું ઇચ્છે છે કે પોતાનાં માબાપ જે લોકમાં હોય એ લોકમાંથી તેમનું આ નવું અને વધુ સાચું રૂપ જુએ અને શાબાશી આપે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી...............

આખરી કશુંજ નથી.....................


આખરી કશુંજ નથી.....................
માણસના અકારણ અભિમાન  અહંકારનું એક રમૂજી દ્રષ્ટાંત વોલ્ટેરે પોતાના પુસ્તક ‘ફિલોસોફિકલ ડિક્શનરી’માં આપ્યું છે.
એક મોટા મહેલની બહાર બે વાંદા બેઠા છે અને એક વાંદો બીજા વાંદાને કહે છે ઃ ‘આ ઇમારતની બાંધણી તો જુઓ! હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું આ મકાનનો આર્કિટેક્ટ નથી! સાહેબ, હું જે ઇમારતનો સ્થપતિ હોઉં તેમાં આવી ખામીઓ હોય જ નહીં!’ બીજા વાંદાએ કહ્યું: ‘આ ઇમારત બનાવનારે મને પણ કંઈ પૂછ્યું નથી! આપણને કોઈ પૂછે જ નહીં ત્યારે આપણે શું કરીએ?’
આ પૃથ્વી વિશે, આ સંસાર વિશે, આ બ્રહ્માંડ વિશે કેટલાક માણસો પણ પેલા વાંદાઓની જેવા જ સંવાદ ચલાવ્યા કરતા હોય છે! તેમનું અભિમાન એટલું બધું છે કે પોતાની અલ્પતા અને પોતાની આંખ સામેની જ આ અવર્ણનીય ભવ્યતાને ઓળખી જ શકતા નથી.
મોન્ટેનનું પોતાનું એક સૂત્ર હતું:  ‘હું શું જાણું છું? હું કંઈ જ જાણતો નથી.’ સાચી વાત આ જ છે. માણસ ખરેખર કંઈ જ જાણતો નથી અને છતાં તે ઘણું બધું જાણે છે તેના ભ્રમમાં જ જીવ્યા કરે છે. જેઓ ખરેખર કંઈ પણ જાણે છે તેમનું પોતાનું ‘મર્યાદિત’ જ્ઞાન પોતે જે નથી જાણતા અને જાણી શકે તેમ નથી તેવા વિરાટ અજ્ઞાનને માપવાના માપદંડ તરીકે પણ ચાલી શકે તેવું નથી તેનું તેમને બરાબર ભાન હોય છે. એટલે જ્યારે વિજ્ઞાની આઇઝેક ન્યૂટનની શોધોની વાહવાહ થાય છે ત્યારે ન્યૂટન પોતે તો પૂરી નમ્રતાથી કહે છે કે, ‘મારું જ્ઞાન અનંત મહાસાગરના કિનારા ઉપર વીણેલાં શંખછીપલાં કરતાં જરાય વધારે નથી!’
ઈશ્વરે મનુષ્યને ‘ભાન’ આપ્યું છે, ‘શુદ્ધિ’ આપી છે અને અબૂઝ જિજ્ઞાસા પણ આપી છે. એટલે સોક્રેટિસ કહે છે કે મૃત્યુ મારી નજીક આવીને ઊભું હોવા છતાં કંઈ ને કંઈ નવું જાણવાની મારી જિજ્ઞાસા જરાય ઓછી થઈ નથી એટલે મને લાગે છે કે મૃત્યુ પછી પણ જીવન હોવું જોઈએ. વૈજ્ઞાનિકો માને છે કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી પોતાના મૃત્યુની નિશ્ચિતતા અને અનિવાર્યતા વિશે સજાગ નથી! પ્રાણીઓ વિશે આપણે ઘણું બધું જાણવાનો દાવો વાજબી રીતે કરી શકીએ તેમ છીએ અને છતાં આ બાબતમાં પણ સાચી હકીકત શું છે તે તો કોઈ દાવા સાથે કહી ન શકે, કેમ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે માણસને પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનના ભરોસે જ્યારે તેણે એવો દાવો કર્યો કે બસ, છેવટની વાત આ જ છે ત્યારે જ વળી કોઈક નવી શોધ લઈને આગળ આવીને કહે છે કે ના, વાત કંઈક બીજી જ છે! આપણે જોઈએ છીએ કે ગઈ કાલે આપણે જેને પાકી સાચી વૈજ્ઞાનિક હકીકત ગણી હતી તે આજે ગલત ખ્યાલ ગણાઈને અસ્વીકાર્ય બની જાય છે. માણસ અનુભવે સમજી ગયો કે વિજ્ઞાનમાં પણ કશું આખરી નથી! વૈજ્ઞાનિક જ નહીં, ધાર્મિક માન્યતાઓ પણ સમય જતાં બદલાતી રહી છે.
સમગ્ર બ્રહ્માંડમાં એટલાં બધાં રહસ્યો પડેલાં છે કે તેને કોઈ એક જન્મારામાં પામવાનું માણસ માટે અશક્ય જ છે. જે કંઈ છે તે બધું જ પરમેશ્વરની અભિવ્યક્તિરૂપે, તેના પ્રાગટ્યરૂપે, તેની લીલારૂપે જોઈને જ તેનો આછોપાતળો પાર પામવાનું શક્ય છે. ખુદ વૈજ્ઞાનિકોએ પણ કબૂલ કર્યું છે કે ઘણી બધી શોધોની ચાવીઓ તેમને બુદ્ધિતર્કના રસ્તે મળી નથી  કાં તો તે અંતઃપ્રેરણાથી મળી છે કે સ્વપ્નસંકેતરૂપે હાંસલ થઈ છે. વૈજ્ઞાનિક રીતે ખુલાસા શક્ય છે, પ્રતીતિકર પણ લાગે, પણ બધી જ દલીલો સમજી ગયા પછી એવી લાગણી થાય છે કે કાંઈક રહસ્ય ખૂલ્યા વગરનું રહી ગયું છે! માંસના એક લોચામાંથી આંખો શેની બને છે, મગજ શેનું બને છે, હૃદય શેનું બને છે, ફેફસાં શેનાં બને છે, નાકની વિશેષતા અને કાનનું ધ્વનિતંત્ર શેમાંથી બને છે તેનો ખુલાસો વૈજ્ઞાનિક રીતે જે હોય તે  એવા ખુલાસા પછી ચમત્કૃતિનું એક તત્ત્વ બાકી બચી જાય છે. વધુ કંઈ નહીં તો આ સાવ સાચો વિસ્મય જે ઈશ્વરે બાળકને તેના જન્મ સાથે આપ્યો છે તેને અદૂષિત જીવંત રાખવાનું કામ માણસ કરે તો તેને ઈશ્વરની સાચી ઝાંખી પણ થાય અને તે માણસ તરીકે વધુ સાચી રીતે, વધુ સારી રીતે જીવી શકે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.......

Tuesday, 14 August 2012

પુરૂષાર્થ વડે ભાગ્ય બદલી શકાય.....................


પુરૂષાર્થ વડે ભાગ્ય બદલી શકાય.....................
દુનિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ.
એક બાળક રૂપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે તેને રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.
હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી  સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો  આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો  આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.
પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય, અને સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો  જીવનનો અર્થ શું? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને ‘યાંત્રિક’ હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે ‘સારા’ બનવું જોઈએ? ગયા જન્મનાં કુકર્મોનું જ ફળ મારે ભોગવવાનું છે. હું સારું કરું કે ખરાબ કરું તો તેની કોઈ અસર મારા વર્તમાન જીવન પર તો પડવાની નથી. કંઈ પણ પરિણામ મારા આ જિંદગીના કોઈક પુરુષાર્થનું આવવાનું હોય તો તે આવતા જન્મમાં જ આવવાનું!
એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખદુઃખ આવી પડે છે તે આપણા ઇરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી. ‘જિંદગી અને મૃત્યુનું ચક્ર’ નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દ્રષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. આમાં એ માણસનો દોષ શું? કોઈ કહે કે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળ જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે. પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મના કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૂર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક અને માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.
ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૂપે જોવાની જરૂર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથેસાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે અને ખરાબ ફળને ઓછું કરી શકે છે.
ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી..........

Monday, 13 August 2012

રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બને...........


રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બને............

એક તેજસ્વી જુવાન હમણાં અચાનક બીમાર પડ્યો. હૃદયરોગનો હુમલો હતો. દાક્તરોએ ઝડપથી તેને ઇસ્પિતાલમાં ખસેડ્યો. પખવાડિયાની સારવાર પછી તે ઘેર પાછો ફર્યો. તેની ખબર કાઢવા ગયેલા મિત્રોએ જોયું તો આ જિજ્ઞાસુ અભ્યાસી જુવાન હૃદયરોગ વિશેનો તબીબી ગ્રંથ વાંચી રહ્યો હતો.
એક વકીલે ટકોર કરીઃ ‘તમારી પેઢીનો પુસ્તકો સાથેનો આ પ્રેમસંબંધ અમને માન ઉપજાવે છે. કોઈ રોગ, કોઈ સામાજિક સમસ્યા, કાયદાની કોઈ ઠોકર તમને વાગે છે અને તમે તેને વિશેના ગ્રંથો ઉપાડી લાવો છો અને તેના અભ્યાસમાં પરોવાઈ જાઓ છો. બીજી બાબતોની મને ઝાઝી ખબર નથી પણ રોગની બાબતમાં એક વાત કહું તો ખોટું લગાડશો નહીં. તમે જેટલા રોગમાં ઊંડા ઊતરશો એટલો રોગ તમારામાં ઊંડો ઊતરશે. રોગ આવે ત્યારે તેને બુદ્ધિના સૂક્ષ્મદર્શક કાચમાંથી બહુ જોવાની કોશિશ ન કરવી. દવા જરૂર લેવી, સારવાર જરૂર કરાવવી, પણ રોગમાં બહુ રસ લેવો નહીં. તમારી જાણ બહાર રોગ તમારા મનમાં કીડાની જેમ ઘર કરે છે. રોગની દવા જરૂર લેવી, પણ રોગની પાછળ પડવું નહીં. રોગ સામાન્ય હોય કે ગંભીર હોય, તેની ઊંડી પિછાણ કેળવવાની જરૂર જ નહીં. માણસનું શરીર અટપટું યંત્ર છે અને છતા તે યંત્ર જ નથી. યંત્રના ભાગોની ખરાબી, તેની ભૂમિકા, તેનું સંયોજન  બધાં વિશે જરૂર જ્ઞાન મેળવી શકાય અને તે જ્ઞાન યંત્રને બરોબર ચલાવવામાં કે તેના બગાડની દુરસ્તી કરવામાં ઉપયોગી બને, પણ શરીરની બાબતમાં આ વાત શક્ય કે વહેવારુ નથી. કેટલીક વાર શરીરમાં જ આપણું ધ્યાન ખોવાઈ જાય, રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બની બેસે છે.’
હમણાં એક તબીબી સામયિકે એક માણસનો કેસ આપ્યો હતો. એણે જાહેર ઇસ્પિતાલોમાં સરકારના ખર્ચે, સમાજના ખર્ચે વર્ષો સુધી સારવાર લીધી, કેટલીયે શસ્ત્રક્રિયાઓ કરાવી, પરીક્ષાઓ કરાવી, દવાઓ લીધી, પણ આ માણસને ખરેખર કોઈ રોગ નહોતો. તેનું કલ્પનાશીલ મન જે અનેક ચિત્રો દોરતું રહેલું તે ચિત્રો જ દાક્તરો પાસે આવતાં રહ્યાં. એ માણસ આ કે તે રોગનાં લક્ષણો વર્ણવે, દવા લે અને આ રીતે તરેહતરેહની સારવારનાં સલામત કોચલાં શોધ્યા કરે છે. તબીબી સામયિકનો સૂર એવો હતો કે આવા દર્દીઓ સરકાર અને સમાજને માથે એક બોજો બનતા હોય છે. તેમને કંઈ હોતું નથી પણ તેઓ આ રીતે જાહેર આરોગ્ય સેવાઓનો ગેરલાભ ઉઠાવે છે.
અલબત્ત, આવા કિસ્સા અપવાદરૂપ જ હોય છે, પણ બધાને માટે આ એક જોખમના નિર્દેશરૂપ છે, અને દરેક માણસે આ જોખમ સમજવાની જરૂર છે. માણસ પ્રેમભૂખ્યો છે, તેને લાલનપાલન, ચાકરી, વિશેષ ધ્યાન, વિશેષ મહત્ત્વ બહુ જ ગમે છે. નાનકડા બાળકને વહાલ જોઈએ છે ત્યારે એ માને કહે છે કે, ‘મા, એવું માથું દુઃખે છે! તું જરા દબાવ ને!’ માત્ર બાળકો જ આવું કહે છે તેમ માનવા જેવું નથી. પુખ્ત વયના માણસો લાગણીની ભૂખની બાબતમાં બાળકની જેમ જ વર્તતા ઘણી વાર જોવા મળે છે. કહેવાનો આશય એવો નથી કે મોટા ભાગે માણસો સાચા રોગ કરતાં કલ્પિત રોગમાં સપડાયા હોય છે. આ દુનિયામાં નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના અસંખ્ય લોકોની શારીરિક યાતનાઓથી આપણે અજાણ હોઈ ન શકીએ. માણસોની એક પોચી માટી છે તેમ એક કઠણ માટી પણ છે. ગમે તેવી પીડા છતાં આવા માનવી મોંમાંથી હરફ નથી ઉચ્ચારતા અને ચહેરા પરનું સ્મિત ભૂંસાવા નથી દેતા.
અહીં મુદ્દો એ છે કે રોગ સાચો હોય તો પણ તેમાં મનને પરોવવા જેવું નથી. રોગને રજા આપવી હોય તો તેને ભૂલી જાઓ. દવાસારવારનો વિરોધ નથી. રોગને ભૂલી જવાની જરૂર એટલા માટે છે કે તેની સતત યાદ આપણા મનને રંગે છે અને શરીરમાં જાતજાતના સ્ત્રાવો પર પ્રતિકૂળ અસર પાડે છે. ગોલ્ડા મીર કેન્સરને ભૂલી ન હોત તો ઇઝરાયલ માટે તે કાંઈ કરી શકી ન હોત. ગાંધીજી લોહીના અત્યંત નીચા દબાણને ભૂલ્યા ન હોત તો તેઓ હિંદુસ્તાનની રજભાર ચિંતા કરી શક્યા ન હોત. રામકૃષ્ણ પરમહંસ પોતાના ગંભીર રોગને ભૂલ્યા ન હોત તો ભગવાનમાં આટલા ઓતપ્રોત થઈ શક્યા ન હોત. લેનિન તેમના રોજ દુઃખતા માથાને પકડીને બેઠા હોત તો રશિયામાં ક્રાંતિ કે બીજું કાંઈ તે કરી શક્યા ન હોત. સામાન્ય માનવીઓમાંય એવા અનેક મળી આવશે, જેઓ રોગને ભૂલીને જીવે છે, બરાબર જીવે છે અને કાંઈક ઉપયોગી કામ કરે છે. તેઓ દવાખાને જરૂર જાય છે, દવા જરૂર લે છે, પણ રોગને કંઠીની જેમ ગળામાં પહેરતા નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.............